ચાવીઃ કયા ગ્રહની મહાદશા ફળશે? કઇ અંતર્દશામાં તકલીફ?

ણીવાર ખુબ શુભ ગ્રહો અને અનેક શુભ યોગ હોવા છતાં જન્મકુંડળીના જાતકનું જીવન સામાન્ય હોય છે, આપણે સમજવું પડશે કે માત્ર જન્મકુંડળી બળવાન હોવી જરૂરી નથી. સાથે જન્મકુંડળીમાં ઉત્તમ ગ્રહોની દશા જીવનમાં મહત્વના સમયે આવે તે પણ એટલું જ જરૂરી છે. ઉત્તમ ગ્રહો પણ જો તેમની મહાદશા ના આવતી હોય તો અશક્ત બનીને જન્મકુંડળીની શોભા જ વધારે છે, તેમ માનવું રહ્યું. ઘણીવાર ખરાબ ગ્રહો ધરાવતા જાતકને મહત્વના સમયે સફળતા મળે છે તેવા પણ દાખલા છે. આ બધા કિસ્સામાં જન્મકુંડળીના ગ્રહોની મહાદશાનો જ ફાળો હોય છે.

૨૨ વર્ષથી ૩૪ વર્ષ સુધીનો સમય કારકિર્દી ઘડવાનો અને દિશા નક્કી કરવાનો સમય છે. આ સમય દરમ્યાન જાતકને જો અશુભ ગ્રહો કે પાપ ગ્રહોની મહાદશા આવી જાય તો જીવનની શરૂઆત જ અનેક તકલીફોથી ભરપુર થઇ જાય છે. દા.ત. કર્ક લગ્નના જાતકને શનિની મહાદશા ૧૫ થી ૨૫ વર્ષ દરમ્યાન આવે તો તેના ભણતર પર પ્રશ્નાર્થ લાગી જાય છે. નીચે રાશિવાર કયા ગ્રહો શુભ છે તથા ઉદિત લગ્ન કે ચંદ્ર લગ્ન મુજબ કયા ગ્રહોની દશા શુભ થાય તેની માહિતી આપેલ છે.

તમારી રાશિનો સ્વામી- જન્મલગ્ન રાશિ કે ચંદ્ર રાશિનો સ્વામી સૌથી મહત્વના ગ્રહ છે. આ ગ્રહ ધારો કે સૂર્ય છે, તો સૂર્યના શત્રુ ગ્રહ શનિ, રાહુ અને શુક્રની અંતરદશા કે મહાદશા તમારી માટે તકલીફદાયી બનશે. સૂર્યના મિત્ર ગ્રહ જેમ કે મંગળ, ગુરુની મહાદશા તમારી માટે શુભ અને અનેક કાર્યો સિદ્ધ કરનારી સાબિત થશે. ગ્રહોનું આ સાદું લાગતું ગણિત તમે પણ અજમાવી શકો છો. જન્મ લગ્નરાશિ કે જન્મ રાશિના ગ્રહ નીચે મુજબ સરળતાથી જાણી શકાશે.

રાશિવાર માલિક ગ્રહો: મેષ અને વૃશ્ચિક: મંગળ, વૃષભ અને તુલા: શુક્ર, મિથુન અને કન્યા: બુધ, કર્ક: ચંદ્ર, સિંહ: સૂર્ય, ધન અને મીન: ગુરુ, મકર અને કુંભ: શનિ.

મેષ: શુભ દશા, અંતર-દશા: સૂર્ય, ગુરુ; અશુભ દશા, અંતર-દશા: બુધ, શુક્ર, શનિ

વૃષભ: શુભ દશા, અંતર-દશા: શનિ, શુક્ર; અશુભ દશા, અંતર-દશા: ગુરુ, ચંદ્ર

મિથુન: શુભ દશા, અંતર-દશા: શુક્ર, બુધ; અશુભ દશા, અંતર-દશા: મંગળ, સૂર્ય, ગુરુ

કર્ક: શુભ દશા, અંતર-દશા: મંગળ, ચંદ્ર, ગુરુ; અશુભ દશા, અંતર-દશા: શનિ, બુધ, રાહુ

સિંહ: શુભ દશા, અંતર-દશા: સૂર્ય, ગુરુ, મંગળ; અશુભ દશા, અંતર-દશા: શનિ, બુધ, શુક્ર, રાહુ

