કુદરતી હવા પ્રકાશ પણ ઊર્જાના સ્ત્રોત ગણાય

જીવનમાં કોનો વિશ્વાસ કરવો? આવો સવાલ ઉદભવે ત્યારે આત્માનો અવાજ જ સાચી દિશા આપી શકે. દિશાઓ સાથે જોડાયેલું જ્ઞાન એટલે વાસ્તુ જ્ઞાન. માનવજાતિને મદદ કરવા માટે જે રચાયું છે નહિ કે ડરાવવા માટે.

આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છે તેનો પ્લોટ લંબચોરસ છે. રો હાઉસ હોવાથી પૂર્વ અને પશ્ચિમ બંને બાજુની દીવાલો કોમન છે. ઉત્તર અને દક્ષિણ બંને તરફ લગભગ સમાન માર્જિન છોડવામાં આવેલું છે, જે યોગ્ય છે. પ્લોટમાં ઉત્તરી ઈશાનમાંથી અવાય છે. જેના કારણે પોતાની અંગત લાગતી વ્યક્તિ ભરોસાપાત્ર ન નીવડે તેવું બને. આ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા છે જે માનસિક તણાવ આપી શકે. વળી ઉત્તરી વાયવ્ય તરફ જતાં મીઠી લીંબડીનો છોડ છે. જેના કારણે ઘરમાં નાના નાના ઝગડા થયા કરે જે આ સમસ્યામાં વધારો કરે.

મનની શાંતિ ન રહે અને ઉચાટ રહ્યા કરે. વરંડાની બેઠક યોગ્ય દિશામાં છે. તુલસી ઈશાનમાં હોય તો વધારે સારું ગણાય. ઘરનું મુખ્ય દ્વાર યોગ્ય છે. વળી ઉત્તર અને પૂર્વ તરફ પશ્ચિમ તથા દક્ષિણ કરતાં વધારે ઓપનિંગ છે, તે પણ સારું ગણાય. પણ બ્રહ્મમાં કુદરતી હવા પ્રકાશ ઓછા છે જે આત્મ વિશ્વાસ ઓછો કરી શકે. કુદરતી હવા પ્રકાશ પણ ઉર્જાના સ્ત્રોત ગણી શકાય. વાયવ્યમાં બેઠક રૂમ છે અને અગ્નિ મુખી બેઠક વ્યવસ્થા છે જે ઘરના વાતાવરણ માટે યોગ્ય ન ગણાય. કોઈનો સ્વભાવ વાંધા કાઢવાવાળો બની જાય અને તેના કારણે યોગ્ય વાત યોગ્ય સમયે કહેવામાં ગભરામણ થવાથી વાત યોગ્ય સમયે ન કહેવાથી ઉદભવતી સમસ્યા આવે. ટોયલેટના દરવાજા સામે પાર્ટીશન છે જે યોગ્ય છે. પણ પૂર્વ મધ્યમાં ટોયલેટ યોગ્ય ન ગણાય. ઘરમાં બે પેઢી વચ્ચે વૈચારિક મતભેદ ઉદભવે અને માન સન્માનને લગતી સમસ્યા આવે.

ડાયનિંગની જગ્યા યોગ્ય છે. રસોડું પણ યોગ્ય જગ્યાએ છે અને રસોઈની દિશા પણ યોગ્ય છે. જેના કારણે જે સ્ત્રી રસોઈ કરતી હોય તેને પોતાની રસોઈ પર ગર્વ રહે અને તેને મહેમાનોને જમાડવાનું ગમે. સાથે સાથે વખાણની અપેક્ષા પણ રહે. દક્ષિણમાં ચોકડી હોય ત્યારે અહીં કોઈ વસ્તુ પડી ન રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બેડરૂમ પણ યોગ્ય જગ્યાએ છે. તિજોરી યોગ્ય જગ્યાએ ન હોવાથી તેમાં ધનસંચય ન થાય તેવું બને. દાદરો યોગ્ય જગ્યાએ ગણી શકાય. પરંતુ દાદરા નીચે જો અનાજનો સ્ટોર આવે તો પેટને લગતી સમસ્યા આવે. તેથી અનાજનો સ્ટોર અહીં ન રાખવાની સલાહ છે.પ્રથમ નજરે વાસ્તુ આધારિત લાગતા મકાનમાં આંતરિક વ્યવસ્થા યોગ્ય ન હોવાથી તન, મન, ધન ને લગતી સમસ્યા આવી શકે છે. પણ તેનાથી હારી ને ઘર થોડું જ ખાલી કરી દેવાય? આ જ ઘરમાં સુખી થવા માટે સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરી અને ઈશાનમાં સાત તુલસી, વાયવ્યમાં બે વાયોલેટના પ્લાન્ટ વાવવા. ઘરમાં ગુગલ, અંબારનો ધૂપ કરવો. સૂતી વખતે ડ્રેસિંગ ટેબલના અરીસા પર કાપડ ઢાંકી દેવું. બેઠક રૂમની પશ્ચિમની દીવાલ પર આછો વાયોલેટ અને ડાયનિંગ રૂમની પૂર્વની દીવાલ પર પીળો રંગ લગાવી દેવો. બેઠક રૂમમાં ચાંદીના વાસણમાં ગુલાબ રાખવા. ડાયનિંગ ટેબલ પર કાંસાના વાસણમાં ગુલાબની પાંદડી રાખવી. સૂર્યને જળ ચડાવવું અને શિવ લિંગ પર પાણી, દૂધ, પંચામૃત, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દેવા.

આત્મ સંતોષ માટેના નિયમો આપે છે વાસ્તુશાસ્ત્ર.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]