દક્ષિણ તરફ ખુલતી તિજોરી યોગ્ય ન જ ગણાય… શું ઉપાય છે?

ભારતીય વાસ્તુમાં ગણિત વિજ્ઞાન, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજવિજ્ઞાન, આયુર્વેદ જેવા અનેક વિષયો આવરી લેવાયા છે. તેથી જ જેટલી બારીકાઇથી આ વિષય ને સમજવામાં આવે તેટલો જ વધારે તેનો લાભ મળી શકે છે.

આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તે મકાનમાં દક્ષિણ નૈઋત્ય તરફથી પ્લોટની એન્ટ્રી છે. જે નકારાત્મક ગણી શકાય. એક સારી વાત એ દેખાય છે કે ઉત્તરમાં દક્ષિણ કરતા માર્જિન વધારે છે. તેના કારણે સંતોષ વધે પરંતુ પૂર્વ કરતા પશ્ચિમમાં માર્જિન વધારે છે તેથી ખાલીપો લાગે. ઘરમાં પૂર્વ અગ્નિનો ભાગ બહારની તરફ બહાર આવેલો છે, જે ઘરની મોટી દીકરીને માટે સારો ગણાય, પરંતુ વહુ માટે તે યોગ્ય નથી. વળી આંખ, કાન અથવા ગળાની  તકલીફ આવે યા તો નારીને લગતી સમસ્યા આવે. આ ઉપરાંત ઈશાનમાં પણ નકારાત્મક ડેવલપમેન્ટ છે. દાદરો ઈશાનમાં ઉત્તર તરફ છે અને પ્લોટના ઈશાનમાં સંડાસ છે. જેના કારણે માનસિક તણાવથી લઈને હૃદયની તકલીફ સુધીની સમસ્યા આવી શકે. વળી આ જગ્યાએ જમીનની ઉપર ટાંકી પણ એ સમસ્યામાં વધારો કરે અને કારણ વિનાના ખર્ચ વધારી શકે. કોઈપણ એક વાસ્તુ દોષથી કોઈ ખુબજ મોટી સમસ્યા આવતી નથી અને કોઈપણ એક જ નિરાકરણથી બધા જ દોષમાંથી રાહત મળતી નથી.હિંચકો વાયુ તત્વનું જ પ્રતીક છે. વાયવ્યમાં હિંચકો છે તે સારું ગણાય. પશ્ચિમ અને વાયવ્યમાં બે એન્ટ્રી છે. જેના કારણે ઘરમાં ઘડિયાળ જેવી સ્થિતિ રહે. પ્રોગ્રેસ કાર્ય પછી મૂળ સ્થિતિમાં આવી જવાય. પૂર્વની એન્ટ્રી હંમેશા સારી જ ગણાય, તે ગેરમાન્યતા અહીં દેખાઈ રહી છે. કારણ કે આખું મકાન ફર્યા બાદ પૂર્વ મધ્યથી નજીકમાં બે દ્વાર છે. આ પ્રકારના દ્વાર માણસને દ્વિધામાં રાખે યા તો ઘરમાં વિવિધ વિચારધારા આવે.

સ્ટોર રૂમ યોગ્ય નથી, અગ્નિમાં બેઠક યોગ્ય નથી. વળી આ જગ્યા ખાલી છે. અગ્નિ ભય અથવા ઘરમાં કોઈનો સ્વભાવ વધારે અપેક્ષાવાળો બને. અન્ય બેઠક વ્યવસ્થા વાયવ્યમાં છે, તે પણ યોગ્ય ન ગણાય. વળી ઉત્તરમાં ઉત્તર તરફ મુખ રાખીને થતી પૂજા ભૌતિકતા વળી વિચારધારા આપે. જેનાથી અસંતોષ વધે. ઈશાનમાં રસોડું નારીને શારીરિક, માનસિક સમસ્યા આપે. રસોઈની દિશા યોગ્ય છે. તેથી રાહત રહે. નૈઋત્યમાં બેડરૂમ યોગ્ય ગણાય. આ જગ્યાને ઘરના માલિકને સુવા માટેની જગ્યા મનાય છે. પરંતુ સૂતી વખતે માથું યોગ્ય દિશામાં હોય તે જરૂરી છે. નૈઋત્યમાં પશ્ચિમ તરફ મુખ રાખીને ટીવી જોવાથી ગુસ્સો વધે અને નકારાત્મક વિચારો વધારે આવે. દક્ષિણ તરફ ખુલતી તિજોરી યોગ્ય ન જ ગણાય. બ્રહ્મમાં વધારે દરવાજા અને ઘરમાં બહાર જવાના વધારે દરવાજા નકારાત્મક ગણાય.સમસ્યા કોઈ પણ હોય, ભારતીય વાસ્તુમાં તેનું નિરાકરણ છે. ભારતીય શાસ્ત્રોમાં કર્મ અને વાસ્તુને સાથે રાખીને હકારાત્મકતા મેળવવાની વાત કરવામાં આવી છે. આજ જગ્યાએ હકારાત્મક ઉર્જા વધારવા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરી અને ઈશાનમાં તુલસીના પાંચ છોડ, અગ્નિમાં ચંદનના બે છોડ, વાયવ્યમાં બીલીના બે છોડ, પશ્ચિમમાં બે આંબા અને નૈઋત્યમાં બે નારિયેળી વાવવા જરૂરી છે, મુખ્ય દ્વાર પર દર ગુરુવારે આસોપાલવનું તોરણ લગાવવું જરૂરી છે. તે ઉપરાંત શિવલિંગ પર પાણી, દૂધ,પંચામૃત, ચોખા, શેરડીનો તાજો રસ, બીલીપત્ર, પાણીથી અભિષેક કરી સૂર્ય ને જળ ચડાવવું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]