ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય તો ખોટા તણાવથી સુંદરતા હણાય

તંકવાદીઓ એ હુમલો કર્યો એવા સમાચાર સાથે જ આખા દેશમાં જુવાળ ઉદ્ભવ્યો. બધા જ ભારતીય તરીકે વિચારવા લાગ્યા. કેટલીક જગ્યાએ મીણબત્તીઓ સાથે સરઘસ પણ નીકળ્યા અને ક્યાંક તીખા લખાણો પણ જોવા મળ્યા. જયારે પણ કોઈ મોટી સમસ્યા દેખાય ત્યારે બધા એક બની જાય અને પાછા વિખેરાઈ જાય તેવું પણ બન્યું છે. આપણા મન ને આઘાત લાગે એટલે તે વિરોધ કરે તેવી આપણી સહુની રચના છે. કેટલાક લોકો તો નાની નાની વાત માં વિરોધ નોંધાવે છે તો કેટલાક લોકો રીતસર નો ઝગડો જ કરી લેવાના મૂડ માં આવી જાય છે. ખોટું સહન ન કરવું તે સારી વાત છે. પણ અસ્વીકૃતિ વાળો સ્વભાવ તો નકારાત્મક જ ગણાય. કારણકે એવું મન સાચી વાત પણ સ્વીકારવા તૈયાર થતું નથી.

કેટલાક લોકો તો ગુસ્સો કરી કરીને પોતાની સુંદરતા ખોવાઈ જાય તેટલો તણાવ લઈને ફરે છે. થોડા સમય પહેલા એક સુપર સ્ટોરમાં ૯૦ ટકા ડિસ્કાઉન્ટનું પાટિયું જોઇને અમે ખરીદી કરવા ગયા. ઉપરના માળે ગયા પછી ત્યાં ઉભેલા બહેને કહ્યું કે એ બધું તો સવારમાં જ જતું રહ્યું. હવે માત્ર પાંચ ટકા વાળી વસ્તુઓ જ રહી છે. ત્યાર બાદ આસ પાસના લોકોને ગુસ્સાથી જોવા લાગ્યા. મેં સહજ રીતે પૂછ્યું કે આપના સ્ટાફને સ્મિતના વર્ગ કરાવે છે? અને તે હસી પડ્યા. તેમના ચહેરા પરથી તણાવ જતો રહ્યો. પણ જો આવી સ્થિતિમાં લાંબા સમય સુધી રહેવામાં આવે તો ચહેરાની રેખાઓ બદલાઈ જાય છે. ઇશાનના અક્ષથી બનતો ત્રિકોણ ક્યારે નકારાત્મક હોય ત્યારે ખોટા તણાવ ના લીધે સુંદરતા હણાય છે. જો ઇશાન નો વધારે દોષ હોય તો વ્યક્તિ નું મિથ્યાભિમાન એટલું બધું કાર્યરત હોય છે કે એ સામાન્ય વાત માં ખોટું લગાડી ને તણાવ વહોરી લે છે અને અંતે તેની સુંદરતા ઓછી થવા લાગે છે. ગમે તેટલો મેકઅપ લગાડવામાં આવે પણ જ્યાં સુધી આંતરિક સુંદરતા નહિ હોય ત્યાં સુધી સાચું સૌન્દર્ય તો નહિજ પામવા મળે.

