લગ્ન મોડે થવામાં જાતકનો સ્વભાવ મહત્વનો, જાણો રાશિઓની ખાસિયતો

મારી રાશિ તમારા વિષે બિલકુલ સાચું ચિત્ર રજૂ કરે છે. પશ્ચિમના જ્યોતિષી સૂર્યની રાશિને મહત્વની ગણે છે, જયારે ભારતીય જ્યોતિષીઓ ચંદ્રની રાશિને મહત્વની ગણે છે. ચંદ્રએ મનને રજૂ કરે છે, આત્મા (સૂર્ય) પોતે કોઈ કાર્યમાં જોડતો નથી, એટલે કે તેનું કર્મની દુનિયા પર કોઈ સીધુ મહત્વ રહેતું નથી. જયારે મન એ દરેક કાર્યનું બીજ હોય છે, માટે જ ચંદ્રની રાશિને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.

જ્યોતિષના પ્રશ્નોમાં સૌથી જટિલ પ્રશ્ન લગ્નજીવનનો હોય છે. લગ્ન મોડા થવા, લગ્ન પછી મનમેળ ન રહેવો, લગ્ન બાદ એકબીજા પર વિશ્વાસનો અભાવ વગેરે અનેક પ્રશ્નો જ્યોતિષ પાસે આવે છે. લગ્નના થવાના અનેક સંજોગ અને કારણ હોઈ શકે. પરંતુ લગભગ બધાનું માનવું છે કે સૌથી મહત્વનું કારણ તો માણસ પોતે જ હોય છે. જે લોકો લગ્નજીવનને મહત્વ નથી આપતા તેમના જીવનમાં લગ્ન વિષયક સમસ્યા સર્જાય તેમાં નવું શું છે? માણસ પોતે લગ્નના સુખ દુઃખના કેન્દ્રમાં હોય છે, પોતાના કાર્ય માટે જવાબદાર હોય છે. તેનો સ્વભાવ અને અભિગમ આ બધી બાબતોને ચલાવે છે. સંસ્કાર તેના પાયામાં હોય છે, પરંતુ સ્વભાવ અને પોતાની પ્રકૃતિ આગળ મનુષ્ય પણ નિર્બળ બની જાય છે.

દરેક રાશિની પોતાની ખાસિયતો છે. કોઈ રાશિ ચડિયાતી કે કોઈ રાશિ ઉતરતી નથી, માત્ર તેમના અભિગમ અને સ્વભાવ જુદા છે. આ સ્વભાવ જો વધુ પડતા વિકાસ પામે તો તેમના લગ્નજીવન મોડાં શરુ થાય છે અથવા લગ્ન બાબતે નિર્ણય લેવામાં તકલીફ પડે છે. રાશિઓ મુજબ તેમના ગુણ-દોષ જે લગ્ન બાબતે નિર્ણયમાં વિલંબ આપી શકે:

મેષ: અસાધારણ અપેક્ષાઓ અને બિનજરૂરી સરખામણીઓ, સ્પર્ધાત્મક સ્વભાવ, સીધું કહેવાનો સ્વભાવ,પ્રેમ અને લાગણીનો અસ્વીકાર.

વૃષભ: આર્થિક અને ભૌતિક સુખોની વધુ અપેક્ષાઓ, બદલાવ અથવા નવી બાબતોનો અસ્વીકાર, જડતા આવી જવી, પોતાની ચોઈસ જ મહત્વની હોય.

મિથુન: બંને બાજુ લાભ લેવાની આશા, સ્પષ્ટ નિર્ણય કે જવાબદારી લેવી નહીં,લગ્નની બધી બાબતોને એકસાથે લઈને ચાલવું, હકીકત કરતા ચર્ચાને વધુ મહત્વ આપવું.

કર્ક: અમર્યાદિત લાગણીઓ અને પ્રેમની ખોટી કલ્પનાઓ, આર્થિક અને સામાજિક બાબતોને ઓછું મહત્વ, ખોટું પણ લાગણીશીલ પાત્ર પણ ગમે.

સિંહ: ગર્વ અને વધુ પડતો આત્મવિશ્વાસ, પોતાના વિષે ઊંચો અભિપ્રાય, સામેનું પાત્ર ઓછું મહત્વનું ગણવું, ભાગીદારીનો અભાવ.

કન્યા: બીજાની ભૂલો પહેલાં જોવી, નાની બાબતોને મોટી કરતાં રહેવું, સંબંધોમાં ગણતરી મૂકવી, વધુ પડતી ચીવટ રાખવી.

તુલા: સતત બદલાતી માન્યતાઓ, પોતાના અભિગમમાં સતત ફેરફાર થવો, અનેક પાત્રો સાથે મનમેળ થવો, આર્થિક બાબતો વચ્ચે આવવી.

વૃશ્ચિક: પોતાની લાગણીઓ અને માન્યતાઓ સ્પષ્ટ ન હોવી, પોતાને સ્પષ્ટ રીતે રજૂ ન કરી શકવું, અન્ય ઉપર વિશ્વાસનો અભાવ.

ધન: વધુ પડતું સાહસ અને મોટા લક્ષ્યાંક સાથે ચાલવું, લગ્નની ઝીણવટભરી બાબતો અને સંબંધોની લાગણીશીલ બાજુને ન જોવી.

મકર: લગ્નને સામાજિક હોદ્દા સાથે જોડવું, સ્ટેટ્સ અને લોકો શું કહેશે? તેની ઉપર વધુ ધ્યાન આપવું. પાત્ર કરતાં સ્ટેટ્સ મહત્વનું રાખવું.

કુંભ: અન્ય લોકો ન સમજી શકે તે હદનું માનસિક અને બૌદ્ધિક સ્તર, લગ્નને બૌધિક સ્તર અને તર્કની દ્રષ્ટિ પર મુકવા, લાગણીનો અભાવ આવવો.

મીન: પોતાનામાં જવાબદારીનો અભાવ, અન્ય લોકોનો વિશ્વાસ જીતવામાં વિલંબ, લગ્નજીવનની ગંભીર બાબતોમાં રસ ન લેવો. 

 

ઉપર જણાવેલ બાબતો પર ધ્યાન આપીને તેને પોતાના અભિગમમાં ફેરફાર સાથે લેવાથી, લગ્ન બાબતે જે તે રાશિના જાતકોને મદદ થઇ શકે. કોઈ બે કુંડળીઓ ૧૦૦ ટકા મેળ ખાતી નથી. એકબીજાના સ્વભાવને સમજીને જીવન જીવવાથી લગ્નજીવન સફળ બનશે, તેમાં શંકા રાખવા જેવું નથી. પ્રેમ એટલે કોઈ ફેન્ટેસી નહીં પરંતુ એકબીજા માટે ખરી સમજણ હોવી અને એકબીજા માટે સન્માન અને દરકાર હોવી, તેનું નામ જ પ્રેમ છે.

વિચારપુષ્પ: લગ્ન કાગળ ઉપર થતાં હશે પરંતુ સાચાં લગ્ન વિશ્વાસ, સન્માન અને સમજણ પર થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]