વૃષભ રાશિ વિશેષ: સુખી, સમર્થ અને વિશ્વસનીય…

ચંદ્ર, સૂર્ય અને જન્મકુંડળીનું પ્રથમ સ્થાન, આ ત્રણેય જાતકના જીવનના ત્રણ આધાર સ્તંભ ગણી શકાય. આ ત્રણેય જે રાશિમાં હોય તે રાશિનું મહત્વ જાતકના જીવનમાં ખૂબ વધી જાય છે. ગ્રહો રાશિઓના આધિપત્ય હેઠળ શુભાશુભ ફળ આપતા હોય છે. આજે આપણે એક સુખી, સમર્થ અને વિશ્વસનીય રાશિ વૃષભને જોઈશું.

વૃષભ રાશિનો માલિક ગ્રહ શુક્ર છે, આ રાશિમાં ચંદ્ર ઉચ્ચનો થાય છે. ચંદ્ર એ જળતત્વ દર્શાવે છે, અને વૃષભ રાશિએ પૃથ્વીતત્વની હોઈ ચંદ્ર દ્વારા આ રાશિનું પોષણ થાય છે અને તે માટે વિદ્વાનોએ વૃષભનો ચંદ્ર શુભ ગણ્યો છે. વૃષભ રાશિ એ કાળપુરુષની કુંડળીમાં બીજા સ્થાને છે એટલે સ્વાભાવિક રીતે ધન સંગ્રહ અને અર્થકારણ પણ એમાં સમાયેલું છે. આ રાશિના જાતકોને આર્થિક સમૃદ્ધિ તરફ વિશેષ લગાવ હોય છે. વૃષભ રાશિના જાતકો અવનવી અને કીમતી ચીજવસ્તુના શોખીન હોય છે, જેમકે મોંઘી ઘડિયાળ કે મોબાઈલ તેઓના આકર્ષણની ચીજો કહી શકાય. વૃષભ રાશિની સ્ત્રીઓને શૃંગારિક ચીજો અને મોંઘા કપડાંના શોખ હોય છે. આ શોખ વૃષભ રાશિના જાતકોમાં વિશેષ પ્રમાણમાં વિકસિત હોય છે અને તે વ્યવહારમાં આસાનીથી જોઈ-અનુભવી શકાય છે.વૃષભ રાશિ પૃથ્વીતત્વની અને સ્થિર સ્વભાવની રાશિ છે. તેમાં પૃથ્વીતત્વ આ રાશિને ભૌતિક સમૃદ્ધિ અને ચીજ વસ્તુઓના શોખ તરફ ઝૂકાવ આપે છે. તેઓને મોટા મકાન અને વાહન માટે વધુ આકર્ષણ રહે છે. વૃષભ રાશિની વ્યક્તિઓને પોતાના શોખ અનુસાર સ્વાદિષ્ટ અને ભારે આહાર વધુ પસંદ પડે છે, તેઓમાં ખાણીપીણીનો આ શોખ વિશેષ જોવા મળે છે. સ્થિર સ્વભાવ આ રાશિના જાતકોને અચલ સ્વભાવ આપે છે, તેઓ જેને દિલ દઈ બેસે છે તેની માટે તેઓ મહેનત અને નિષ્ઠાથી લાગેલા રહે છે. ઘણીવાર તેઓની પસંદ જીદમાં પણ પરિણમે છે. ઘણા જ્યોતિષીઓ માને છે કે આ રાશિના જાતકો ઉત્તમ પ્રેમીજનો હોય છે. તેઓ જીવનભર એકપાત્રને જ પ્રેમ કરતાં હોય છે. તેઓ ઋજુ હદયના નથી પરંતુ સહનશીલ છે, છતાં તેમના હ્રદયને ઠેસ આપવી અન્ય રાશિના જાતકોને મોંઘુ પડે તે ચોક્કસ વાત છે.

વિદ્વાનોએ આ રાશિને સુખ અને સૌદર્યપ્રધાન ગણી છે. વૃષભ રાશિના જાતકો મોટેભાગે કોઈને તકલીફ આપતાં નથી, જો તેઓની માનમર્યાદા જાળવવામાં આવે અને તેઓને મનપસંદ ચીજવસ્તુઓ આપવામાં આવે તો તેઓ દિલ દઈને ખુશ થઇ જાય છે. પરંતુ તેમને નાની વાતો અને મજાક મશ્કરી બિલકુલ પસંદ નથી પડતાં, ઉલટાનું તેઓ આવા વ્યક્તિને તેઓ નક્કર જવાબ આપવામાં જરા પણ વાર નથી લગાડતાં. શુક્ર આ રાશિનો સ્વામી હોઈ આ રાશિના જાતકો સૌદર્ય અને કળાના ચાહક હોય છે, સુંદર ચીજોની ખરીદી વખતે તેઓ તેની કલા અને સુંદરતા સામે તેની કીમતને ગૌણ ગણે છે અર્થાત તેઓ સુંદર ચીજો પાછળ ધન જલદી ખર્ચ કરતા હોય છે.

