નવા વર્ષમાં શું કરવાથી સારી ઊર્જા મળે?

નૂતન વર્ષાભિનંદન.તમને ખબર છે વિક્રમ સંવત ૨૦૭૪ની શરૂઆત થઇ ગઈ છે? હા આપણે અન્ય કેલેન્ડરથી પણ ઘણાં આગળ છીએ. તેના ગર્વ સાથે નવા વર્ષમાં આપણે અન્ય વિષયોમાં પણ દુનિયાથી આગળ છીએ તેની સમજ દુનિયાને આપવા સમર્થ બનીએ તેવી શુભકામના.

આયુર્વેદ, ચિકિત્સા, યોગ, ધ્યાન, વેદ, વાસ્તુ આવા વિવિધ વિષયોને ધ્યાનમાં લઈએ તો આ વાત સમજાય છે. આજ ના યુગમાં વિવિધ તણાવોવાળી જીવનશૈલીના લીધે શારીરિક અને માનસિક તકલીફો વધી રહી છે. તેના મુખ્ય કારણો વિચારીએ તો વધારે પડતી મહત્વકાંક્ષાઓ , અવિશ્વાષ, અન્યનો ઉપયોગ કરવાની નીતિ, પરિવાર પ્રત્યેની ઉપેક્ષા અને ધ્યેય હીન દોટ નજરે ચડે છે. માણસ એવા સમયે ખોટા નિર્ણયો લે છે જયારે તેને તત્કાલીન લાભ નથી દેખાતો પણ લાંબા ગાળે તે સમજાય ત્યારે તેના અફસોસ ના લીધે પણ ઊર્જા ઓછી જ થાય છે. ભારતીય સંસ્કૃતિમાં સહુને સમાન સન્માન આપવાની વાત હતી તેનાથી આવી સમસ્યાઓ આવતી ન હતી. મેં એવા પણ લોકો જોયા છે જેનું ડોક્ટરનું બિલ લાખોમાં આવતું હોવા છતાં તેઓ માત્ર પૈસા વધારે હોવાથી સંતોષ માની લે છે. ભૌતિકતા ક્ષણિક હોય છે. આપણે ત્યાં બેસતાં વર્ષે આંગણામાં રંગોળી કરીને એવી આશા રખાતી કે મહેમાનની સાથે સારી ઊર્જા પણ ઘરમાં આવે અને ઘરને ઊર્જામય બનાવે. તમસો મા જયોર્તિગમયની ભાવના સાથે દીવડા પ્રગટાવવામાં આવતા અને આવનાર મહેમાનનું ઉમળકાભેર સ્વાગત થતું. હવે લોકો મહેમાનોથી બચવા ફરવા જતાં રહે છે. જેનાથી સારી ઊર્જાની અસર જે ઘરને મળવાની  છે, તે નહીં મળે.

તો નવા વર્ષમાં શું કરવાથી સારી ઊર્જા મળે? આપણે ઘરની સફાઈથી શરૂઆત કરીએ તો, ઘરમાં સફાઈ થતાં જ ઘર ની ઊર્જા સુધારવાની શરૂઆત થઇ જાય છે. કહે છે કે જ્યાં સફાઈ ત્યાં લક્ષ્મીજીનો વાસ. સફાઈ થયા બાદ જે કાંઈ વધારાનું છે તેનો નિકાલ. આમ જૂના કપડાં, ચોપડાંથી લઈને ઘણીબધી વસ્તુઓ કે જે વપરાતી નથી તે ખાલી કરવા થી ઊર્જા ચોક્કસ વધે છે. રાચરચીલાંની સજાવટ અને રંગરોગાન ઘરને વધારે પ્રકાશમાન કરે છે. તો ઘરની બહાર કરાતી રંગોળી અને દીવડા ઘરના આંગણાને ઊર્જાવાન બનાવે છે તેથી બહારથી આવનાર દરેકે દરેક વ્યક્તિ ઊર્જાવાન હોય. આસોપાલવનું તોરણ, પૂજાયેલો ઉંબરો, ચીતરેલી દીવાલો, દ્વાર પર ગણેશજી. વગેરે હકારાત્મકના પ્રતીક ગણાય. ઊર્જાવાન વ્યક્તિઓને મળવાથી તેમની આત્મીયતાની ઊર્જા જીવનમાં આવે છે. વળી નમસ્તેની મુદ્રા પણ ઊર્જાને પ્રવાહિત કરે છે તેનાથી આંતરિક ઊર્જા વધે છે. વડીલોને પગે લાગવાથી તેમના આશીર્વાદ સ્વરૂપે મળતી ઊર્જાને બોનસ ગણી શકાય. આવી વિવિધ સ્તરની હકારાત્મક ઊર્જાથી પ્રભાવિત થયેલ વ્યક્તિ ઊર્જાવાન જ હોય.

આજથી શરુ થતાં આ નૂતન વર્ષમાં આપ સહુ હકારાત્મક ઊર્જાસભર બનો તેવી શુભકામના.

ભ્રમણા:

નવા વર્ષે જૂના ચોપડાના હિસાબ આગળ લઇ જવાથી ધંધામાં ખોટ આવે છે.

સત્ય:

ભારતીય પ્રણાલી પાછળ કોઈ ખાસ રહસ્ય તો હોય છે જ. ધનતેરસે જૂના હિસાબો ક્લીઅર કરીને સોનામાં ઈન્વેસ્ટ કરવાની વાત એટલે પ્રચલિત હતી કે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે અન્ય ઉપાયો ન હતાં. હાથમાં પૈસા હોય ત્યારે તહેવાર આવે એટલે ઘર સજાવાય, નવાં વસ્ત્રો આવે અને ઉજવણી થાય. વળી જૂના કોઈ હિસાબો બાકી ન હોય તેથી તહેવાર માં કોઈ તણાવ પણ ન રહે. લાભપાંચમે જૂનો ચોપડો ખોલવાની જરૂર જ ન રહેતી. હવે જયારે ૩૧મી માર્ચે વર્ષ પતતું હોય અને દીવાળીમાં ચોપડો બંધ કરી દેવામાં આવે તો શું થાય? હા પહેલી એપ્રિલ માટે આવો નિયમ ચોક્કસ બનાવી શકાય જેનાથી આર્થિક તણાવ ઘટે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]