વાસ્તુ : પત્ની ધારે તો પતિને સાચી દિશા આપી શકે…

સાહેબ, મારા પતિ પતંગિયા જેવા છે. એમને બસ ઉડાઉડ કરવા જોઈએ. ગામની છોકરીઓ એમને ભાવ ન આપે તો પણ આંટા માર્યા કરે. ઢાળ પર ગાડી મુકીને આગળ ચાલે એટલે ગાડી પાછળ ચાલે. નંબર પ્લેટ રાખે નહિ અને દેખાડા કરે. અને જેમ પતંગિયું ફૂલનો રસ લઇ લે એમ મારી બધી આવક લઇ લે. કોઈનો ફોન આવે તો રેકોર્ડ કરીને મારો ફોન સાંભળે. સમય વાતમાં પણ હોબાળો કરે. મારે નોકરીમાં રજા લેવાની હોય ને બહાનું કાઢું કે મારા સગા બીમાર છે તો વહેમાય. હું થાકી ગઈ છું. મને કોઈ ઉપાય જણાવો.

બહેનશ્રી. તમારા પત્રનો સારાંશ અહી આપ્યો છે. તમારા પસંદગીના લગ્ન નથી. વળી તમને બંધનો ગમતા પણ નથી. વળી તમારા પતિને તમારી આવકમાં રસ છે. પણ એમના ખોટા કામમાં તમે પુરતો સહકાર આપો છો. એ જયારે ખોટા રસ્તે પૈસા કમાય કે તમારા સંબધીઓ સાથે રહીને નોકરીની જગ્યાએથી સામાન ઉપાડી લે છે. ત્યારે તમે એવું માનો છો કે આજકાલ એવું બધાજ કરે છે. જે તમારી માન્યતા ખોટી છે.જે વ્યક્તિ સમાજને કે પોતાના શેઠને છેતરતો હોય એ તમને પણ છેતરી જ શકે. એ અન્યને છેતરીને ઘરમાં પૈસા લાવે તેમાં તમને વાંધો ન હતો. એનાથી એણે માની લીધું કે તમને પણ એનો આવો વ્યવહાર ગમે છે. હવે એ તમને પણ છેતરે છે તેથી તમે દુખી છો. સર્વ પ્રથમતો તમારા પતિને આવો વ્યવહાર કોઈની પણ સાથે ન કરવા સમજાવો. તમારા જણાવ્યા મુજબ એ તમારા ગુસ્સાથી તો ડરે જ છે. એમના સ્વભાવમાં પરિવર્તન આવશે તો એ તમને પણ સારી રીતે રાખશે. બની શકે કે એમને તમારો સ્વભાવ લાલચુ લાગતો હોય. કારણકે તમારા જણાવ્યા મુજબ એક બે વખત તમેજ એમને કહ્યું હતું કે કોઈને શું ખબર પડે કે તમે ગોટાળા કરો છો. તો સહુથી પહેલા તો તમે એમને આવી સલાહ ન આપો.

હવે આખી વાતને વાસ્તુના પરિપેક્ષમાં વિચારીએ.તમારા ઘરમાં ચારેય મુખ્ય અક્ષ નકારાત્મક છે. તમારું દેવસ્થાન અગ્નિમાં દક્ષીણ મુખી પૂજા થાય તે રીતે છે. તેથી તમારો સ્વભાવ આવો થઇ ગયો છે. પત્ની ધારે તો પતિને સાચી દિશા આપી શકે છે. પણ તમે ભૌતીક્તાને પ્રાધાન્ય આપ્યું. તમારે સમ્પતિ જોઈતી હતી. યાદ છે જુદાઈ ફિલ્મની શ્રીદેવી? એક સુખી સંસારમાં એની અપેક્ષાઓએ ભૂકંપ મચાવ્યો હતો. તમે વાયવ્યમાં પશ્ચિમ તરફ માથું રાખીને સુવો છો. એથી તમને વિચારો વધારે આવે. તમારા પશ્ચિમના દોષના કારણે તમારા પતિ વ્યસન તરફ વળ્યા છે. આ એક ખુબજ દુખદ બાબત છે. તમારી વાત પરથી લાગે છે કે તમારા પતિ સતત અન્યની નજરમાં આવવા પ્રયત્ન કરે છે. ક્યારેય વિચાર્યું છે કે તેઓ આવું શું કામ કરે છે? એમને તમારા પર વિશ્વાસ પણ નથી. એ કદાચ તમારી જીદ સામે હારી ગયા છે. વાયવ્યમાં આ રીતે સુનારી વ્યક્તિની જીદ વધે. તમારા ઘરમાં ઉત્તર તરફ માર્જીન પણ ઓછો છે અને ત્યાં તમે યુટીલીટી માટેની જગ્યા બનાવી છે. તેથી તમારા પતિનો આત્મવિશ્વાસ ઘટી ગયો છે.

વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટે ત્યારેજ તે અન્ય પર ખોટી શંકાઓ કર્યા કરે અને અન્યની નજરમાં આવવા અવનવા નુશ્ખાં કર્યા કરે. આજ દોષની અન્ય અસર મુજબ નારીનો અસંતોષ વધે. જે તમારી વાત પરથી સમજાઈ રહ્યું છે. એવું કહે છે કે પુરુષને સમજો અને નારીને માત્ર પ્રેમ કરો.તમારા ઘરમાં નૈરુત્યમાંથી ગટરની લાઈન જાય છે. જે આર્થિક વ્યવસ્થા માટે યોગ્ય ન ગણાય. વળી તમારા જણાવ્યા પ્રમાણે ઘરમાં ફેરફાર પણ ઘણાબધા થયા છે. દરેક ફેરફાર પોતાની ઉર્જા દર્શાવે છે. તેથી આવું ન કરવાની સલાહ છે. અગ્નિમાં બાલ્કની નારીનો સ્વભાવ ચંચળ બનાવે છે. વળી આ જગ્યાએ હીંચકો પણ છે. જે તમારા મનમાં તોફાન ઉભું કરી શકે. ક્યાંક આ કારણ તો નથીને કે આપના પતિદેવ આપના ફોન રેકોર્ડ કરીને સાંભળ્યા બાદ આપની સાથે લડ્યા કરે છે? તમે કોઈ એવી વાત તો નથી કરતા ને કે જેનાથી એમને શંકા કરવાનું કારણ ઉભું થાય? પરસ્પરનો વિશ્વાસ એ સુખી લગ્નજીવનની ચાવી છે. આપના ઘરમાં જે વાયવ્યની બાલ્કની છે તેમાં તમારો હીંચકો ગોઠવી દો.સજોડે યોગ્ય રીતે શિવ લિંગ પર અભિષેક કરો. આપના પતિનો વિશ્વાસ મેળવવા એમની ગેરહાજરીમાં પુરુષ મિત્રોને ઘરમાં ન બોલાવો. આપના પતિને ભ્રષ્ટાચાર કરતા રોકો. તમે બંને પુરતું કમાવ છો. જીવન ચોક્કસપણે સુખમય બનશે.