વૃષભ રાશિના જાતકો ૩૨માં વર્ષે આર્થિક સાહસમાં સફળતા મેળવે છે. તેઓ પોતાના નાણાં મોટેભાગે કીમતી ચીજવસ્તુઓમાં રોકે છે. ઘરેણાં અને મોંઘી જમીન કે મકાન તેમના આર્થિક રોકાણના સાધન કહી શકાય. ભાઈબહેન સાથે તેમને ઉત્તમ સંબંધ રહે છે. મોટેભાગે તેઓ પોતાના બધાં કુટુંબીજનોમાં વધુ સુખી હોય તેવું બને છે. વૃષભ રાશિના જાતકોને માતા અને મકાન સાથે જોડાયેલ બાબતોમાં થોડેઘણે અંશે સંઘર્ષ અને અવરોધ વેઠવાં પડે છે. તેઓ એક મોટા મકાનનું સ્વપ્ન ચોક્કસ જુએ છે પરંતુ સાથે સાથે પોતાની પાસેનું સઘળું તે મકાનમાં આપવા પણ તૈયાર થઇ જાય છે. મારા મતે તેઓએ મકાન માટેનું આર્થિક આયોજન ખૂબ વહેલા નક્કી કરવું જોઈએ. તેમ છતાં ‘સુખ’ વૃષભ રાશિમાં સ્વતઃ હોઈ તેઓ જીવન દરમિયાન મોંઘી કાર અને મકાન ચોક્કસ મેળવે છે.સંતાન પ્રાપ્તિ મધ્ય ઉમરે થાય છે, સંતાન સાથે તેઓને ખૂબ સુંદર સંબંધ રહે છે. સંતાન અને માતાપિતા સાથે પ્રેમ અને સુખનું આદાનપ્રદાન ખુબ સારું રહે છે. વૃષભ રાશિના જાતકોને સુખી જીવનપ્રણાલીથી થતાં રોગ તકલીફ આપી શકે. મેદવૃદ્ધિ થવી, પ્રમેહ, પેશાબના રોગ, શરીરમાં ઓજ ઓછું થવું વગેરે તેમને તકલીફ આપી શકે. સ્વાસ્થ્ય સારું રહે તે માટે તેઓએ હમેશા આરામ જરૂર પૂરતો જ કરવો, શારીરિક પરિશ્રમ એ તમારા સ્વાસ્થ્યને ઉત્તમ રાખનાર દવાની ગરજ સારશે.

તેઓનું લગ્નજીવન ઉત્તમ હોય છે, વૃષભ રાશિના જાતકો પ્રેમલગ્ન કરે તેની સંભાવનાઓ ખૂબ વધુ હોય છે. મોટેભાગે તેઓ ૨૮માં વર્ષની આસપાસ લગ્નજીવનની શરૂઆત કરે છે. વૃષભ રાશિમાં દૈહિક આકર્ષણ અને સૌન્દર્યનું વિશેષ તત્વ છે, આ રાશિના જાતકો આકર્ષક અને વિશ્વસનીય પ્રેમીજનો છે, માટે લગ્નજીવન પહેલાં પ્રણયપ્રસંગ થાય તે સ્વાભાવિક છે. તેઓનું લગ્નજીવન સ્થિર અને સુખી હોય છે.

વૃષભ રાશિના જાતકો મહદઅંશે નોકરીને વધુ પસંદ કરે છે, પરંતુ સમગ્ર જીવન દરમિયાન નોકરી એ તેમના રસનો વિષય બની શકતી નથી. પરિણામે તેઓ ભારે ઉદ્યોગો અને સ્થિર સંપતિની લેવેચમાં વધુ રસ લે છે, જેમાં તેઓ ટૂંકા ગાળામાં ખુબ સારું ધન કમાઈ શકે છે. તેઓને કાર્યમાં નિયમિતતા વિશેષ પસંદ હોય છે. તેઓને પોતાની જેમ વિદ્વાન અને જાણકાર મિત્રો વધુ પસંદ છે. મિત્રોમાં સજ્જનતા અને જ્ઞાનનો ગુણ તેમને આકર્ષે છે. તેમના મિત્રો પણ આર્થિક રીતે સમૃદ્ધ હોય છે. કારકિર્દીમાં ૩૬માં વર્ષે મોટો બદલાવ આવે છે અને તેઓ એક સ્થાપિત અને સન્માનનીય વ્યક્તિ તરીકે સમાજમાં આગળ આવે છે.

વૃષભ રાશિના જાતકો પોતાની રાશિ, કન્યા અને મકર સાથે વિનાવિઘ્ને ઉત્તમ જોડી બનાવે છે. તેઓને કર્ક, વૃશ્ચિક અને મીન રાશિઓ આકર્ષક લાગે છે, તેમની જોડે તેમનો સંબંધ એકબીજાને પોષક હોય છે. સિંહ, કુંભ અને મિથુન સાથે તેઓની લેવડદેવડ મધ્યમ ફળદાયી કહી શકાય. મેષ, તુલા અને ધન રાશિના જાતકો સાથે તેમનું આદાનપ્રદાન જલદી થતું નથી. વૃષભ રાશિના જાતકો મેષ, તુલા અને ધન રાશિના જાતકો પાસેથી ચોક્કસ કંઈ નવું (જે વૃષભ રાશિના જાતકો પાસે નથી તે) જાણી શકે તે પણ શક્ય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]