અક્ષરોનું વિજ્ઞાન: અક્ષરો કહે છે તમારા વિષે

કોઈકે સાચું જ કહ્યું છે કે અક્ષરોએ જીવિત વસ્તુ છે, અક્ષરોમાં જીવન સમાયેલું છે. અક્ષરે અક્ષર ક્રાંતિ સર્જી શકે છે. કોઈ મેડિકલની કિતાબ કોઈને જીવન બક્ષી શકે છે, તો કોઈ રાજનીતિક પુસ્તક આખા દેશમાં જુવાળ લાવી શકે છે. કોઈ એક પત્રના અક્ષર રાજગાદી પરથી કોઈને ઉઠાડી મુકે છે તો કોઈ એક ભલામણનો પત્ર કોઈને રાજગાદી સુધી પહોંચાડી શકે છે. માણસ ચાલ્યો જાય છે પણ તે તેના અક્ષર રૂપે હયાત હોય છે, એટલે જ તો કદાચ તેમને અ-‘ક્ષર’ કહેવાય છે.કોઈ વ્યક્તિના હસ્તાક્ષર વડે તેના વ્યક્તિત્વને જાણવું શક્ય છે. મનોવૈજ્ઞાનિકોએ ઘણું રસપ્રદ સંશોધન કર્યું છે, કોઈ પણ પુખ્ત વ્યક્તિના હસ્તાક્ષર દ્વારા તેના વ્યક્તિત્વ વિષે અંદાજ લગાવી શકાય છે. હજારો પ્રયોગ અને માહિતીના પૃથક્કરણ પછી નીચે મુજબ સત્યો જાણી શકાયા છે.ઘણીવાર આપણે ખૂબ ભારથી લખનાર વ્યક્તિઓ પણ જોઈએ છીએ, ખૂબ ભારથી લખનાર વ્યક્તિ ખૂબ મહેનતુ, ભૌતિકતાવાદી અને પોતાની કદર કરનારને શોધતા હોય છે, તેઓ પોતાને વધુ ચાહતા હોય છે. નકારાત્મક બાજુ જોઈએ તો તેઓ ઘણીવાર અભિમાની અને પોતાની ઓળખ માટે લડે પણ છે. જાડા અક્ષરોને પણ ભારથી લખાયેલા અક્ષરોમાં સમજી શકાય. બિલકુલ ઓછા ભારથી લખનાર વ્યક્તિઓ શક્તિનો અભાવ, પરિસ્થિતિમાં ભળી જનાર અને આધ્યાત્મ તરફ રૂચિ ધરાવનાર હોય છે.

તમે કોઈ વ્યક્તિને એક નાનો કાગળ આપો અને જો એ કાગળ ભરીને લખે છે અર્થાત ખૂબ મોટા અક્ષરે લખે છે તો આવી વ્યક્તિઓ સામાજિક જીવન જીવનાર, લોકોમાં પોતાનો પ્રભાવ પાડનાર, આર્થિક દ્રષ્ટિકોણ રાખનાર અને ઉદાર હોય છે. ખૂબ ઝીણા અક્ષરે લખનાર વ્યક્તિનું ધ્યાન અચૂક હોય છે, તેઓ અંતર્મુખી અને પૈસા બાબતે ચીવટ રાખનાર હોય છે. બે લાઈન વચ્ચે કાયમ વધુ જગ્યા છોડનાર વ્યક્તિ અલગતાથી જીવનાર, પ્રણાલીમાં વિશ્વાસ ન મુકનાર અને ડર રાખનાર હોય છે. ઘણી ભેગી લાઈનો લખનાર ગૂંચવાતો અને ઘણું માનનારો સ્વભાવ દર્શાવે છે, તેઓ બધું માને છે પણ કોઈની પર વિશ્વાસ જલદી મૂકવાને લીધે પસ્તાય પણ છે. ઘણા છૂટા અક્ષરો લખનાર વ્યક્તિને અંગત જીવન જીવવું પસંદ હોય છે, તેઓને લોકોની વચ્ચે રહેવું પસંદ નથી. ઘણા નજીક શબ્દો લખનાર વ્યક્તિને લાગણીઓનો ડર અને પોતાના છૂટા ના પડી જાય તેનો ડર હોય છે.જે લોકો સીધી રેખામાં લખે છે, એટલે કે જેમના અક્ષર બિલકુલ સીધી રેખામાં હોય તેઓ સીધી વિચારધારાના એટલે કે ચોખું અને સ્પષ્ટ માનસિક વલણ ધરાવતા હોય છે. જેમના અક્ષર ઉપર નીચે જતા હોય તેઓ સ્વભાવે થોડા બેકાળજી ધરાવનાર અને ડર અનુભવનાર હોય છે. જે લોકો નીચેની લાઈનને બરાબર અડાડીને લખે છે તેઓ સંસ્કૃતિ અને સંસ્કારોને ચાહનાર વ્યક્તિઓ હોય છે, આ વ્યક્તિઓ જલદી નવી ચીજોને અપનાવતા નથી.

