ઈશાનના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય અને પશ્ચિમનો દોષ હોય ત્યારે…

“મારી પત્નીને ડીપ્રેશનની બીમારી તમારા લીધે જ આવી છે. તમે એના ફોન ઉપાડતા નથી. તમે તો મારો ફોન પણ ઉપાડતા નથી. મને લાગે છે કે તમને હવે અમે નથી ગમતા.” “ મને કેમ એવું લાગે છે કે એ મને હેરાન કરવા માટેજ બધું કરી રહ્યા છે.” “ જોયું કેવું મોઢે ના પાડીને ઉભા રહી ગયા. પાછુ કે છે કે રાત્રે કીધા વિના કોઈના ઘરે ન જવાય. નક્કી હવે આપણને તાંત્રિક વિધિમાં ફસાવી દેશે.” “ ઓફિસે બોલાવે છે. નક્કી મારવાનો પ્લાન હશે.” આ બધીજ વાતમાં જે દેખાય છે તે કાલ્પનિક ભય છે.

માનવ જાતિના જે મોટામાં મોટા દુશ્મનો છે તે છે સ્વાર્થ, ભય અને અભિમાન. આ બધા જ વાક્યોમાં આ બધુ જ ક્યાંકને ક્યાંક દેખાઈ આવે છે. સામાન્ય લાગતો માણસ રસ્તા પર જતો હોય અને અવાજ આવે કે તરત વિચાર આવવા લાગે કે રસ્તો સુમસામ છે. રાત છે. હું એકલો છુ. પછી ભલેને એ અવાજ પાંદડાનો હોય. પણ એવા સંજોગોમાં કોઈ માણસ રસ્તો પૂછવા નજીક આવીને ખભે હાથ મુકે તો? બની શકે ભયનો માર્યો પેલો માણસ તેના પર હુમલો કરી બેસે. તો કાલ્પનિક ભયને વાસ્તુના સંદર્ભમાં જોઈએ. પ્રથમ વાક્યમાં ઘરમાં બે વ્યક્તિઓને તકલીફ છે. એક પત્ની કે જે પતિના વિચિત્ર સ્વભાવના કારણે ડીપ્રેસનમાં છે. અને બીજો પતિ કે જેને ભય છે કે કદાચ કોઈને સાચી વાત ખબર પડી જશે તો? તે દરેક ક્ષણે પોતાને બચાવવા અન્ય પર આક્ષેપો કર્યા કરશે.

હવે તેમના ઘરનો અભ્યાસ કરીએ. તેમના ઘરમાં બ્રહ્મમાંથી પસાર થતા ઉત્તર, ઇશાન અને પૂર્વના અક્ષ નકારાત્મક છે. ઘર નારી પ્રધાન છે પણ અગ્નિ અને પશ્ચિમના દોષના કારણે પતિના સ્વભાવમાં દુષણો છે. ઉત્તરનો દોષ તેમને સતત અન્ય પર દોષારોપણ કરવા પ્રેરે છે. આવા લોકો પોતાની વાત મનાવવા નાટકીય પણ બની શકે છે. તેઓ ક્ષણમાં બદલીને આભાસી વાતાવરણ ઉભું કરવા સક્ષમ હોય છે અને તેથીજ તેમના પત્ની થાકીને ડીપ્રેસનનો શિકાર બન્યા હોય તેવું બની શકે. બીજા વાક્યમાં ભય તો છે જ. પણ સાથે અવિશ્વાસ છે. તેથી તેમને મદદ કરવા વાળા ધીમે ધીમે ઓછા થતા જાય તેવું બને. કારણકે તેમને કોઈના પર પણ ભરોસો આવતો નથી. આના માટે પશ્ચિમ તરફ આવેલી દિશાઓનો દોષ મુખ્યત્વે કારણભૂત ગણી શકાય. ત્રીજા વાક્યામાંતો વ્યક્તિને એવુજ લાગે છે કે આખી દુનિયાને એને હેરાન કરવા સિવાય અન્ય કોઈ કામજ નથી. તેઓ નાનીનાની વાતમાં મોટી મોટી સમસ્યાઓને નિહાળવા મથતા હોય છે. તેમનું મન રચનાત્મક બાબતો પર ઓછુ અને નકારાત્મક બાબતો પર વધારે ધ્યાન આપે છે.

