સુખના સરનામે 3 ઘરની વાસ્તુ તલાશી લઇએ…

“ હું મારા સાસરીના ઘરે જાઉંને તો મારા જેઠાણી, ખાવાના ડબ્બા સંતાડીને રાખે. મારા સાસુનું તો ઘરમાં કઈ ચાલે નહીં. મારા જેઠ એમને બોલવા જ ન દે. બિચારા મારા માટે કંઈક વિચારતા હોય તો પણ બોલી ન શકે. વળી બધાંના રસોડાં જૂદાં. મારે થેલાં ભરીને વસ્તુઓ લઇ જવાની પણ મને એ ઘરમાંથી એક કિલો ઘઉં પણ ક્યારેય ભરી નથી દીધાં. મારા પિયરમાં જઈએ તો મારા મમ્મી અમને બહુ રાખે. મને સમજાવે કે જેવા છે. એવા ચલાવી લેવાના. આપણે ક્યાં દરરોજ એમની સાથે રહેવાનું છે? પણ સાવ એવું થોડું ચાલે? બંને પક્ષે બરાબરનો વ્યવહાર તો હોવો જોઈએને? અને મારા એ? એ તો બસ એમના લોકોનો જ વિચાર કરે.”

આ સમસ્યામાં એક નારી છે જેના લગ્ન કરીને તે એક એવા પરિવાર સાથે જોડાઈ છે. જે તેને પોતાને નથી ગમતો. તે એવા પુરુષ સાથે રહે છે જે તેને સન્માન નથી આપતો. બીજા એક ઘરમાં તેના સાસરી પક્ષવાળા રહે છે. જેમના ઘરમાં એકબીજા માટે લાગણીની અભિવ્યક્તિ યોગ્ય નથી. ત્રીજું ઘર નારીના પિયરનું ઘર છે. જ્યાં એક એવી મા રહે છે જે ઈચ્છે છે કે તેની દીકરી બધું સ્વીકારી અને સમજણપૂર્વક વ્યવહાર કરે.

હવે પહેલાં ઘરનો વિચાર કરીએ તો તેમાં અગ્નિનો બેડરૂમ છે. પૂર્વમાં દાદરો અને ઉત્તરમાં ટોઇલેટ છે. નૈરુત્યમાં રસોડું છે અને બ્રહ્મનો પણ દોષ છે. તેથી નારીને એવું લાગે છે કે તેને જોઈએ તેવું માન મળતું નથી. પુરુષ તેની સાથે લડ્યાં કરે છે અને તેનામાં આત્મવિશ્વાસ પણ ઓછો છે. પણ હા, નારી જીદ્દી પણ છે. તે સમસ્યાની ચર્ચા કરે છે પણ તેને નિરાકરણમાં રસ નથી. સમગ્ર રજૂઆતમાં ભૌતિક્તાવાદ દેખાય છે. તેથી સુખ નજર સામે હોય તો પણ ઈચ્છાઓ મોટી થઇ જતાં તેની અનુભૂતિ ન થાય.

બીજા ઘરમાં એક જ હારમાં બધાંના બેડરૂમ છે. જયારે ઘરમાં અનેક દરવાજા આવતા હોય ત્યારે તે ઘરની ઊર્જા ઓછી થઇ શકે. ઘરનું મુખ્ય દ્વાર વાયવ્યમાં છે. તેથી માતૃસુખમાં ઓછપ આવે. અહી અગ્નિનો દોષ છે તેથી ઘરની નારી સુખી ન હોય અને તેને શારીરિક સમસ્યાઓ પણ રહે. બ્રહ્મમાં ઊંચા વૃક્ષો છે તેથી મનને લગતી તકલીફ આવે. અહીં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણના અક્ષ પણ નકારાત્મક છે તેથી પરસ્પર માન સન્માનના સંબંધો ઓછા રહે અને સ્વાર્થની લાગણી આવી શકે. ગમે તેટલી સંપત્તિ કે પ્રતિષ્ઠા હોય પણ જો ઘરમાં એકબીજા માટે સન્માનની લાગણી ન હોય તો તે ઘરમાં સુખ શોધવું પડે.

હવે વિચરીએ ત્રીજા ઘર વિશે. ત્યાં એક એવો પરિવાર રહે છે કે જે કોઈ પણ સમસ્યામાંથી બહાર આવી અને સરળ જીવન કેવી રીતે જીવાય તેનો વિચાર કરે છે પણ અહી સાસરે ગયેલી દીકરીની ચિંતા પણ રહે છે. ગમે તેટલું સમજાવ્યાં પછી પણ દીકરી ધાર્યું જ કરશે તેવી ભીતિ પણ છે. જો સમસ્યાઓની માત્ર ચર્ચાઓ કરવામાં આવે તો તેમાંથી રસ્તો નીકળતો નથી. તેના નિરાકરણ વિષે પણ ચોક્કસ વિચારવું પડે.

આમ ત્રણ વિરોધાભાસી વાતાવરણ અને તેના કારણો આપણે જોયાં. જો છેલ્લા મકાનમાં ઊર્જા  યોગ્ય હોય તો ત્યાં રહેતી વ્યક્તિઓને દીકરીની ચિંતા ન રહે. જો અહી વાયવ્યનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ હકારાત્મક હોય તો દીકરીના વિચારો પણ હકારાત્મક હોય. તે વાતાવરણને સમજવા પ્રયત્ન કરે. જરૂર પડે તો પોતાના વ્યવહારમાં મમત લાવ્યા વિના સહુને અપનાવવા પ્રયત્ન કરે. તેના વિચારોમાંથી ભૌતિકતાના આવરણો પણ દૂર થઇ શકે.

હવે વિચાર કરીએ બીજા નંબરના ઘરનો. અહી પૂર્વના યોગ્ય પદમાં દ્વાર હોય અને બ્રહ્મ હકારાત્મક હોય. ઉત્તર અને પૂર્વના બંને મુખ્ય અક્ષ હકારાત્મક હોય તો પરિવારની સાચી સમજણ ઉભી થાય અને ઘરે આવેલાનું પણ સન્માન કરવાની લાગણી જન્મે. જ્યાં અતિથી પૂજાતાં હોય ત્યાં સુખ પણ જોવા મળે. હવે હકારાત્મક ઊર્જાથી સભર ઘરમાં રહેતાં લોકો સાથે પેલી વાત વિચારીએ. તો એ નારી જયારે સાસરીના ઘરમાં જાય છે ત્યારે તેના સાસુ અને જેઠાણી તેને એટલી બધી લાગણી આપે છે કે તે પિયરની માયામાંથી બહાર આવી અને આ ઘરને પોતાનું ઘર માને છે. પોતાની માનો ફોને આવે તો પોતે સુખી છે તેવી વાત કરીને માના હૈયે ટાઢક પહોચાડે છે. છેને હકારાત્મક પરિસ્થિતિ? સકારાત્મક ઊર્જા ચોક્કસ હકારાત્મક સંજોગો આપી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]