ઘરમાં આ દિશા ત્રાંસમાં પડતી હોય તો ખાટલો મંડાતો રહે

ભારતીય વાસ્તુની વાત આવે અને તેના વિષે ઘણાંબધા વિચારો જોવા મળે. કોઈ તેને અહોભાવથી તો કોઈ ભવાં ચડાવીને પણ જૂએ. મારી દ્રષ્ટિએ વાસ્તુના નિયમોમાં વિજ્ઞાન, ગણિત, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજ વ્યવસ્થા , રંગશાસ્સ્ત્ર, વનસ્પતિવિજ્ઞાન, ધાતુશાસ્ત્ર જેવા અનેક નિયમોનું સંમિશ્રણ છે.

ગત વરસે એક જાણીતી વ્યક્તિનો ફોન આવ્યો. તેમણે મને પૂછ્યું કે નૈરુત્યમાં ત્રાંસ હોય તો શું થાય? મેં જવાબ આપ્યો કે તરત જ તેમણે ફોન સ્પીકર રાખી અને મને ફરી એ વાક્ય બોલવા જણાવ્યું. મેં કહ્યું કે અકસ્માત થઇ શકે. અને તેમણે પોતાની બાજુમાં બેઠેલા માણસ સાથે મારી વાત કરાવી. બીજા અઠવાડિએ મારે તે જગ્યાએ જવાનું થયું. ભવ્ય મકાન. અને તેનાથી પણ ભવ્ય રાચરચીલું. ઘરમાં માત્ર કામ કરવાવાળા માણસો હતાં અને બહાર ચાર કૂતરાં હતાં. કેટલો બધો ભય? ઘરના માલિક છેલ્લા બે વરસથી વારંવાર અકસ્માતનો ભોગ બનતાં હતાં. એ દિવસે પણ એ દવાખાનામાં જ હતાં. ખૂબ જ આધ્યાત્મિક માણસ પણ તક્લીફમાં હતાં.આવું જ ઇન્દોરના એક મકાનમાં પણ હતું. નૈરુત્યના દોષના કારણે ઘરના સદસ્યો વારંવાર અકસ્માતનો ભોગ બનતાં હતાં. મારા રીસર્ચમાં મેં સતત અનુભવ્યું છે કે જો નૈરુત્યમાં ત્રાંસ હોય અથવા તો તે ભાગ બહાર નીકળ્યો હોય ત્યારે આવી સમસ્યા આવતી હોય છે. અકસ્માત વિવિધ પ્રકારના હોઈ શકે. ક્યારેક નાની ઠેસ વાગે તો પણ તે અકસ્માત ગણી શકાય, તો રોડ એક્સીડન્ટ પણ અકસ્માત જ ગણાય. જયારે સમગ્ર પશ્ચિમ દિશામાં વિવિધ દોષ આવેલા હોય ત્યારે અકસ્માત થયાં બાદ કોર્ટ કચેરી થવાની સંભાવના વધી જાય છે. તો નૈરુત્યનો દોષ અને પશ્ચિમનો દોષ હોય ત્યારે અકસ્માત થયા બાદ માન ઓછું થાય તેવા સંજોગો ઉદભવે છે. આમ પણ અકસ્માતથી માણસને શારીરિક તકલીફ તો થાય જ છે. પણ માનસિક આઘાત પણ લાગે જ. પૂર્વ અને બ્રહ્મનો દોષ જયારે મૂળ દોષ સાથે ભળે ત્યારે માણસનો આત્મવિશ્વાસ ઘટે છે. બની શકે તે તેને ફરી વાહન ચલાવતાં ડર લાગે.

આપણે જે પ્રથમ કિસ્સાની વાત કરી તેમાં મૂળ સમસ્યા સાથે માત્ર બ્રહ્મ અને વાયવ્યનો દોષ હતો તેથી તે થોડાંક સાજાં થાય અને પાછાં વાહન ચલાવવા પ્રયત્ન કરતાં. અંતે લાંબા સમય સુધી પથારીમાં રહેવું પડ્યું. જયારે ઘરની અન્ય જગ્યાઓ હકારાત્મક હોય ત્યારે અકસ્માતનું પ્રમાણ ચોક્કસપણે ઓછું થઇ જાય છે અને તેની માત્રા પણ. આપણેસંભાળીએ છીએ કે ગાડી જોઇને લાગે નહીં કે કોઈ બચી ગયું હોય પણ તેમનો બચાવ થઇ ગયો છે ત્યારે હકારાત્મક ઊર્જાનો પ્રભાવ જોવા મળે છે. દરેકના જીવનમાં ક્યારેક તો નાનોમોટો અકસ્માત થયો જ હોય છે. પણ બધાના મકાનમાં નૈરુત્યનો દોષ હોય તે જરૂરી નથી. વાયવ્યનો દોષ હોય ત્યારે મુસાફરી દરમ્યાન અકસ્માતની સંભાવના રહે છે. અગ્નિમાં ત્રાંસ હોય ત્યારે અથવા અગ્નિમાં જમીનનું લેવલ ઇશાન કરતા નીચું અને નૈરુત્ય કરતાં ઊંચું હોય ત્યારે નારીને તકલીફ પડે અથવાં હાડકાંને તકલીફ પડે તેવો અકસ્માત થઇ શકે.

વિવિધ સમસ્યાઓ ઘરની વિવિધ રચના સાથે સંકળાયેલી છે. નકશામાં સામાન્ય લાગતું મકાન જયારે ત્રિપરિમાણમાં જોવામાં આવે ત્યારે તેની સાચી સમજ ઉદભવે છે, અને તેના આધારે જ જે તે સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.