ધ્યેય પ્રાપ્તિમાં મદદરૂપ છે વાસ્તુ

માણસ જયારે અન્ય વ્યક્તિના અભિપ્રાય માટે જ જીવતો હોય ત્યારે પોતાના માટેના સાચા સુખને ભૂલી જાય છે. અને લોકો શું કહેશેની ચિંતામાં ધ્યેયથી દૂર ભાગવા લાગે છે. ધ્યેયની સમીપ લઇ જવામાં મદદરૂપ થાય છે વાસ્તુ નિયમો.

આજે આપણે સંજયભાઈના મકાનનો અભ્યાસ કરીએ. લગભગ સમચોરસ લાગતા મકાનમાં ઈશાનનો ભાગ ખાલી છે. વળી ઉત્તરી ઈશાનમાં સંડાસ આવેલું છે. એટલે હૃદયને તકલીફ પડે તેવી ઘટના બને અથવા તો હૃદયને તકલીફ પડે તેવી બીમારી આવી શકે. ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણમાં અગ્નિના પદનું છે. જે સારું ગણાય. તેથી ઘરમાં નારીનો પ્રભાવ વધે. પરંતુ અગ્નિમાં વાયુનું પ્રતીક એવો હિંચકો યોગ્ય ન ગણાય. આવી વ્યવસ્થાથી નારીનો સ્વભાવ ચંચળ બનવાની સમસ્યા આવી શકે. લિવિંગ રૂમ અગ્નિથી પૂર્વના ભાગ સુધી છે. જેના કારણે ઘરમાં કોઈનો સ્વભાવ નાનીનાની વાતમાં ભૂલો શોધવાવાળો થઇ જાય. અગ્નિ તરફ મુખ રાખીને ટીવી જોવાની વ્યવસ્થા પણ યોગ્ય ન જ ગણાય. કોમ્પ્યૂટર જો અભ્યાસ માટે વપરાતું હોય તો તેનું સ્થાન યોગ્ય ગણાય. વળી આ રૂમમાં સૂવાની વ્યવસ્થા યોગ્ય નથી. બે દરવાજાની વચ્ચે ક્યારેય ન સૂવાય. આના કારણે વિવિધ સમસ્યાઓ આવે છે.

રસોઈઘર યોગ્ય જગ્યાએ છે. પણ અંદરની વ્યવસ્થા યોગ્ય નથી. અહીં ઈશાનમાં વૉશિંગ મશીન અને ફ્રિજ છે .જે નારીને ખૂબ જ તણાવ આપી શકે. વળી રસોઈ પશ્ચિમ તરફ મુખ રાખીને થાય છે. જેના કારણે રસોઈનો સ્વાદ બદલાયા કરે. આ કારણથી પણ નારીને મજા ન આવે અને ઘરમાં ચર્ચાઓ થાય. નૈઋત્યમાં બેડરૂમ યોગ્ય ગણાય. પણ અહીં બ્રહ્મમાં ઉત્તર તરફ મુખ રાખીને પૂજાની વ્યવસ્થા છે જે યોગ્ય ન ગણાય. આના કારણે ભૌતિકતાવાદી વિચારો વધે અને પૂજામાં મન માને નહીં. પૂજાની ભાવના ન સચવાય. પશ્ચિમ તરફ માથું રાખીને સૂવાથી ઊંઘ પૂરી થયાનો સંતોષ ન મળે. તંદ્રા મળે. પેટી પલંગ પર સૂવાથી શરીર દુખે.  તિજોરી યોગ્ય જગ્યાએ છે. પણ સમગ્ર મકાનને જોતા આર્થિક વ્યવસ્થા સારી ન રહે. કોઈ પણ એક વ્યવસ્થાથી સમગ્ર મકાનનું અનુમાન ન થઇ શકે. કોઈપણ સમસ્યાને સમજવા માટે સમગ્ર મકાનની વ્યવસ્થા સમજવી જરૂરી છે. ઘરમાં કોઈ એક જ જગ્યાએ ઘણાંબધા દરવાજા ખુલતા હોય એ સારી વ્યવસ્થા ન ગણાય.

ભારતીય નિયમો માનવજાતિને મદદ કરવા માટે રચાયા છે. અને તેમાં વાસ્તુ નિયમોથી ઘરની વિવિધ વ્યવસ્થાને સમજી શકાય છે. આજ જગ્યાએ હકારાત્મક ઊર્જા મેળવવા માટે સૂચન પછીના નકશામાં દર્શાવ્યા પ્રમાણેની વ્યવસ્થા કરી, ઈશાનમાં પાંચ તુલસી, અગ્નિમાં બે ચંદનના છોડ વાવી દેવા. આ ઉપરાંત ઘરમાં ગુગળ,ચંદન, અંબરનો ધૂપ કરવો. ગુરુવારે ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવી ઉંબરો પૂજવો. આ ઉપરાંત શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, સરસવ, શેરડીનો તાજો રસ, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દેવા. દરરોજ સવારે સૂર્યને જળ ચડાવવું. માણસ દુઃખમાં જ ઈશ્વરને યાદ કરે છે. ત્યાં સુધી તે લોકો શું કહેશે તેની ચિંતામાં જીવન વ્યતીત કર્યા કરે છે. એક સમય એવો આવે છે કે તેને અહેસાસ થાય છે કે જીવન વ્યર્થ દિશામાં જઈ રહ્યું હતું. જીવનની સાચી દિશા અને જરૂર સમજવામાં મદદ કરે છે વાસ્તુ નિયમો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]