કેવા ગ્રહો સિનેમાજગતમાં સફળતા આપી ચૂક્યાં છે?

જ્યોતિષના સામાન્ય નિયમો અને સર્વમાન્ય સિદ્ધાંતો જોઈએ તો સિનેમામાં સફળતા માટે કળાના ગ્રહ શુક્રના આશીર્વાદ હોય તો સિનેમામાં સફળતા મળવાની તકો વધી જાય છે. બુધએ જાતકને વાક્શક્તિ અને ચતુરાઈ આપે છે જે નાટ્યક્ષેત્ર માટે ખુબ જરૂરી છે. ગુરુગ્રહ બળવાન હોય તો ગુરુદેવની કૃપા મળે અને જાતકને થોડા પ્રયત્ને પણ કળા હસ્તગત થાય. મંગળએ શક્તિ, દેહ સૌષ્ઠવ અને કૌશલ્ય બતાવે છે, મંગળમાં ત્વરા છે, ઉત્સાહ છે, માટે મંગળ પણ યોગકારક હોવો સિનેમામાં ઝળકવા માટે જરૂરી રહેશે.

આમ ઉપર મુજબ સિનેમા જગત કે રૂપેરી પડદે સફળ થવા માટે ઘણા બધા ગ્રહો યોગકારક બનવા જોઈએ. એક રસપ્રદ સંશોધનમાં સિનેમાના પ્રખ્યાત કલાકારોની આશરે ૫૫ જન્મકુંડળીઓ મુકવામાં આવી. આ બધાં કલાકારો સિનેમામાં સફળ અને મધ્યમ સફળ છે, પરંતુ તેઓ સિનેમા સાથે સંકળાયેલ છે અને તેઓએ તેના દ્વારા આજીવિકા પણ પ્રાપ્ત કરી છે, માટે આ કુંડળીઓનો અભ્યાસ કરવો રસપ્રદ રહ્યો. નીચેના બધા તારણ સિનેમા જગતના કલાકારોની કુંડળીઓના આધારે છે. આ ફક્ત સંશોધન દરમિયાન મળેલ તારણ અને અનુભવ માત્ર છે.

ઉદિત લગ્ન: અભ્યાસમાં ઉદિત લગ્ન પર કોઈ એક નિશ્ચિત તારણ નથી આપતું, પરંતુ તુલા, સિંહ, ધન અને મકર લગ્ન વધુ જોવા મળ્યા છે. સૌથી ઓછા મેષ, મીન અને કર્ક જોવા મળ્યા છે.

શુક્ર: મોટાભાગના કલાકારોને શુક્ર તુલા અથવા મેષ રાશિમાં જોવા મળ્યો હતો. શુક્ર, કર્ક અને કુંભમાં સૌથી ઓછો જોવા મળે છે.

શનિ: ધન, તુલા, કર્ક અને વૃશ્ચિકમાં શનિ વધુ જોવા મળ્યો. શનિ સૌથી વધુ ધન રાશિમાં જોવા મળે છે. મેષ, મિથુનમાં શનિ ઓછો જોવા મળે છે.

રાહુ: રાહુ મોટેભાગે ધન અથવા મેષ રાશિમાં જોવા મળે છે, મિથુન, કર્ક અને સિંહમાં પણ રાહુ વધુ જોવા મળે છે. કેતુ, મિથુન કે તુલા રાશિમાં વધુ જોવા મળે છે.

ગુરુ: ગુરુ સૌથી વધુ ધન અને સિંહ રાશિમાં જોવા મળ્યો છે, કુંભનો ગુરુ અલ્પ કુંડળીમાં જોવા મળે છે.

બુધ: તુલાનો બુધ સૌથી વધુ જોવા મળે છે, બુધ, મકર કે મિથુનમાં અલ્પ જોવા મળે છે.

કન્યા, સિંહ કે વૃશ્ચિકનો મંગળ વધુ જોવા મળે છે, મકર કે કુંભનો મંગળ અલ્પ જોવા મળે છે.

કુંભ અને કન્યા રાશિમાં ચંદ્ર વધુ જોવા મળે છે. કન્યા, વૃશ્ચિક અને કર્ક રાશિનો સૂર્ય વધુ જોવા મળે છે.

 

મંગળ અને ગુરુ, શનિ ઉપર દ્રષ્ટિ કરતા હોય તેવા યોગ ખુબ વધુ જોવા મળે છે. શનિ, રાહુ અને ગુરુ, શુક્ર પર દ્રષ્ટિ કરતા હોય તેવું લગભગ વધુ જોવા મળે છે. શનિની ગુરુ પર દ્રષ્ટિ હોય તેવું સૌથી વધુ જોવા મળ્યું હતું લગભગ ૩૩% કુંડળીઓમાં શનિની ગુરુ પર દ્રષ્ટિ જોવા મળી હતી. મંગળ ઉપર રાહુની દ્રષ્ટિ (૫,૯) પણ જોવા મળતી હતી. ચંદ્ર પર સૌથી વધુ શનિ, ગુરુ અને મંગળની દ્રષ્ટિ જોવા મળી. સરપ્રાઈઝ હતું કે શનિ ચંદ્રને જુએ તે સૌથી વધુ વાર બન્યું હતું, આ યોગ વધુવાર જોવા મળ્યો હતો.

શનિ સૌથી વધુ બુધ અને શુક્ર સાથે યુતિમાં જોવા મળે છે. ગુરુ, બુધ સાથે યુત હોય તેવું ઘણી વાર જોવા મળે છે.

શુક્ર ૯, ૧, ૫ અને ૧૨માં સ્થાને વધુ જોવા મળે છે. (ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી વધુ ૯માં ભાવે જોવા મળે છે, નીચે દરેક ઉદાહરણમાં આ પ્રમાણે છે)શનિ ૭,૩,૪ ભાવમાં જોવા મળે છે. ૮મા ભાવે ભાગ્યે જ જોવા મળે છે. રાહુ ૯,૧૦ અને ૧૧માં ભાવે જોવા મળે છે. સૂર્ય ૧,૮,૧૦માં ભાવે જોવા મળે છે, ૯માં ભાવે જલદી જોવા નથી મળતો. ચંદ્ર ૨ અને ૯માં ભાવે વધુ જોવા મળે છે, ચંદ્ર ૧૧ કે ૧૨માં ભાવે યોગ નથી આપતો તેવું જણાય છે. બુધ ૩ અને ૧૧માં ભાવે વધુ જોવા મળે છે, ૪ ભાવે બુધ નથી જોવા મળતો. ગુરુ મોટેભાગે પ્રથમ ભાવે કે ચોથે કે છઠે ભાવે જોવા મળે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]