પશ્ચિમમુખી રસોઈઘર હોય તો રસોઈનો સ્વાદ બદલાયા કરે…

સંબંધોમાં સ્વાર્થ ભળે એટલે સંબંધ ઘસાય. પારદર્શક સંબંધ માટેની ઉર્જા આપે છે વાસ્તુ નિયમો. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છે તે મકાનનો પ્લોટ લંબચોરસ છે. પશ્ચિમ કરતા પૂર્વમાં અને દક્ષિણ કરતા ઉત્તરમાં માર્જિન વધારે છે જે સારી સ્થિતિ ગણાય. ઘરના માણસો વ્યવહારુ હોય. પ્લોટમાં પશ્ચિમમાં લેવલ ઊંચું છે તે પણ સારું ગણાય.

પ્લાનમાં દર્શાવેલ પ્લોટની એન્ટ્રી પૂર્વ ઈશાનની છે જે આવક જાવક નું પ્રમાણ સરખું કરે. વળી ઉત્તરી ઈશાનમાં કર પોર્ચ છે, જેના લીધે આર્થિક ચિંતા રહે. અગ્નિ તરફ હિંચકો આવેલો છે, જેને કારણે નારીનો સ્વભાવ ચંચળ રહે. વિચારો વધારે આવે. નૈઋત્યમાં ચોકડીના કોઈ વસ્તુ સતત ન પડી રહે તેનું ધ્યાન રાખવું. આ જગ્યાએ જમીનથી ઉપર પાણીની ટાંકી જરૂર હોઈ શકે. અહીં શેડ છે જે ચાલે. પરંતુ પૂર્વમાં ઓટલો યોગ્ય ન ગણાય. તેનાથી અભિમાનને લગતી સમસ્યા આવે. ઘરની મુખ્ય એન્ટ્રી પૂર્વ અગ્નિના પદમાં છે. જે વડીલોના આરોગ્યની ચિંતા રખાવે. ખાસ કરીને નારી જાતિને આ તકલીફ વધારે રહે યા પછી વધારે લાગણીશીલ વ્યક્તિને.સૂચન અગાઉના પ્લાન મુજબ પૂર્વમાં બેઠકરૂમ ખુબ સારો ગણાય પરંતુ બેઠક વ્યવસ્થા દક્ષિણ મુખી છે, જે ઉગ્રતા આપે. આ વ્યવસ્થા જો પૂર્વ મુખી થાય તો યોગ્ય ગણાય. દાદરમાં ત્રાંસા પગથિયાં નકારાત્મકતા આપે. નૈઋત્યમાં બેડરૂમ હોઈ શકે. પશ્ચિમ તરફ માથું રાખીને સૂવાથી નિંદ્રા ને બદલે તંદ્રા આવે તેથી ઊંઘ પુરી થયાનો સંતોષ ન થાય. પશ્ચિમમાં પશ્ચિમ મુખી રસોઈ થાય તો રસોઈનો સ્વાદ બદલાયા કરે. અને તેના લીધે સ્ત્રીનો સ્વભાવ ચીડચીડીઓ થઇ જાય. પશ્ચિમમાંથી બહાર જવાનું દ્વાર યોગ્ય જગ્યાએ છે. માત્ર ઘરનો ફ્લો સચવાતો નથી. વાયવ્યમાં ટોયલેટ પેટને લગતી સમસ્યા આપે. પેટ ખરાબ હોવાથી દિવસની શરૂઆત ખોટી થવાથી અન્ય સમસ્યાઓ પણ આવે. અહીં ઓવરહેડ ટાંકી હોવાથી શ્વસન તંત્રને લગતી તકલીફ પણ રહે. આમ સમયાંતરે બીમારીનું ઘર બનતું જાય. કફ, પિત્ત અને વાયુ ત્રણેયની સમસ્યા યોગ્ય ન ગણાય.

ઉત્તર મધ્યમાં મંદિર ભૌતિકતાવાદી વિચારો આપે અને આરાધનામાં મન ઓછું લાગે. અન્ય વિચારો વધારે આવે. લગભગ બ્રહ્મની નજીક ડાયનિંગ ટેબલ યોગ્ય ન ગણાય. તેનો યોગ્ય વપરાશ ન થાય. ઘરમાં કુદરતી હવા ઉજાસ પણ ઓછા દેખાય છે, જેના કારણે આત્મવિશ્વાસ ઘટે અને નકારાત્મકતા વધી શકે. અનેક તકલીફો હોવા છતાં આ ઘરમાં હકારાત્મક ઉર્જા વધારી શકાય. તેના માટે ભારતીય વાસ્તુના નિયમોને આધારિત ફેરફાર કરવા જરૂરી છે.સર્વપ્રથમ તો સૂચન પછીના પ્લાન પ્રમાણેની રચના કરીને ઘરના ઈશાનમાં સાત તુલસી, અગ્નિમાં બે ફૂલ દાડમ, વાયવ્યમાં બે બીલી અને નૈઋત્યમાં બે નારિયેળી વાવી દેવી.

લિવિંગરૂમની પૂર્વની દીવાલ પર આછો ગુલાબી, મુખ્ય દ્વારની દિવાલ પર પેસ્ટલ યલો, બેડરૂમની પશ્ચિમની દીવાલ પર આછો વાદળી અને પૂજા રૂમની ઉત્તરની દીવાલ પર આછો પીળો રંગ કરવો. ઘરમાં ગુગલ, જાસ્મીન, અંબરનો ધૂપ કરવો અને રસોઈ ઘરના ઈશાનમાં તાંબાના કળશમાં ગાળેલું પાણી રાખવું. લિવિંગ રૂમના ઈશાનમાં તાંબાકુંડીમાં ગુલાબ અને હજારી રાખવા. દાદરાના લેન્ડિંગ પર પૂર્ણ કળાએ ખીલેલો સૂર્ય લગાવવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, શેરડીનો તાજો રસ, પાણીથી અભિષેક કરી ને બીલીપત્ર ચડાવી દેવા. સૂર્યને જળ ચડાવવું અને વહેલા ઉઠવું. પાણી વધારે પીવું.

જીવન જીવવાના પ્રાણની ઉર્જા મળે છે વાસ્તુ થકી.