પૂર્વ તરફ મુખ્ય દ્વાર હંમેશા શુભ ન પણ હોય

ફળતાની પરિભાષા વ્યક્તિગત હોય છે. ક્યારેક એક સફળ વ્યક્તિનો અભ્યાસ કરીએ તો વિચાર આવે છે કે તે પોતાની સફળતાથી ખુશ નથી. આનું મુખ્ય કારણ અસંતોષ છે. સંતોષ થકી સુખની પ્રતીતિ કરાવે છે વાસ્તુ નિયમો. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તે લંબચોરસમાં નૈરુત્ય દક્ષિણ નો ભાગ બહાર નીકળ્યો હોય તેવો ફ્લેટ છે. પૂર્વ તરફનું મુખ્ય દ્વાર હમેશા શુભ હોય તે ગેરમાન્યતા અહી દેખાય છે. અને પૂર્વ તરફ એન્ટ્રી કરવા જતા નૈરુત્યનો વાસ્તુ દોષ બન્યો છે. જેના કારણે પાડવા આખડવાની ઘટના બની શકે. કારણ વિના ઝગડા થાય અને બીમારીઓ આવે. તણાવ વધે. નૈરુત્ય પશ્ચિમમાં બેઠક રૂમ અને અગ્નિ તરફ મુખ રાખીને બેસવાની વ્યવસ્થા, ઉગ્રતા ઉપરાંત ભૂલો કાઢવાવાળો સ્વભાવ આપી શકે. જેના કારણે પારિવારિક સુમેળ ઓછો રહે. આ ઉપરાંત ડાયનીંગ રૂમ દક્ષિણમાં છે તે રસોડાની સાપેક્ષમાં યોગ્ય ગણાય. પરંતુ અહી સુમેળ ઓછો રહે. દક્ષિણ અગ્નિમાં રસોડું હોઈ શકે. દક્ષિણ તરફ મુખ રાખીને રસોઈ કરવાથી નારીના સ્વભાવમાં ઉગ્રતા આવે. તેમજ ગોઠણથી નીચેના ભાગમાં પગ દુખે. આમાં જો પ્લેટફોર્મનો રંગ કાળો હોય તો આવી સમસ્યા વધે. પૂર્વી ઇશાનમાં વોશિંગ એરિયા છે. જે યોગ્ય નથી. જો અહી પાણી ભરેલું રાખવામાં આવે તો ઘરમાં રહેતી બે જાતિની વ્યક્તિઓમાં શારીરિક કે માનસિક સેપરેસન આવે. પૂર્વમાં સ્ટોર માનસન્માન ઓછુ કરાવે. અને બે પેઢી વચ્ચે વૈચારિક મતભેદ રખાવે. પૂર્વી ઇશાનમાં ટોઇલેટ હૃદયને તકલીફ આપે તેવી ઘટના ઉભી કરાવે. જે તન અને મનના આરોગ્ય માટે અયોગ્ય ગણાય. ઇશાનમાં બાલ્કની યોગ્ય ગણાય. અહી તુલસી વાવી શકાય. ઉત્તરી ઇશાનમાં બેડ રૂમ હોય અને ઉત્તર તરફ માથું રાખીને સુવાની વ્યવસ્થા હોય તો હાયપરટેન્શનની બીમારી આવે. ઉત્તરમાં ટોઇલેટ યોગ્ય ન ગણાય. તેના કારણે પુરુષનો આત્મ વિશ્વાસ ઘટે અને નારીનો અસંતોષ ઘટે. આમ પણ ઉત્તરથી દક્ષીણનો અક્ષ બરાબર નથી તેથી અહી વંશને લગતી સમસ્યા આવે શકે. પૂર્વનો અક્ષ નકારાત્મક છે જેના કારણે માનસન્માન ઘટે અને નારીને તકલીફ રહે. વાયવ્યમાં બેડ રૂમ હોઈ શકે. પરંતુ પશ્ચિમ તરફ માથું રાખીને સુવાની વ્યવસ્થાથી નિંદ્રા નહિ પણ તંદ્રા આવે. ઊંઘ પૂરી ન થતા આળસ  પણ આવે. વળી અહી રહેતી વ્યક્તિનો સ્વભાવ જીદ્દી બને. તિજોરી યોગ્ય જગ્યાએ નથી.તેના કારણે આર્થિક તણાવ રહે અને પેટની અંદરના અવયવોની બીમારી આવે. આ ઘરમાં ઉગ્રતા, નાસમજ, બીમારી, ખર્ચ, અસફળતા, જેવી નકારાત્મકતાનો સામનો કરવો પડે. પરંતુ આ બધી સમસ્યાઓનું નિરાકરણ ભારતીય વાસ્તુમાં છે. તેથી નિયમોને સમજવા જરૂરી છે, સર્વ પ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરી અને ઇશાનની બાલ્કનીમાં પાંચ તુલસીના અને અગ્નિની બાલ્કનીમાં ફૂલ દાડમ ના ત્રણ છોડ વાવવા જોઈએ. બેઠક રૂમના સેન્ટર ટેબલ પર કાંસાના વાસણમાં ગુલાબની પાંદડી રાખવી જોઈએ. રસોઈ ઘરના ઇશાનમાં તાંબાના વાસણમાં પાણી  તેમ જ ઇશાનના બેડરૂમમાં તાંબાના વાસણમાં ગુલાબની પાંદડી રાખવી જરૂરી છે. ટોઇલેટના દરવાજા પર ચાંદીનો તાંત લગાવી દેવો. ઘરમાં ગુગલ ચંદનનો ધૂપ ફેરવવો . શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, ગુલાબજળ, સરસવ, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દેવા.