એ સફારી આજીવન યાદ રહી ગઈ…

જંગલમાં બીગ કેટ ને જોવી અને તેની ફોટોગ્રાફી કરવી એ સુંદર અનુભવ છે. જેમ જેમ તમે વધુ ને વધુ વાર જંગલની મુલાકાતે જાવ તેમ તમને વધુ મજા પડે. જંગલમાં જવુ એ મેડીટેશનથી જરાય ઓછુ નથી. ઘણા લોકો જંગલમાં જવાને વાઘ, સિંહ કે દિપડા જોવા સાથે જોડે છે પણ હું જેટલી પણ વાર સફારી કરુ તેટલી વાર, દર વખતે મને કુદરતની કોઇ નવી બાબત ધ્યાને આવે જ છે. અનેક વાર સફારીમાં જઇએ અને કોઇ સારો ફોટો ન મળે છતાં પણ એ સફારી આજીવન યાદ રહે. આવો જ એક અનુભવ મને યાદ છે.

અમે ઢિકાલાથી સવારની સફારીમાં રામગંગાને પાર કરીને પારવાલી” કે પારો ને શોધી રહ્યા હતાં. વાદળોના કારણે ખુબજ ઓછો પ્રકાશ હતો અને એકથી દોઢ કલાક પછી ઓચિંતો ભારે વરસાદ પડવાનો શરું થયો અમે રામગંગા નદીના ઝાડ વગરના વિસ્તારમાંથી એક ઢાળ વાળા રોડ પર મોટા ઝાડ નીચે વરસાદથી બચવા ઉભા રહ્યા.

 થોડી વાર પછી વરસાદ બંધ થયો અને ઢાળ પરથી નદી તરફ ફરી જવા નિકળ્યા ત્યાં નદી કીનારાના ઘાસમાં એકદમ જ અમે પારવાલી કે પારો”  ને જોઇ. આછા પ્રકાશ વચ્ચે પણ આ સુંદર ફોટો મળ્યો.  

(શ્રીનાથ શાહ)