અક્ષરોને એક સાથે જોઈએ તો તેમનો વળાંક તમને જમણે, ડાબે કે ઉભી રેખામાં એક સરખો અનુસરતો જણાશે. જો બધા અક્ષર જમણી બાજુ વધુ વળેલા હોય તો લાગણીશીલ, નરમ અને પ્રેમાળ વ્યક્તિત્વ હોય છે, બહુ વધારે જમણી તરફ ઢળેલા અક્ષરો ખૂબ વધારે ચંચળ અને બુદ્ધિનો ઓછો ઉપયોગ દર્શાવે છે. ડાબી તરફ ઢળેલ અક્ષરો સ્વાર્થ, લાગણીઓની અવગણના, મક્કમતા અને વિરોધ દર્શાવે છે, ખૂબ વધુ ડાબી તરફ ઢળેલ અક્ષરો અનન્ય વ્યક્તિત્વ દર્શાવે છે, શક્ય છે તે ખૂબ જ વધુ મક્કમતા અને જડતા ધરાવતી વ્યક્તિ પણ હોઈ શકે. સીધા અને સામાન્ય ઉભા અક્ષરો માહિતીની ઊંડી સમાજ અને ગાણિતિક આવડત દર્શાવે છે, તેઓ પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શકે છે. ઘણીવાર ડાબી, જમણી અને સીધા અક્ષરો એકસાથે જોવા મળે છે, તે પ્રકારની વ્યક્તિ બુદ્ધિ અને મન બંનેનો ઉપયોગ કરનારી હોઈ શકે. પરંતુ વધુ પડતા આડાઅવળા અક્ષરોવાળી વ્યક્તિને તમે જાતે જ સમજી શકશો.

ઘણીવાર આપણને સ્પષ્ટ અને સુંદર મરોડદાર અક્ષરો જોવા મળે છે, બહુ સાજસજ્જા સાથે લખનાર સ્વાભિમાની, આત્મકેન્દ્રી અને ઘણીવાર અભિમાની પણ હોય છે. તેઓને તેમના જ્ઞાન અને બુદ્ધિનો વધુ ઉંચો અભિપ્રાય હોય છે. શક્ય છે કે તેઓ હોશિયાર અને ઉમદા વ્યક્તિઓ પણ હોઈ શકે. જયારે અસ્પષ્ટ, તૂટેલા અને વળાંક વગરના અક્ષરો વાત કરવાની અણઆવડત, હતાશા, હાર સ્વીકારી લેવાની વૃતિ અને કોઈના ડરથી પ્રેરાયેલા વ્યક્તિ હોઈ શકે. બધા અક્ષરો જોડીને શબ્દો લખનાર આત્મવિશ્વાસુ અને સમજદાર અને પોતાની વાત પર અડગ રહેનાર વ્યક્તિ છે, તેઓ મોટા વ્યક્તિત્વના માલિક હોય છે. એક એક અક્ષર છૂટો પાડીને લખનાર વ્યક્તિ પ્રમાણમાં ઓછો અનુભવ, પોતાની ભાવનાને અનુસરનાર અને અનન્ય વ્યક્તિ હોય છે, તેઓ સ્પષ્ટ હોય છે પણ કાયદાથી ડરનાર હોય છે, જયારે બધા અક્ષરો જોડાનાર કાયદા સાથે કામ કરનાર અને જાણકાર હોય છે, તે નીડર વ્યક્તિ હોઈ શકે. અક્ષરોને ઓળખતા સમયે એક વાતનું હમેશાં ધ્યાન રાખવું કે અક્ષરોએ સ્વભાવ અનં વ્યક્તિત્વનું માપ હોઈ શકે પણ કર્મોનું માપ નથી, આપણે જોયું છે કે અભણ વ્યક્તિ પણ ક્યારેક ભણેલાને શરમાવે તેવા ઉમદા સામાજિક કાર્યો કરે છે, તે પણ કોઈની મદદ વગર!વિચારપુષ્પ: તમે અક્ષરો દ્વારા ગમે-તે સર્જી શકો છો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]