નૈઋત્યમાં દ્વાર હોય એવું મકાન પસંદ કરાય કે નહીં?

હાભારતનો એક પ્રસંગ છે. મહાભારતના યુદ્ધ પહેલા દુર્યોધન અને અર્જુન બંને શ્રીકૃષ્ણને મળવા જાય છે. મળવાનો બંનેનો ઉદ્દેશ સમાન હોય છે કે યુદ્ધમાં તેમની મદદ મળી રહે. શ્રીકૃષ્ણ એક શરત રાખે છે કે હું એકલો એક બાજુ હોઈશ અને સામેની બાજુએ મારી આખી સેના હશે. અર્જુન શ્રીકૃષ્ણને પસંદ કરે છે અને દુર્યોધનના ભાગે વિશાળ સેના આવે છે. અંતે શું થયું તે આપણે સહુ જાણીએ છીએ. જીવન પણ આવી દ્વિધા કરાવે. એવા સમયે સાચો નિર્ણય જ સાચો રસ્તો સુઝાડી શકે. પણ કેલાક લોકો એવું માને છે કે પૈસા સર્વસ્વ છે. એના માટે તે લોકોની લાગણી અને કર્મના સિદ્ધાંતને પણ કોરાણે મૂકીદે છે અને અન્યને છેતરવામાં પોતાની સિદ્ધિ માને છે.

એક સોસાયટીમાં કમિટી મેમ્બર્સ સતત બદલાયા કરતા.એનું કારણ એ હતું કે તેઓ કાવાદાવા કરીને પૈસા ભેગા કરી લેતા અને લોકોને દબાવી દેતા. જેવા પૈસા ભેગા થાય કે તરત નવું મોંઘુ મકાન લઈને ગાયબ. હવે વિચાર આવે કે આવું કેવી રીતે થાય? વાસ્તુના પરિપેક્ષમાં વિચાર કરીએ તો આ જગ્યાએ બરાબર ઉત્તરમાં સતત ચાલુ રહેતી એક મશીનરી હતી. તેથી બધાનો વ્યવહાર ભૌતિક્તાવાદી બનતો. વળી મોટાભાગના કમિટી મેમ્બર્સ પણ ઉત્તરમાં જ રહેતા. જેથી આવી સ્થિતિમાં વધારો થતો. ક્યારેક જો ઉત્તરનો મોટો દોષ હોત તો માણસ પોતાની જાતને દેવ સમજવા લાગે છે. અને તે તેના પતનની નિશાની છે. નૈઋત્યમાં કચરાપેટી હોવાથી વાસવાળો પવન બધે ફેલાતો. બીમારી અને ગંદકીનું અહી સામ્રાજ્ય રહેતું. દક્ષિણમાં સ્ટાફની વ્યવસ્થા હતી. અહીં જુગાર રમાતો. તેથી લોકોની માનસિકતા પણ નકારાત્મક બની હતી. જો કોઈ સાચી વાત કરેતો તેને બોગસ ગણી અપશબ્દોથી નવાજવામાં આવતા. અહી નારી યા તો ઉગ્ર રહેતી યા તેનું સન્માન સચવાતું નહિ.

મેનેજરની ઓફિસની બરાબર નૈઋત્યમાં જળાશય હતું. જેના કારણે તેના અંગત જીવનમાં પણ તોફાન આવતા અને કમિટી તેની નબળાઈનો ફાયદો લઇ લેતી. નૈઋત્યમાં જે કઈ થાય તેનો પ્રભાવ સમગ્ર વાસ્તુને અસર કરે તે નિયમ છે. દક્ષિણમાં નકારાત્મક કે નિમ્ન વ્યક્તિઓને ક્યારેય ન રખાય. આવી જગ્યાએ રહેતી વ્યક્તિની વિચારધારા વાસ્તુમાં ફેલાય છે અને અંતે બધાજ એમના જેવા થવા લાગે છે. અહી અગ્નિમાં ખાડો હતો અને પશ્ચિમમાં ભોયરામાં જવાનો રસ્તો હતો. વ્યસન આવી શકે. બહારથી સારા હોવાનો ડોળ કરતા માણસો અંદરથી વિચિત્ર હોઈ શકે. ઉત્તર અને બ્રહ્મનો દોષ મળતા નવી પેઢીની પણ સમસ્યા આવે. પહેલી નજરથી વાસ્તુ  આધારિત લાગતી જગ્યા પરફેક્ટ હોય તેવું જરૂરી નથી.

હવે વિચાર આવે કે તો શું આખી સોસાયટી તોડીને ફરી બનાવવાની? શું આવી જગ્યાએ ઘર ન લેવાય? આખી સોસાયટીના બધાએ ઘર ખાલી કરી દેવા જોઈએ? આ બધાનો જવાબ છે ,”ના” ભારતીય વાસ્તુ માનવ જાતિના કલ્યાણ માટે રચાયેલું છે. તેના નિયમો ડરાવવા માટે નથી તે માર્ગદર્શક છે. વળી દરેક સમસ્યાનું કોઈક તો સમાધાન હોય જ છે. સર્વપ્રથમ તો આપ જયારે કોઈ પણ સોસાયટીમાં જાવ અને ત્યાં ગંદકી દેખાય તો સમજવું કે અહી નકરાત્મક ઉર્જા છે. જો રસ્તા તૂટેલા હોય લાઈટો બંધ હોય અને બાળકો રમતા ન હોય તો તે જગ્યા યોગ્ય નથી. જો વાહનો આડેધડ પાર્ક કરેલા હોય, લોકોને એકબીજાની પડી ન હોય અથવા તો કુથલી કરતા હોય તો તે જગ્યા ન લેવાય. આજકાલ સ્વીમીંગ પુલ, જીમ, બાળકોને રમવાની જગ્યા આવી વ્યવસ્થા પણ સોસાયટીમાં હોય છે.

જો સાધનો તૂટેલા હોય અને લાંબા સમયથી રીપેર ન થયા હોય, પુલ ગંદો હોય અને બાળકોને રમવાની જગ્યા ગંદી હોય કે બાળકો નીરસ હોય તો વિચારવાનો સમય ગણાય. વળી નૈઋત્યમાં દ્વાર આવતું મકાન ન પસંદ કરવાની સલાહ છે. જો મકાન ગમે તો પાંચ છ રહેવાસીઓને મળીને સોસાયટી વિષે માહિતી લેવી જોઈએ. આવી સોસાયટીમાં નૈઋત્ય તરફના અથવા ઇશાન તરફના બિલ્ડીંગમાં મકાન સારું રહે જો ઈશાનમાં આવેલ બિલ્ડીંગ નૈઋત્યમાં આવેલ બિલ્ડીંગ કરતા ઓછી ઉંચાઈ ધરાવતું હોય તો. ઈશાનના બિલ્ડીંગમાં બરાબર ઇશાન તરફ દ્વાર ન આવે તે સમજવું જોઈએ. આવી જગ્યાએ ઉત્તરમાં મકાન હોય તો ન લેવાની સલાહ છે. કારણકે સતત ચાલતી મશીનરી ની પણ નકારાત્મકતા હોય છે. માણસ ખુબ મહેનત કરીને પોતાનું ઘર હોય તેવી કામના કરે છે. તો આ ઘર શ્રેષ્ઠ જ હોવું જોઈએ.