અમે આટલા સારા છીએ પણ બાકી બધા આટલા ખરાબ કેમ?

યંકભાઈ, હું ફ્લેટમાં રહું છુ. મારી બરાબર નીચેના ફ્લેટમાં એક બ્રાહ્મણ પરિવાર રહે છે. ઉપર પંજાબી પરિવાર રહે છે અને છેક નીચે બંગાળી પરિવાર રહે છે. અમે ચુસ્ત જૈન છીએ. ઉપર વાળા નોનવેજ ખાઈ અને કચરો નીચે ફેંકે છે. જે પેલા બ્રાહ્મણ પરિવારના કહેવાથી હવે કચરાપેટીમાં નાંખે છે. બંગાળી પરિવાર માછલી ખાય છે. એમને ત્યાં વઘાર થાય ત્યારે અમારા રસોડા સુધી ખબર પડે. એ લોકો ગંદકી નથી કરતા પણ સાથે સાથે સાત્વિક ખાવાનું ખાવાની અમારી વિનંતીને માનતા પણ નથી. બ્રાહ્મણ પરિવારની મદદ માંગતા એલોકો એવું કહે છે કે એ એમની પર્સનલ બાબત છે. એમાં ન પડાય. બ્રાહ્મણ પરિવાર સાંજે પ્રાર્થના ગાય છે. જે અમારા ટીવીના સમય સાથે હોય છે. સમજાવવાછતા અટકતા નથી. અમે ટીવીનું વોલ્યુમ વધારીને સંદેશો આપ્યો. દરવાજા ઠોક્યા પણ એ લોકો માનતા નથી. અમે સોસાયટીમાં આ અંગે વાત કરી. એ પરિવાર કેટલો ખરાબ છે તેની માહિતી પણ બધાને આપી પણ એ લોકો કોઈનું માનતા નથી. એક વાર ભૂલથી અમારી એસીની પાઈપ એમના બેડરૂમમાં જતી રહી તો તરત જ ફરિયાદ કરી. જો ફ્લેટમાં એક બીજાની ઉપર રહેતા હોય તો ઘરની ડીઝાઇન એક સરખી હોય. અમે આટલા સારા છીએ પણ બાકી બધા આટલા ખરાબ કેમ? એનો અર્થ કે વાસ્તુશાસ્ત્ર ભરોસાપાત્ર નથી.

બહેન શ્રી, તમે તો આખા શાસ્ત્રને જ વખોડી નાખ્યું. કોઈ પણ વિષયને ઊંડાણ પૂર્વક સમજવો ખુબજ જરૂરી છે. ભારતીય વાસ્તુમાં માત્ર નકશાની વાત ક્યારેય નથી કરવામાં આવી. તેમાં જે દસ દિશાઓની વાત છે તેમાં ઉર્ધ્વ એટલેકે ઉપર અને અધ: એટલેકે નીચે એમ બે દિશાઓ છે જે અગત્યનો ભાગ ભજવે છે. અને એ મત મુજબ અલગ અલગ ઉંચાઈ પર આવેલી એક સરખી ડીઝાઇનના રહેણાકમાં પણ અલગ ઉર્જા હોઈ શકે. આ ઉપરાંત જગ્યાના રંગો, આંતરિક વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, જીવનશૈલી, માનસિકતા જેવા ઘણાબધા પરિબળો ઘરની ઉર્જા પર અસર કરે છે. તમારો સવાલ વ્યાજબી છે. પણ એ સવાલને અલગ રીતે વિચારવો જરૂરી છે. તમારા મત મુજબ તમે જેમ કહો છો તેમ લોકો જીવતા નથી. તમે એલોકો કહે તમે જીવો છો ખરા? જૈન શાસ્ત્રોમાં વૈજ્ઞાનિક આધાર છે. હું તેનું પુરતું સન્માન કરું છુ. એમાં પણ અન્યને સન્માન આપવાની વાત કરવામાં આવેલી છે. જેમતમે તમારી જીવનશૈલીને સન્માન આપો છો તેમ અન્યને પણ પોતાની જીવનશૈલી અપનાવવાનો હક હોવો જોઈએ.પંજાબી પરિવારે બહાર કચરો નાખવાનો બંધ કર્યો એ સકારાત્મક બાબત ગણાય. એ લોકોને પરાણે શાકાહારી બનવવાનો નિર્ણય યોગ્ય નથી. આવુજ બંગાળી પરિવાર માટે વિચારી શકાય. જો એમના વઘારની વાસ ના ગમતી હોય તો થોડા સમય માટે બારી બંધ કરી દેવાય.

હવે વાત કરીએ બ્રાહ્મણ પરિવારની. એ લોકોની પ્રાર્થનાના સમયે તમે ફૂલ વોલ્યુમમાં ટીવી ચાલુ કર્યું, દરવાજા ઠોક્યા પણ એમણે વિરોધ નથી કર્યો. કારણકે આ બધુજ તમે તમારા ઘરમાં કર્યું છે. એમની વાત સાચી છે કે એમાં ન પડાય. કોઈ એસીની પાઈપ એની મેળે કોઈના ઘરમાં ન જતી રહે. તમે લોકોને એમની વિરુદ્ધ વાતો કરીને એમની વિરુદ્ધનું વાતાવરણ ઉભું કરીને સમજાવી લેશો. પણ તમારે સમસ્યા હતી ત્યારે પેલા પંજાબી પરિવારને એમણે જ મનાવ્યો હતો. તમે તમારા હિતેચ્છુને ખોઈ રહ્યા છો. તમે બદલાવ. જગત સુન્દર લાગશે. કોઈ પણ ધર્મ અન્ય ધર્મનું અપમાન કરવાનું શીખવાડતો નથી. જૈન ધર્મ ક્ષમામાં માને છે. ભૂલી જાવ.

હવે વાત વાસ્તુની. તમારા ઘરનું દ્વાર વાયવ્ય ઉત્તરનું છે. રસોડું ઉત્તરમાં ઉત્તરમુખી રસોઈ કરવાની વ્યવસ્થા વાળું છે. ઇશાન, અગ્નિ, નૈરુત્ય અને વાયવ્ય કપાયેલા છે. ડ્રોઈંગ રૂમ નૈરુત્યમાં છે અને બેડરૂમ ઈશાનમાં છે. બ્રહ્મમાં વજન છે. બ્રાહ્મણના ઘરમાં રંગો અને ઇન્ટીરીયર એવી રીતે થયું છે કે નકારાત્મકતા ઓછી થઇ જાય છે. બંગાળી પરિવારમાં છોડ એવી રીતે વવાયા છે કે નકારાત્મકતા ઓછી છે. તમારા જણાવ્યા પ્રમાણે પંજાબી પરિવારમાં બાળકોની તકલીફ છે. અને કંકાશ પણ છે. એ લોકો પણ આપની જેમ અન્યને તકલીફ આપવામાં માને છે. આપના ઘરમાં પશ્ચિમ મુખી બેઠક વ્યવસ્થા અને ઉત્તરમાં માથું રાખીને સુવાની વ્યવસ્થા આવી સમસ્યાનું કારણ છે. ટીવી પૂર્વની દીવાલ પર લઇ લો અને પૂર્વમાં માથું રાખીને સુવો. પદ્મપ્રભુની આરાધના કરો. આપનો સ્વભાવ બદલાશે અને જીવન પણ.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]