રફી-લતા માટે ‘શાગિર્દ’માં ખાસ ગીત

જૉય મુખર્જી- સાયરા બાનુની ફિલ્મ ‘શાગિર્દ’ (૧૯૬૪) માં પહેલાં ‘વો હૈ જરા ખફા ખફા’ ગીત ન હતું. અને એ ગીત માટે લતાજીનું નામ ન હતું. પરંતુ મોહમ્મદ રફી – લતા મંગેશકરે લાંબા સમય પછી ફરીથી સાથે ગાવાનું નક્કી કર્યું હોવાથી તૈયાર કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે હીરો- હીરોઇનને ધ્યાનમાં રાખીને ખાસ ગીત તૈયાર થાય છે. પરંતુ નિર્દેશક સમીર ગાંગુલીની ‘શાગિર્દ’ ના ગીતો લખતા મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપતા લક્ષ્મીકાંત- પ્યારેલાલને રફી-લતા અણબનાવ પછી ફરી સાથે કામ કરવા લાગ્યા ત્યારે એક એવું જ ગીત તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો. મો.રફી અને લતાજી વચ્ચે ગીતની રૉયલ્ટી મુદ્દે ઝઘડો થયો હતો. બંનેએ બોલવાનું જ નહીં સાથે ગાવાનું પણ બંધ કરી દીધું હતું.

રૉયલ્ટીની સમસ્યા ઉકેલાઇ ગયા પછી બંનેએ ફરી સાથે ગીતો ગાવાનું શરૂ કર્યું ત્યારે એમની પાસે યુગલ ગીતો ગવડાવવાની સંગીતકારોમાં જાણે હોડ મચી ગઇ હતી. શરૂઆતના જે ત્રણ યુગલ ગીતો એમણે ગાયા એમાં બે સંયોગથી એમના સંજોગ મુજબના જ બન્યા હતા. તેમાં એક ‘જ્વેલથીફ’ (૧૯૬૭) નું ‘દિલ પુકારે આ રે આ રે આ રે’ અને બીજું ‘આમને સામને’ (૧૯૬૭) નું ‘કભી રાત દિન હમ દૂર થે’ મુખ્ય હતું. પણ ‘શાગિર્દ’ નું આ એક ગીત ‘વો હૈ જરા ખફા ખફા’ ખાસ લખાયું હતું. જે ફિલ્મની વાર્તાની નહીં પણ ગાયકોની સ્થિતિને અનુલક્ષીને તૈયાર કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં સાયરા એક દ્રશ્યમાં જૉયને આમ તો અન્ય કારણથી પોતાના ઘરની બહાર કાઢી મૂકે છે પરંતુ એ સ્થિતિનો ઉપયોગ રફી-લતા માટે કરવામાં આવ્યો હતો.

અસલમાં ફિલ્મ માટે એક યુગલ ગીત તૈયાર કરવામાં આવનાર હતું. એમાં મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુર સ્વર આપવાના હતા. પરંતુ ત્યારે જ ખબર પડી કે રફી-લતા વચ્ચેની નારાજગી દૂર થઇ ગઇ છે અને બંને સાથે ગાવા તૈયાર છે. એટલે નિર્માતા સુબોધ મુખર્જી, ગીતકાર મજરૂહ અને સંગીતકાર એલ.પી.એ નટખટ વિચાર સાથેનું એક ગીત તૈયાર કરવાનો નિર્ણય કર્યો અને ફિલ્મમાં હીરો-હીરોઇન એકબીજાથી નારાજ હોય એવી સ્થિતિ ઊભી કરવામાં આવી. મોહમ્મદ રફી અને લતા મંગેશકરે એ ગીત ‘વો હૈ જરા ખફા ખફા’ ને પણ એવા જ મૂડમાં ગાઇને બતાવ્યું હતું. જૉય- સાયરાએ એમાં અભિનય પણ ગજબનો કર્યો હતો. જોકે, જૉય મુખર્જીની આશા પારેખ જેટલી જોડી સાયરા સાથે જામી ન હતી. જૉયની સાયરા સાથેની છ ફિલ્મોમાંથી એકમાત્ર ‘શાગિર્દ’ હિટ રહી હતી. જૉય મુખર્જીએ ફિલ્મના ‘દુનિયા પાગલ હૈ’ ગીત માટે પણ મહેનત કરી હતી. તેમણે આ ગીત માટેનો ડાન્સ હોંગકોંગની એક નાઇટક્લબની નર્તકી પાસેથી શીખ્યો હતો.