જો સાસરે ગયેલી દીકરીની ચિંતા રહેતી હોય તો…

સ હવે અમારું માન ગયું. ભાઈ ગયા એટલે આ ઘરમાં અમારું સન્માન ગયું.” “ હું દીકરી છુ આ ઘરની. મને અહી માન મળવું જ જોઈએ.” “ હવે મારું તો પિયર જ ન રહ્યું.” આવું સાંભળીએ એટલે એક દીકરીની તેના પિયર પ્રત્યેની અપેક્ષા દેખાય. જે ઘરમાં જીવનના અગત્યના વરસો વિતાવ્યા હોય એ ઘર પાસે અપેક્ષાઓ હોય એવું કહેવા કરતા એ ઘરમાં પોતાપણું લાગે તેવી ઈચ્છા હોય તેવું કહીએ તો વધારે યોગ્ય કહેવાય.

દીકરી સાસરીમાં ગમે તેટલી સુખી હોય તો પણ પિયર જવાનો વિચાર પણ તેને પ્રફુલ્લિત કરી દે છે. ક્યારેક એવું પણ બને કે દીકરીને વળાવ્યા પછી માબાપ જાણે મુક્ત થઇ ગયા હોય તેવી લાગણીમાં જીવવા લાગે છે. દીકરીમાંથી જાણે છુટકારો મળ્યો હોય તેવી લાગણી દેખાડે. આ સ્થિતિને નકારાત્મક ગણી શકાય. તેનાથી વિપરીત. નાનીનાની વાતમાં દીકરીના સંસારમાં ડોકિયા કરનાર માબાપ પણ દીકરીનો સંસાર બગાડે છે. જોકે આ સ્થિતિ પણ નકારાત્મક જ છે.

 

એક પરિવારમાં સાત દીકરી હતી. દીકરો આવશે ની રાહમાં દીકરીઓ આવતી ગઈ. એમાં બે દીકરીઓ જોડિયા હતી. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેમની ચિંતા વધતી ગઈ. પાછુ એ ભાઈના પિતાજીએ લાડ એવા લડાવ્યા હતા કે ડહાપણ આવ્યું ન હતું. કોઈકની મદદથી દીકરીઓ ભણી અને પરણી. હવે તેમને છુટકારાની લાગણી થવા લાગી. કઈ કામ ન હોવાથી વ્યસન અને રોગ ઘુસ્યા. જે દીકરીઓને ભૂલી ગયા હતા તેમની યાદ આવી. પણ સ્વાર્થ પતે એટલે પાછા દીકરીઓને ભૂલી જાય. પહેલી નજરે વિચિત્ર લાગતી વાત ને વાસ્તુના પરિપેક્ષમાં જોઈએ. એ ઘરમાં ઉત્તરનો અક્ષ નકારાત્મક હતો. વાયવ્યનો દોષ હતો અને ઉત્તરમાં દાદરો. ઇશાન ઉત્તર તરફથી કપાયેલો હતો. અને બાજુમાં સ્ટોર હતો. આના પરિણામ સ્વરૂપ ઘરના પુરુષનો આત્મવિશ્વાસ ઓછો હતો. બાળકો પ્રત્યે બેફીકરાઇ હતી અને સ્વાર્થી સ્વભાવ થઇ ગયો હતો.

પશ્ચિમમાં પશ્ચિમ મુખી રસોઈ થતી હોય ત્યારે ઘરમાં નારીના લીધે વખતો વખત છમકલા થતા રહે. માતાનો સ્વભાવ ઝગડાળું હોય તો દીકરીઓ પણ એ જ શીખે. તેથી ઘરનું વાતાવરણ દુષિત રહેતું. દીકરીઓને તકલીફ પણ રહેતી. અને અમુકનું તો લગ્ન પણ બે વાર કરવું પડ્યું. બાળકોની ચિંતા થાય તેવા સંજોગો ઉદ્ભવતા. બાકી વારંવાર લગ્ન કરવાનું કોને ગમે? બ્રહ્મનો દોષ હતો અને અગ્નિથી વાયવ્યના અક્ષ પર પણ નકરાત્મકતા હતી. તિજોરી યોગ્ય જગ્યાએ ન હોવાથી આર્થિક સંકડામણ પણ રહેતી.

કોઈપણ પરિસ્થિતિની બે બાજુ હોય છે. હવે જે દીકરીનું છુટું થઇ ગયું તેનો વિચાર કરીએ. એ ઈશાનના રૂમમાં સુતી. તેથી તેની જીદ વધારે રહેતી. એ સતત પોતાના પરિવાર વિષે ફરિયાદો કર્યા કરતી. અને વારંવાર બધાનું અપમાન કરતી. તેનું બીજું કારણ હતું તેને ઉત્તરમાં માથું રાખીને સુવાની ટેવ હતી તેથી સ્વભાવમાં ઉગ્રતા આવી જતી. ધીરજનો અભાવ હતો. તે સતત પોતેજ બધું કરે છે તેવું દેખાડવા પ્રયત્ન કરતી. એવું નહતું કે તે ઘરમાં કામ નહતી કરતી. પણ અન્યને દેખાડવા થતું કામ યોગ્ય રીતે ન જ થાય. અન્ય એક દીકરીનો સ્વભાવ ઘરમાં ઝગડા કરાવવા વાળો હતો. તેનો પતિ અન્ય સાથે રહેવા લાગ્યો. આ ઘરમાં પૂર્વ અને પશ્ચિમનો દોષ હતો અને યુગલ પૂર્વના બેડરૂમમાં રહેતું હતું. બે જોડિયા બહેનો હતી. તે એકજ ઘરમાં બે ભાઈઓ સાથે લગ્ન કરીને ગઈ. બંનેને પોતાને જ ફાવતું નહતું. એ વાતાવરણ સાસરીમાં ગયા બાદ સાથે ગયું. સાસરીમાં ભાગલા પડ્યા. અહી એક યુગલ ઉત્તરમાં રહેતું અને બીજું અગ્નિમાં. ઉત્તરમાં યુગલ રહેતું હોય ત્યારે અપેક્ષાઓ વધે છે અને અગ્નિમાં યુગલ રહેતું હોય તો તેમને એક બીજા સાથે ફાવે અહીં અને એક બીજા વિના ચાલે નહિ. તેથી કાયમ લડ્યા કરે.

ઘરના લોકો થાકી ગયા. દીકરી વારંવાર રિસાઈને પિયર જવા લાગી અને પાછી એની મેળે જ આવી જાય. અંતે માબાપે એના માટે ઘરના દરવાજા બંધ કરવા પડ્યા. બાકીની બે દીકરીઓને ગામમાંજ પરણાવેલી. પણ એ ઘરે મળવા આવે તે માબાપને ગમે નહિ. બંને દીકરીઓ સારું કમાતી. એકના ઘરે વાયવ્યમાં રસોડું હતું. બીજીના ઘરે બેડરૂમ વાયવ્યમાં હતો. દરેક દીકરીની સમસ્યા એના ઘરના વાસ્તુ આધારિત રહેતી.ભલે એકજ ઘરની દીકરીઓ હોય પણ સાસરે ગયા પછી સાસરીના ઘરની ઉર્જા પણ તેમને અસર તો કરેજ. ખાસ કરીને વાયવ્યનો દોષ બાળકોની ચિંતા કરાવે. જો સાસરે ગયેલી દીકરીની ચિંતા રહેતી હોય તો તેને વાસ્તુના પરિપેક્ષમાં પણ સમજી શકાય.