કન્યા: શુભ દશા, અંતર-દશા: બુધ, શુક્ર; અશુભ દશા, અંતર-દશા: મંગળ, ગુરુ

તુલા: શુભ દશા, અંતર-દશા: બુધ, શુક્ર, શનિ; અશુભ દશા, અંતર-દશા: સૂર્ય, ગુરુ

વૃશ્ચિક: શુભ દશા, અંતર-દશા: ચંદ્ર, ગુરુ, મંગળ; અશુભ દશા, અંતર-દશા: બુધ, શનિ

ધન: શુભ દશા, અંતર-દશા: સૂર્ય, મંગળ, ગુરુ; અશુભ દશા, અંતર-દશા: શુક્ર, શનિ

મકર: શુભ દશા, અંતર-દશા: શનિ, શુક્ર; અશુભ દશા, અંતર-દશા: સૂર્ય, ગુરુ, મંગળ

કુંભ: શુભ દશા, અંતર-દશા: શુક્ર, શનિ; અશુભ દશા, અંતર-દશા: ચંદ્ર, સૂર્ય, ગુરુ

મીન: શુભ દશા, અંતર-દશા: ચંદ્ર, મંગળ, ગુરુ; અશુભ દશા, અંતર-દશા: સૂર્ય, બુધ, શનિ.

જન્મકુંડળી જોવા માટે અને ભવિષ્યવાણી કરવા માટે વિશોત્તરી મહાદશાને ઉત્તમ માનવામાં આવે છે. ઉપર દર્શાવ્યા મુજબ શુભ ગ્રહોની પરસ્પર મહાદશા અને અંતરદશામાં અનેક શુભ કાર્યો સિદ્ધ થાય છે, તેમનો સમય તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કાઓ દર્શાવે છે. જયારે જે તે લગ્નરાશિ મુજબ થતા અશુભ ગ્રહોની પરસ્પર મહાદશા અને અંતરદશામાં અનેક વિઘ્નો અને કાર્યનાશ સાંપડે છે. અશુભ ગ્રહોની પરસ્પર મહાદશા અને અંતરદશામાં જાતકને અનેક સંકટ અને નિષ્ફળતાઓ મળે છે.

ગ્રહોનું ગોચર જોવાની ચાવી: સૌથી મહત્વના ગ્રહો કયા? કયા ગ્રહનું ગોચર જોવું? આપણે જાણીએ છીએ કે નવ ગ્રહો છે, તમારી જન્મરાશિ પર કે જન્મકુંડળીના મહત્વના ભાવ પર કોઈને કોઈ ગ્રહ તો દ્રષ્ટિ કરતો હશે તો કોઈ ગ્રહ વેધ પણ કરતો હશે. ત્યારે આ નવ ગ્રહોમાંથી મહત્વના ગ્રહો કયા તે પ્રશ્ન થાય, સૌથી મહત્વના ગ્રહો તમારા વિશોત્તરી મહાદશા અને અંતર્દશાના સ્વામીગ્રહો છે. ધારો કે, મહાદશાનો સ્વામી ગ્રહ ગુરુ છે અને અંતર્દશાનો સ્વામી ગ્રહ મંગળ છે. તો તમારે ગોચરમાં આ બે ગ્રહોનું ભ્રમણ સૌથી મહત્વનું ગણવું. ગુરુ અને મંગળ અશુભ ભાવો અને તેમની નીચ રાશિઓમાંથી પસાર થાય તે સમય કષ્ટદાયી જાણવો અને તેઓ જયારે શુભ સ્થાનો અને ઉચ્ચ રાશિઓમાંથી પસાર થાય ત્યારે તે સમય શુભ જાણવો. જો મહાદશા ચંદ્ર, સૂર્ય જેવા ઝડપી ભ્રમણ કરતા ગ્રહોની હોય તો ગોચરમાં તેમની રાશિઓને તપાસવી. જો તેમની રાશિનો શુભ ગ્રહો વડે ભોગવાયેલ હોય તો તમારો સમય શુભ જશે અને સૂર્ય કે ચંદ્રના શત્રુ ગ્રહો વડે જો તેમની રાશિઓ ગોચરમાં દ્રષ્ટ કે ભોગવાયેલ હશે તો તે સમય કષ્ટદાયી રહેશે. ઇતિ શુભમ.