…ત્યારે ઘરમાં કંકાસની આવી સ્થિતિ પેદા થાય

“બસ હો. હવે આ રોજનું થયું. તમારી સાથે કુંડળી મેળવી એના કરતાં તમારાં મમ્મી સાથે મેળવી હોત તો આવા દિવસો ન આવત.” “ મને તો હતું કે વહુ આવશે એટલે શાંતિ. સવાર પડે જો બધું મારે જ સાચવવાનું હોય તો એનો ફાયદો શો?” “ હા, તમને તો કામવાળી જ જોઈતી હતીને? મને એવું હતું કે હું આ ઘરની વહુ છુ.” આવા સંવાદોથી સવારની શરૂઆત થાય ત્યારે દીકરા અને પતિદેવના સંયુક્ત કિરદાર વચ્ચે જે મનોમંથન થાય તે દયનીય હોય. જયારે અગ્નિના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય ત્યારે ઘરમાં આવી સ્થિતિ પેદા થાય. અંતે ઘરના પુરુષને સેન્ડવીચ જેવી સ્થિતિમાં જીવતો હોય તેવું લાગે. એક સંયુક્ત કુટુંબમાં બધા હળીમળીને રહેતાં. બધું બરાબર હતું. વચેટ દીકરાના લગ્ન પહેલાં ઘરમાં જરૂરિયાત આધારિત ફેરફારો કર્યા.

નવી વહુ મને કમને નિયમો પાળતી. એક વરસમાં બીજા ભાઈના લગ્ન થયા. હવે ટીમ મોટી થઇ. અચાનક સાસુ સસરાનો સ્વભાવ પણ બદલાયો. વહુઓએ વિરોધ કર્યો. ઘરમાં મહાભારત રચાયું. જે ઘરના સમાજમાં દાખલા દેવાતાં તે જ ઘરના ભાગલા પડ્યાં. આપણે પેલા ફેરફારને સમજીએ. નવી વહુની ખુશાલીમાં વોશિંગ મશીન આવ્યું તે મૂકવા અગ્નિમાં શેડ બનાવાયો. પૂર્વી અગ્નિમાં પાણીની ટાંકી મૂકાઈ. બાજુના મકાનવાળા સાથે વહુને ઘરોબો થયો તેથી તેમાં જવાનો રસ્તો બન્યો. નાના દીકરાના લગ્નમાં ગાડી લીધી તેથી ઈશાનમાં પાર્કિંગનો શેડ બન્યો. ઘરના આંગણામાં જ મીઠી લીંબડી વવાઈ. પૂર્વમાં અને દક્ષિણમાં ટોઇલેટ બન્યાં. આમ નાના લાગતાં કેટલાક ફેરફાર પરિવારને છૂટો પાડવામાં મદદરૂપ બન્યાં. મારા રિસર્ચમાં મેં જોયું છે કે નકારાત્મક ઊર્જામાંથી વ્યક્તિ અન્ય જગ્યાએ જાય તો પણ મુખ્યત્વે તે નકારાત્મક ઊર્જાવાળી જગ્યા જ પસંદ કરે છે. અને અમુક સમસ્યા ચાલુ જ રહે છે. પછી એવું લાગે કે જગ્યા બદલી પણ ફેર ન પડ્યો. તેથી જ સર્વ પ્રથમ પોતાની જગ્યાને હકારાત્મક બનાવ્યા બાદ જ અન્ય જગ્યાએ જવાનો વિચાર કરવો જોઈએ.

પેલા પરિવારમાં નવા ઘરમાં પૈસા બચાવવા માટે એવા આર્કિટેક્ટને કામ અપાયું જે યોગ્ય લાયકાત ધરાવતો ન હતો. ઘર બનવામાં વાર લાગી. તેના લીધે પણ ઘર ખખડતું રહ્યું. અંતે બહોળા પરિવારમાંથી સાસુ સસરા ગામડે જતા રહ્યાં. રિસામણામનામણાં ચાલ્યાં. જે નવું ઘર બન્યું તેમાં પશ્ચિમ અને ઉત્તર બંને બાજુ રસ્તો હતો. વાયવ્ય પશ્ચિમમાં પ્લોટનું દ્વાર લેતાં ઈશાનમાં પાર્કિંગ રાખવું પડ્યું. રસોડું અગ્નિમાં આવતા વોશિંગ માટેની જગ્યા અગ્નિમાં લેવાની થઇ. દાદરો પૂર્વમાં અને ટોઇલેટ દક્ષિણમાં આવ્યાં. વળી જગ્યા નાની હોવાથી દાદરાનો એક ભાગ બ્રહ્મમાં પણ આવ્યો. માસ્ટર બેડરૂમ અગ્નિમાં આવતાં યુગલ વચ્ચે કારણ વિનાની ચડભડ વધી. સરસ મજાની જિંદગી જાણે દરરોજની હોડ બની ગઈ.

નૈરુત્યમાં દીકરાનો બેડરૂમ હોય અને માબાપ વાયવ્યમાં રહેતાં હોય ત્યારે દીકરા વહુનો પ્રભાવ કુટુંબ પર વધારે રહે છે. ક્યારેક આપણે એવું જોઈએ છીએ કે દીકરો તેના પિતાજીને કહેતો હોય કે, તમને ખબર ન પડે. આવું જ સાસુ વહુમાં પણ થઇ શકે.દીકરો વધારે વર્ચસ્વ ધરવતો હોય તેનાથી ઘરની સામાજિક વ્યવસ્થા પર પણ અસર પડે. જો તેને હકારાત્મક રીતે લેવામાં આવે તો વ્યવસ્થા સારી બને અને તેને નકારાત્મક રીતે લેવામાં આવે તો ઘરમાં તણાવ ઉદભવે. સાસુ વહુ જો માદીકરીની માફક જીવતાં હોય તો? મુંબઈમાં એક પરિવારમાં દીકરીનો સ્વભાવ ધાર્યું કરવા વાળો હતો. તેને પોતાની પસંદગીના યુવાન સાથે લગ્ન કરવા હતાં.પસંદગી સારી હોવાથી ઘરમાં માન્યતા પણ મળી ગઈ. એકની એક દીકરી અને ધનાઢ્ય પરિવાર. ખૂબ જ સારી તૈયારી થઇ.અચાનક એક નાની સરખી વાત પર ચડભડ થતાં માતાએ દીકરીને આપવાની બધી વસ્તુઓ લોકરમાં મૂકી દીધી. દીકરી પણ જીદ્દી. તે એક બેગ લઈને સાસરે જતી રહી. આ ઘરમાં અગ્નિનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હતો. રસોડું નૈરુત્યમાં હતું અને ઉત્તરમાં દ્વાર હતું. અઢળક સંપતિ હોવા છતાં નાના વૈચારિક મતભેદ પરિવારની શાંતિને કાયમ માટે પૂરી કરી ગયા. લોકરમાં પડેલા ઘરેણાં માતાનું મન તોડવા સક્ષમ હતાં.

સામાન્ય રીતે આપણે એવું માની લઈએ છીએ કે જ્યાં ભૌતિકતા છે ત્યાં સુખ છે. જેની પાસે સંપતિ છે તે સુખી છે. પણ એ વાત સાચી નથી. જ્યાં એકબીજા માટેની સમજણ છે. જ્યાં સારી ભાવના અને વિશ્વાસ છે, જ્યાં એક બીજા માટે સન્માન છે. તે પરિવાર સુખી છે.