શ્રીદેવીની જીવન ઝરમર જ્યોતિષની દ્રષ્ટિએ

ક દુઃખદ ઘટના ગયા અઠવાડિયે બની ગઈ, ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીનું ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮એ સાંજે નિધન થયું. સમગ્ર ભારત સાથે દુનિયાએ પણ આ દુઃખદ સમાચારની નોંધ લીધી. મૃત્યુ અકાળે અને આકસ્મિક થયું. ભગવાન સદગતના આત્માને શાંતિ આપે. ચલચિત્રની દુનિયામાં શ્રીદેવી સદા તેમના અભિનય, સુંદર નેત્રો અને હ્રદયસ્પર્શી વ્યક્તિત્વ માટે જાણીતા રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીદેવીનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૯૬૩એ શિવકાશીમાં થયો છે. સવારે ૫:૩૦ વાગ્યાના જન્મ સમયે નિરયન પદ્ધતિ મુજબ ઉદિત લગ્ન કર્ક છે. કર્ક લગ્નમાં ભગવાન રામ, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, રાજ કપૂર, ઇન્દિરા ગાંધી, હિતેન્દ્ર દેસાઈ સહિત અનેક ખ્યાતનામ વ્યક્તિઓએ જન્મ લીધો છે.સદગત શ્રીદેવીની કર્ક લગ્નની જન્મકુંડળીમાં સૂર્ય, શુક્ર પ્રથમ ભાવમાં, બુધ બીજા ભાવમાં, મંગળ કન્યા રાશિમાં ત્રીજા ભાવમાં, કેતુ ધન રાશિમાં છઠે, શનિ વક્રી મકર રાશિમાં સાતમે, ગુરુ મીન રાશિમાં વક્રી નવમે, ચંદ્ર વૃષભનો લાભ ભાવે, રાહુ મિથુન રાશિમાં બારમે છે. શ્રીદેવીની જન્મકુંડળીમાં સાત ગ્રહો છ રાશિમાં આવવાથી દામ/દામિની યોગ સર્જાયો છે. જે જાતકને ખૂબ ખ્યાતિ આપે છે. શંખ, ભેરી અને પુષ્કલ જેવા અનેક શુભ યોગો તેમની જન્મકુંડળીમાં હતાં જેમણે કાળક્રમે શ્રીદેવીનું ખૂબ જ ખ્યાતિ અપાવી. મીનનો ગુરુ, શુક્ર કેન્દ્રમાં અને બુધ બીજે સરસ્વતી યોગ કરે છે. જે તેમને ગાયન, નર્તન અને અભિનય કળામાં પારંગત બનાવે છે.

શ્રીદેવીની કુંડળી

તેમનો જન્મ સૂર્યની દશામાં થયો, સૂર્ય કેન્દ્રમાં પહેલા સ્થાનમાં છે. સૂર્યની દશા કર્ક લગ્નના જાતકોને સમ છે. લગભગ બે વર્ષની ઉમર પછી લગ્નેશ ચંદ્રની દશા આવી, આ જન્મકુંડળીમાં ચંદ્ર લગ્નેશ છે અને લાભ ભાવે પોતાની ઉચ્ચ રાશિમાં છે. ચંદ્ર અને શુક્ર, લાભેશ અને લગ્નેશ વચ્ચે પરિવર્તનનો યોગ છે. શુક્ર અને ચંદ્ર બંને સ્ત્રી તત્વ દર્શાવતા ગ્રહો વચ્ચે સંબંધ શ્રીદેવીમાં સુંદરતા અને આકર્ષણરૂપે પ્રગટ થયા છે. જ્યોતિષમાં શુક્રને આકર્ષણ અને સુંદરતા સાથે વધુ સંબંધ છે તેવું કહ્યું છે પણ આ જન્મકુંડળીમાં એ ફલિત થાય છે કે બળવાન ચંદ્ર પણ અદભૂત સ્ત્રીતત્વનું સર્જન કરે છે. શ્રીદેવીનું સૌન્દર્ય શુક્ર નહીં પણ સૌમ્ય અને શુભ ચંદ્ર થકી હતું. વિતેલા જમાનાની અન્ય એક ખ્યાતનામ અભિનેત્રી વૈજયંતી માલાને પણ વૃષભનો ચંદ્ર નવમે છે.