ઈશાનના અક્ષથી બનતો ત્રિકોણ જયારે નકારાત્મક હોય અને પશ્ચિમનો દોષ હોય ત્યારે આવું બને છે. જો આ નકારાત્મકતા વધે તો વ્યક્તિને અસુરક્ષાની લાગણી ઉદ્ભવે છે.” ફિર તેરી કહાની યાદ આઈ” ની નાયિકાની માફક જ. એક ભાઈને ઘર બનાવવાનું હતું. ઘણા બધા લોકોને મળ્યા બાદ કોઈના પર ભરોસો ન આવ્યો. અંતે તેમના પત્નીની મદદથી એક આર્કિટેકટ, એક એન્જીનીયર અને એક કોન્ટ્રાક્ટર મળી ગયા. પણતેમને સતત ભય રહ્યા કરે. હું ફી આપીશને કામ નહીં મોકલે તો? સિવિલ એન્જીનીયર પ્લાન કેમ માંગે છે? કોઈને વેચી દેશે તો? આ બધા ભેગા થઈને અમને લુંટી તો નહિ લેને? કોઈને પણ ફી આપવાની થાય એટલે કાગારોળ કરી મુકે. કામ નહિ મળે એના કાલ્પનિક ભયમાં પત્ની સાથે પણ લડે. નકશા આવ્યા પછી ચિંતા કરે કે અમને હેરાન કરવા માટે સ્ટીલ ઓછુ ગણ્યું હશે તો? અમે દબાઈ જશું.તેમનાથી છુટકારો પામવા પૈસાની અપેક્ષા વિના બધા નકશા આવી ગયા.

હવે નવી ચિંતા શરુ થઇ. મફતમાં કામ આપ્યું. નક્કી કૈક ખોટું કરવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે લોકો સુખી થવા માટે ઘર બનાવતા હોય છે. પણ આવા લોકો દુખી થવા માટે ઘર બનાવતા જોવા મળે છે. રાત્રે મોડા કોઈના ઘરે ન જવાય તે એક સહજ સમજણ છે. પણ ઈશાનનો અક્ષ નકારાત્મક હોય ત્યારે સ્વભાવ જીદ્દી થઇ જાય. પોતાની ભૂલ ન દેખાય. અનેપછી જીદ ખોટા નિર્ણય લેવરાવે.વળી કોઈ તાંત્રિક વિધિ શા માટે કરે? પણ વાતને ચટાકેદાર બનવવા માટે આ વાત ત્યારે જરૂરી લગતી હોય.

હવે છેલ્લી સ્થિતિ. બ્રહ્મનો મોટો દોષ હોય ત્યારે સાવ સામાન્ય લાગતી બાબતમાં પણ શંકા ઉદ્ભવે. ભય લાગે. સતત એવું લાગે કે બધા એમને હેરાન કરવા માટેજ આ પૃથ્વી પર આવ્યા છે. પણ ભય મોટા ભાગે કાલ્પનિક હોય છે. આવા સંજોગોમાં મહામૃત્યુંન્જય જાપ આત્મબળ વધારવામાં મદદરૂપ થાય છે. પણ હા, આવો ભય એ એક બીમારી છે તે સમજવું જરૂરી છે. સ્વાર્થ અન્તે તો ભયમાજ પરિવર્તિત થાય છે. ભૌતીક્તાવાદમાં આજે જેની જરૂર નથી તેની કાલે પણ જરૂર નહિ પડે તેવી ગેર માન્યતા સર્જાય છે. ક્ષણિક ઉત્તેજના ક્યારેક મોટા નકારાત્મક પરિણામો આપી શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]