ધન, વિદ્વતા અને સત્તા આપતા ગ્રહયોગો

જ્યોતિષમાં અનુભવ અને અવલોકનનું ખૂબ મહત્વ છે. વૈદ્યની જેમ જ્યોતિષી પણ જેટલો જૂનો હોય એટલો વધારે જાણકાર અને હોશિયાર. અનેક કુંડળીઓ તપસ્યા પછી તમને ઘણાં એવા તારણ મળે છે, કે માત્ર અમુક ગ્રહ યુતિઓ-પ્રતિયુતિઓ જોઇને જ જાતકની સ્થિતિનો અંદાજ આવી જાય છે. ગુરુએ સૌથી મહત્વનો ગ્રહ છે. ભૃગુ સંહિતાતો જાણે ગુરુને કેન્દ્રમાં રાખીને જ લખાઈ છે. માત્ર ગુરુના સ્થાનનો અભ્યાસ જાતકના જીવનના રહસ્યો પરથી તરત પડદો ઉચકે છે.

ગુરુ જો કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય, તેને સૂર્ય, બુધ કે શુક્ર સાથે સંબંધ હોય તો જીવનમાં અનેક તકો અને સફળ વ્યક્તિઓ સાથે મુલાકાતનું સર્જન થાય છે. ગુરુ એ કૃપાનો ગ્રહ છે, ગુરુ જીવદાતા અને જન્મ પછી જીવનનું કેન્દ્ર છે. ગુરુનું કુંડળીમાં સ્થાન જીવનની સંભાવનાઓ દર્શાવે છે, તેનો અન્ય ગ્રહો સાથે મિલાપ જીવનની તકો દર્શાવે છે. કુંડળીમાં જો ગુરુ એકલોઅટૂલો પડ્યો હોય તો જાતકનું જીવન શુષ્ક અને નિષ્ફળ વીતી શકે છે.

ગુરુ સાથે શુક્રનો સંબંધ જાતકને શ્રીમંત કુટુંબમાં જન્મ, શ્રીમંત અને નામાંકિત પરિવાર સાથે સંબંધ અને જીવન આપે છે. ગુરુ અને શુક્રની યુતિ હોય અને તેમાં પણ ગુરુ અને શુક્ર પાંચ અંશથી પણ ઓછા મુકામે કુંડળીમાં બિરાજેલ હોય તો આ યોગ મહાભાગ્યનું સર્જન કરે છે. મોટી મિલકતનો માલિક, બેંકોના વડા, નાણાકીય સંસ્થાઓના વડા, જમીનદાર, મોટા વાહનોના વ્યાપાર કરનાર, હીરા-ઝવેરાતના વ્યાપારી અને ટૂંકમાં મોટો વ્યાપારી હોય તો કુંડળીમાં ગુરુ અને શુક્રનો યોગ જોવા મળશે. ગુરુ અને શુક્ર બેય જ્ઞાની ગ્રહો, ગુરુ સાથે શુક્ર, લક્ષ્મી અને ભાગ્ય બંનેનો સંગાથ કહેવાશે. આ જાતકો બાબતે એક અવલોકન છે કે, જો યુતિ ધરાવનાર જાતક જો રોગી હોય, એટલે કે ડાયાબીટીસ કે બીજા સુખી જીવનને લીધે રોગ થયા હોય તો તેની પાસે મોટી ઉમરે‘પુષ્કળ’ લક્ષ્મી હોય છે. શુક્ર એ માયાનું સ્વરૂપ છે, સાક્ષાત લક્ષ્મી છે. માયા અને ભોગને લીધે રોગ પણ આવી પડે છે. મંત્ર અને વિદ્યાઓ સહજ થઇ જાય છે. સર્વાંગ સુંદર અને સુખી કુટુંબની કન્યા સાથે વિવાહ થયા હોય છે.

ગુરુ સાથે બુધનો મિલાપ થાય છે, ત્યારે જીવ અને બુદ્ધિનું મિલન થાય છે. બુધ ગ્રહ સાથે ચતુરાઈ છે, બુધ ગ્રહ સાથે શાણપણ, વાણી, વ્યવહાર અને પૈસાનું પણ ગણિત છે. બુધ ગ્રહ જલદી ખોટો નથી પડતો, ચંદ્રની જેમ તે નિરાશ નથી થતો, તેની પાસે હંમેશા બીજો રસ્તો અને બાજી પલટાવવાનો મોકો હોય છે જ. બુધ સાથે જયારે ગુરુ મળે છે ત્યારે જાતક મેઘાવી બને છે. તે ગણિત અને બીજી વિદ્યાઓમાં પારંગત બને છે. ગુરુ સાથે બુધની યુતિવાળા જાતકો, કોલેજના પ્રોફેસર, વૈજ્ઞાનિક, સંશોધનકર્તા, સલાહકારો, રાજદૂત, વહીવટી વડાઓ, કાયદાશાસ્ત્રીઓ, જજ અને સફળ વકીલ હોય છે. આ યુતિવાળા જાતકોનું મગજ ગજબની સ્ફૂર્તિથી કાર્ય કરે છે. તેઓ છેવટ સુધી લડી લેનારા અને તકોને ઝડપનારા હોય છે. સમય અને શિસ્તના પાકા હોય છે. બોલવામાં તેમને કોઈ પહોંચી શકતું નથી. આ યુતિના જાતકોને એકથી વધુ વિજાતીય પાત્ર સાથે સંબંધ થાય છે. ટૂંકમાં બુધ અને ગુરુનું મિલન એટલે ધીકતી કારકિર્દીનું પ્રમાણપત્ર કહી શકાય.

સૂર્યપ્રકાશમાં જીવન છે, જીવન સૂર્યમાંથી આવે છે. આ સૂર્યનો પ્રકાશ જેની પર પડે તે પ્રકૃતિમાં ખીલે અને ફૂલેફાલે. સૂર્યની જેની પર નજર પડે તેની દુનિયા નોંધ લે, સૂર્ય જેને જુએ તે લોકોમાં પૂજાય છે. સૂર્ય એટલે સત્તા, રાજા અને અનન્ય શાસક. શાસક જે માત્ર એક જ છે અને તેની ઉપર કોઈ નથી, તેને કોઈ હુકમ કરી શકતું નથી,આ સૂર્ય માત્ર હુકમ જ કરે છે. આવો પ્રભાવી સૂર્ય જો ગુરુ સાથે બેસી જાય, તો માનવીની તકદીર જીવનમાં એકવાર નહીં અનેકવાર ખુલે છે. સૂર્ય સાથે ગુરુ હોય તો જાતકને સત્તા સહજ મળે છે, સત્તા સુધી તેની પહોંચ અને વ્યવહાર આસાનીથી પહોંચે છે. મોટા ઘરોમાં અને સત્તાધારીઓ વચ્ચે તેને ઉઠવા બેસવાનો મોકો અચૂક મળે છે.સત્તાના સલાહકાર, મંત્રીઓ, ન્યાયતંત્રના સત્તાધીશો, રાજકીય પક્ષોના સંગઠન કર્તાઓ અને ટૂંકમાં જેનો સત્તા સાથે સંબંધ છે તે બધા જાતકોની કુંડળીમાં ગુરુ અને સૂર્યનો સંબંધ જોવા મળશે. ગુરુ સાથે સૂર્યનો સંબંધ એટલે શક્તિ, સ્વાભિમાન અને સત્તાનો મેળાપ.

અહેવાલ-નીરવ રંજન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]