એકવાર ગીરના પ્રવાસી પક્ષીઓ માટે પણ સફારી કરવી જોઈએ

લગભગ 10 એક વર્ષ પહેલા ગીર નેશનલ પાર્ક(સાસણ ગીર)માં હાલમાં જેટલા પ્રવાસીઓ આવે છે એટલા પ્રવાસીઓ આવતા નહતા, જેના કારણે જંગલમાં સફારી માટેના ગાઇડ ખુબ ઓછા હતા. અને વળી આ ગાઈડમાંથી પણ પક્ષીઓ વિશે સારી માહિતી રાખતા ગાઇડતો કદાચ 2-3 જ હતા.  પક્ષીઓ વિશે જાણતા એવાજ એક ગાઇડ સાથે અમે સિંહ કે દિપડા જોવા માટે નહીં પણ પક્ષીઓ જોવા માટે 3-4 સફારી કરવાનું નક્કી કર્યુ અને અને “દેવા ડુંગર” વાળા રુટથી  પક્ષીઓ જોવાની સફારી શરુ કરી.

છેલ્લી સફારીમાં અમે રુટનં-2માં ફરી રહ્યા હતા ત્યારે કેરંભા ફોરેસ્ટ ચેક પોસ્ટ પાસેના એક ઉંબરા/ઉમરાના ઝાડ પર એક અલગજ રંગ વાળુ પક્ષી જોયુ અને તરતજ 5-7 ક્લીક કરી દીધી પછી ગાઇડને પુછ્યું કે આ ક્યુ પક્ષી છે તેણે તરત જ પોતાની પાસેની બર્ડ બુક માંથી જોઇને જણાવ્યુ અરે આતો “વર્ડીટર ફ્લાય કેચર” છે. ઉનાળાની ઋતુની આસપાસ  હિમાલય અને દક્ષિણ પુર્વ એશિયાથી આ પક્ષી ગીરમાં આવે છે. “વર્ડીટર ફ્લાય કેચર” કાયમ ગીરમાં જોવા નથી મળતું, અમે પણ આ નવુ પક્ષી જોઇ આનંદીત થયા. મારું એવુ માનવું છે કે અનેક વાર પ્રવાસીઓ જંગલમાં સફારી કરવા જાય છે ત્યારે સિંહ કે વાઘ જોવાની ચાહમાં જંગલના બીજા પ્રાણી-પક્ષીઓ જોવાનું અને જંગલને માણવાનું ચુકી જાય છે.

(શ્રીનાથ શાહ)