જો ઉત્તરનો અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિની અકળામણ તેની રૂંધામણ બની શકે છે અને તે અંદરને અંદર વધારે પડતા વિચારો કર્યા કરવાથી તણાવમાં રહે છે. તેનો સ્વભાવ થોડો અકળામણ વાળો પણ બની જાય છે અને તેથી જ તેમનો ચહેરો અમુક વખતે અલગ લાગે છે. એમાં પણ જો બ્રહ્મનો દોષ હોય તો વ્યક્તિ નકારાત્મક બનતી જાય છે અને ચહેરો ક્યારેક ફૂલી જાય તેવું લાગે. આવી વ્યક્તિઓનો દેખાવ હમેશા એક સરખો રહે તેવું જરૂરી નથી. આવી વ્યક્તિ જો અગ્નિમાં રહેતી હોય તો તેમનો સ્વભાવ બળતણીઓ થવાથી ચહેરા પર નુર ઘટવા લાગે છે. જો એની સાથે દક્ષીણ નો અક્ષ નકારાત્મક હોય તો બદલો લેવાની ભાવના પ્રબળ બને તેવું વિચારી શકાય. કોઈપણ વ્યક્તિનો ગુસ્સો અંતે તો તેને પોતાનેજ નુકશાન પહોચાડે છે. જો બ્રહ્મ માંથી પસાર થતા બંને ત્રાંસા અક્ષ નકારાત્મક હોત તો વ્યક્તિને કોઈ ખોટા વાયદા કરે તેનાથી નફરત રહે છે. તેને આપેલા વાયદા જો કોઈ સતત તોડ્યા કરે તો તેના ગુસ્સામાં તેની ઊંઘ ઉડી જાય છે અને તેની અસર તેના દેખાવ પર આવે છે. એમાં પણ જો ઉત્તરનો દોષ હોય તો વ્યક્તિ આવી વ્યક્તિને માફ નથી કરી શક્તિ અને તેના લીધે ચામડી પર અસર આવે છે.

દક્ષીણ ગુજરાતમાં એક ભાઈ ફરવા ગયા હતા અને ત્યાં તેમને એક માણસ સાથે ઓળખાણ થઇ. પેલા ભાઈ એ એમજ કેટલાક વચનો આપ્યા અને બંને છુટા પડી ગયા.બહારથી આવેલા માણસે તો આ વાત ને સહજ રીતે લીધેલી પણ પેલા ભાઈ એ તેને સાચી માની લીધી. ત્રણ ચાર મહિના સુધી ફોન ન ઉપાડતા પેલા બહારથી આવેલા મિત્રને મળવા પહોચી ગયા, તેમના આશ્ચર્ય સાથે સામેની વ્યક્તિએ કહ્યું કે એવું તો થયા કરે. બધી વાતો ને સાચી ન મનાય. આ બંને ઘરનો અભ્યાસ કરીએ તો દક્ષીણ ગુજરાત વાળા ભાઈ ના ઘરનો ઇશાન માંથી બ્રહ્મ માંથી પસાર થતો અને પૂર્વનો અક્ષ નકારાત્મક હતો જયારે પેલા બીજા ભાઈના  નૈરુત્યના ત્રણેય અક્ષ નકરાત્મક હતા. એક છેતરાયાની લાગણી સાથે સૌન્દર્ય ગુમાવી રહ્યા હતાં તો બીજા છેતર્યા પછીની પરિસ્થિતિ ના ભયમાં સૌન્દર્ય ગુમાવી રહ્યા હતાં. દુખ, મોહ,ભય, સ્વાર્થ, જેવા પરિબળો સુંદરતા ઓછી કરવામાં સિહ ફાળો આપી શકે છે.

બ્રહ્મનો મોટો દોષ હોય અને બંને ત્રાંસા અક્ષ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિને કારણ વિનાનો ભય સતાવ્યા કરે છે. તેમને ખોટું કરતી વખતે કર્મ ચક્ર નો ભય નથી લાગતો પણ જરાક તકલીફ આવે ત્યાં તેમનો ભય જાગૃત થઇ જાય છે. સતત ભય ના કારણે ઘણી વાર તેમનો ચહેરો વિકૃત દેખાવા લાગે છે. સતત નકારત્મક વિચારો મન ને તો નકારાત્મક બનાવે  છે પણ સાથે સાથે તન ને પણ નકારાત્મક બનાવે છે. આવા સંજોગોમાં ભારતીય વાસ્તુના નિયમો સાચેજ મદદ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]