આવી ડિઝાઇન લાવે આંખકાનદાંતને લગતી સમસ્યાઓ

જીવનની દરેક ક્ષણને માણવા હકારાત્મક ઉર્જાની જરૂર છે. હકારાત્મક ઉર્જાના નિયમો મળે છે વાસ્તુ શાસ્ત્ર થકી. આજે આપણે જે મકાન નો અભ્યાસ કરીએ છીએ તે એક દુકાન છે. જેમાં લંબચોરસ દુકાનની પૂર્વ અને ઉત્તરમાં ઓટલો છે. અને પશ્ચિમ અને દક્ષિણમાં અન્ય દુકાન હોવાથી કોમન દીવાલો છે. આ સ્થિતિ સારી ગણાય. દુકાનના દક્ષિણ અને અગ્નિને કવર કરતી સીડી ઉપર બ્યુટી પાર્લરમાં જાય છે. આના કારણે પગનો દુખાવો, નારીને સતત અસંતોષ, ઉગ્રતા, વ્યર્થ વિચારો અને અસંતોષ આવી શકે. વળી કાન, આંખ, દાંતને લગતી સમસ્યાઓ આવે.

જો અહી નારી કામ કરતી હોય તો નારીને લગતા રોગ પણ આવી શકે. ઓટલા પરથી મેઈન એન્ટ્રી ઉત્તર તરફથી છે જે ચુંબકીય રીતે ઘરાકી આપી શકે. કાઉન્ટર ઉત્તર તરફ છે તેનો પણ લાભ મળે. અન્ય કાઉન્ટર પૂર્વ તરફ છે જે સારું ગણાય. પણ મુખ્ય ધંધાકીય બાબતો માટે, ખાસ કરીને પૈસાની લેવડ દેવડ માટે ઉત્તર તરફનું કાઉન્ટર વાપરવું જોઈએ.ઇશાનમાં આર સીસીનો પિલર તણાવ વધારે. જેના કારણે ધંધામાં આત્મવિશ્વાસ ઓછો આવે. વાયવ્યમાં સોકેશ છે, જેમાં જેનો ઝડપી વ્યવસાય કરવાનો હોય તેવી વસ્તુઓ અહી રખાય. આ જગ્યાએ કોઈ વધારે વજનવાળી અથવા તો ખુબજ મોંઘી વસ્તુ ન રાખવાની સલાહ છે. બેઠક પશ્ચિમમાં પૂર્વ મુખી છે. જેના કારણે વખાણ અને વાહવાહી મળે, પરંતુ પૈસા ઓછા આવે. તિજોરી વાયવ્ય પશ્ચિમમાં પૂર્વ તરફ ખુલે તે રીતે છે. જેના કારણે અહી ધન સંચય ઓછો થાય, ઉઘરાણી વધે. પશ્ચિમની દીવાલ પર સામાન્ય સોકેશ હોઈ શકે. અહી જ્વેલરી ન રાખવાની સલાહ છે. નૈરુત્યનો ભાગ બહાર છે જેમાં ફ્રીજ રાખવામાં આવેલું છે. જેને કારણ વગર ના વિચારો આવે, તણાવ, ઝગડા અને કેસ, જેવી સમસ્યાઓ ઉપરાંત પાડવા આખાડવાની તકલીફ ઉપરાંત અસ્થિરતા જેવી સમસ્યાઓ આવી શકે.

દક્ષિણની દીવાલ પર જ્વેલરીનો સોકેશ છે. અહી સોના ચાંદીની વસ્તુઓ રખાય, પરંતુ ડાયમંડની વસ્તુઓ માટે અગ્નિનો ભાગ વધારે યોગ્ય ગણાય. અગ્નિમાં દક્ષિણની દીવાલ પર દેવસ્થાન યોગ્ય ન ગણાય. તેના કારણે નારીનો સ્વભાવ થોડો સ્વકેન્દ્રિત બને અને કારણ વિનાની ઉગ્રતા આવે. પૂર્વને ઉત્તરમાંથી કુદરતી પ્રકાશ આવે છે તે ખુબજ સારું ગણાય. જે તણાવ ઓછો કરવામાં મદદરૂપ બને છે.આ જગ્યાએ થોડા સામાન્ય ફેરફાર કરવાથી હકારાત્મક ઉર્જા મળી શકે છે. જેના માટે સર્વ પ્રથમ તો સુચન પછીના નકશા પ્રમાણેની રચના કરવી જરૂરી છે. ઇશાનમાં આવેલા પિલર પર લેમન યેલો રંગ લગાવી બાકીની દીવાલો પર ઓફ્ વ્હાઈટ રંગ લગાવવો. ગુરુવારે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવી અને ઉંબરો પૂજી લેવો. દુકાનના નૈરૂત્યના ભાગમાં પશ્ચિમની દીવાલ પર આછો ભૂરો રંગ લગાવવો. દર બુધવારે સમળાના વૃક્ષને દૂધ ચડાવવું. ગણપતિ ભગવાનને ગોળનો પ્રસાદ ધરાવવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, સરસવ, ચંદન, પાણીનો અભિષેક કરી બીલીપત્ર ચડાવી દેવા. દર બેસતા મહિને કિડીયારું પૂરવું.

નીતિથી કામ કરનારને સુખ મળે છે. સાચા સુખના નિયમો મળે છે વાસ્તુ નિયમો થકી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]