બાંધકામ મટિરિયલ વિશે રાખવી જરુરી આ સમજ…

કોઈપણ સ્થળને અનુરૂપ ડિઝાઇન કરવાની વાત આવે એટલે તે આર્કિટેક્ચર સાથે જોડાયેલ હોય તેવી પ્રતીતિ થાય જ. પણ એ જ વાત વાસ્તુ નિયમોમાં છે તે પણ સમજવું જરૂરી છે. કચ્છમાં ધરતીકંપ આવ્યો ત્યારે જે પરંપરાગત મકાનો હતા તેને નુકસાન નહોતું થયું. પરંતુ જેને આપણે આધુનિક ગણીએ છીએ તેવા મકાનોમાંથી અમુક ધ્વંસ થઇ ગયા હતાં. વિદેશથી આવેલી દરેક વસ્તુ વિના વિચાર્યે અપનાવી લેવાથી ઘણી બધી સમસ્યાઓને આપણે આમંત્રણ આપી દઈએ છે.

હમણાં જ એક કારીગર સાથે વાત થઇ. એ ડાબા હાથે કામ કરતો હતો અને તેનું કટર જમણા હાથે કામ કરવાવાળા માણસો માટે બનેલું હતું. તેને ઇજા થઇ કારણ કે એ કટર તેના માટે નહતું બન્યું. એક સામાન્ય વાત છે, અનુકૂલનની. આપણે જે જગ્યાએ રહીએ છીએ તેની આબોહવા, સમાજ વ્યવસ્થા, રહેણી કરણી, વિચારો, નિયમો, અને મનોદશા અન્ય જગ્યા કરતાં અલગ હોય જ. આ બધાની સમજણ વિના જયારે મકાન બને ત્યારે તેના દેખાવમાં ભલે ભવ્યતા હોય પરંતુ તેની ઊર્જા વિષે વિચાર જરૂર આવે. ભારતમાં બાંધકામ માટેના નિયમોમાં લોકલ મટિરિઅલ અને બાંધકામ શૈલી ને પ્રાધાન્ય આપવામાં આવેલું તેનું મુખ્ય કારણ આ પણ છે.

આપણા દેશમાં જે તે જગ્યા વિષેની સાચી સમજ સાથે કોઈ પણ બાંધકામ થયેલું જોવા મળે છે. ગુજરાતમાં નળીયા વાળા ઢાળીયા છાપરા બનાવાતા. તેનું કારણ સૂર્યકિરણોની તીવ્રતા અને ગરમીનો પ્રકોપ ઓછો કરવાનો હતો. અત્યારે જે મોંઘાદાટ ઇન્સુલેટેડ ડબલ રૂફ બનવાય છે તેનો એક સરળ પર્યાય આપણી પાસે હતો. વળી તેમાં વિજ્ઞાન પણ હતું. ગરમ થયેલી હવા ઉપર જઈને બહાર નીકળી જતી અને સ્વચ્છ ઠંડી હવા ઘરમાં આવતા વાતાનુકુલિત અસર દેખાતી. આજે ઘર તો ઠંડા થઇ જાય છે પણ એર કંડિશનર બહારના વાતાવરણને સતત ગરમ કર્યા કરે છે તે સમજવું ખુબ જરૂરી છે. એલ્યૂમિનિયમ, પ્લાસ્ટિક , સિમેન્ટ, કાચ એ બધા ભારતીય મટીરીઅલ નથી. તેથી તેની નકારાત્મક અસરો થી બચવા આપણે ઉપાયો શોધવા પડે છે. ભારતમાં ઈટ , માટી , પથ્થર , ચુના  જેવા મટીરીઅલ નો ઉપયોગ કરાતો અને વાતાવરણ આધારિત દીવાલની જાડાઈ નક્કી કરાતી. આ બધા મટીરીઅલને યોગ્ય રીતે વાપરવાની કળા પણ આપણા માણસો પાસે હતી પરંતુ શ્વેત પ્રજાના પ્રેમમાં આપણે એમની ઘણીબધી વાતો સ્વીકારી જેમાંની એક તેમનું આર્કિટેક્ચર પણ છે.

આપણે ત્યાં અન્ય એક મટીરીઅલ પ્રચલિત હતું લાકડું. જેમા ક્યારેક જીવ હોય તેવું મટીરીઅલ. લાકડું વૃક્ષના કયા ભાગથી કાપવું તેની સમજના લીધે આપણા જંગલો સુરક્ષિત હતાં. વૃક્ષો પૂજનીય હતાં. આજે સાચી રીતે સીઝન કરેલું લાકડું ક્યાં મળે છે? વળી એ બે પ્રકારના લાકડા વચ્ચેનો ભેદ પણ ઘણા લોકોને ખબર નથી. જો દરેક મટીરીઅલ તેના વિશેની સાચી સમજણ સાથે વપરાય તો તેનો અર્થ સમજાય છે. ભારતીય નિયમો આવા અભ્યાસ સાથે બનેલા અને તેથી જ હજારો વર્ષ સુધી તે પ્રચલિત રહી શક્યાં.

ભારતમાં એવા જ મટીરીયલ પ્રચલિત હતા જે ઊર્જાસભર હોય. વળી જે મટીરીયલને શ્રેષ્ઠ માનવામાં આવતું હોય તેને જ અમુક સમય બાદ પ્રદૂષણનો ભાગ ગણવામાં આવતું હોય તેવું ભારતીય નિયમોમાં નથી દેખાતું. અને તેથી જ આપણે ત્યાંના સંશોધનો જ અંતે માન્યતા પ્રાપ્ત કરે છે. તેથી જ આપણા નિયમોમાં વિશ્વાસ કરી અને અપનાવી લેવા જરૂરી છે. કારણ કે તે જ ઊર્જાના સ્ત્રોત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]