બળવાન ચંદ્ર તેમના જીવન દરમિયાન તેમની માતાનો તેમની સફળતામાં મોટો ફાળો હશે તે દર્શાવે છે. બળવાન ચંદ્રની પાંચમે દ્રષ્ટિ છે. પંચમ ભાવ માનવની પોતાને રજૂ કરવાની શક્તિ, સર્જનાત્મક શક્તિ, અભિનય, વિદ્યા અને પ્રેમને રજૂ કરે છે. આ બધી બાબતોમાં ચંદ્રના બળ થકી શ્રીદેવી ખુબ જ સફળ રહ્યાં. સુંદર નેત્રો અને ભાવનાશીલ બાબતો ચંદ્ર શાસિત છે. તેમની ઘણી ફિલ્મોમાં તેમના અભિનયની આ ખૂબી જોઈ શકાય છે. લાગણી, નાજુકાઈ અને વિહવળ નેત્રો તેમને અન્ય કલાકારોથી અભિનયમાં વધુ ઉંચાઈ આપે છે. ચંદ્રની મહાદશામાં તેઓએ બાળ કલાકાર તરીકે પણ ફિલ્મમાં કામ કર્યું હતું. લગભગ દસમાં વર્ષથી સત્તરમાં વર્ષ સુધી મંગળની દશા ચાલી. મંગળ કર્ક લગ્નમાં યોગકારક ગ્રહ બને છે. યોગકારક મંગળ પર નવમે રહેલા સ્વગૃહી ગુરુની દ્રષ્ટિ છે. શક્ય છે કે મંગળની આ દશામાં તેઓએ નૃત્ય સહિત અન્ય કળાઓમાં પારંગત હાંસલ કર્યું હોય.

સરળ જન્મકુંડળી હોત તો કદાચ વ્યક્તિત્વની આ ઉંચાઈ અને ખ્યાતિ જોવા ના મળી હોત. જન્મકુંડળીનો જે તકદીર બદલાનારો સમય છે એ રાહુની મહાદશાનો હતો. લગભગ અઢારમાં વર્ષથી પાંત્રીસમાં વર્ષ સુધી રાહુની દશા ચાલી. રાહુ આ કુંડળીમાં મિથુન રાશિમાં ઉચ્ચનો થયો છે. તે બારમાં ભાવે છે. રાહુ ગુરુના નક્ષત્રમાં છે, ગુરુ ખુબ બળવાન છે. રાહુની મહાદશામાં શ્રીદેવીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી, રાહુની મહાદશાએ તેમને ફિલ્મજગતની મહત્વની વ્યક્તિઓની હરોળમાં બેસાડી દીધા. ૧૯૯૦, ૧૯૯૧ની આસપાસ લમ્હે, ચાંદની અને ચાલબાઝ જેવી મુવીઝ આવી, તે રાહુની મહાદશા અને તેના રાશિસ્વામી બુધની અંતર દશામાં. અગાઉ જણાવ્યું તેમ, રાહુ ગુરુના નક્ષત્ર અને મિથુન રાશિના કારણે બળવાન થયેલ છે. જેથી આ મહાદશા તેમને ફળી.

લગભગ ૩૫થી ૫૧માં વર્ષ સુધી ગુરુની દશા ચાલી, ગુરુની મહાદશામાં તેઓના માનસન્માન સતત વધતા રહ્યા. ફિલ્મજગતથી દૂર રહેવા છતાં, નાનામોટા થઈને આશરે ૨૫ જેટલા જાહેર સન્માન તેમને પ્રાપ્ત થયા છે. જ્યોતિષશાસ્ત્રની સચોટતા જુઓ કે, ૨૦૧૨ અને ૨૦૧૩ના વર્ષમાં, સ્વગૃહી ગુરુની મહાદશામાં ઉચ્ચના ચંદ્રની અંતરદશામાં તેઓને ભારત સરકારના ‘પદ્મશ્રી’ સહિત ‘ગ્રેટેસ્ટ એક્ટ્રેસ ઓફ ઓલ ટાઇમ’ જેવા એવાર્ડ મળ્યા છે.

કર્ક લગ્ન ચંદ્ર શાસિત હોઈ, આ લગ્નના જાતક ખૂબ ભાવનાશીલ વ્યક્તિત્વના માલિક હોય છે. કર્ક લગ્નમાં સપ્તમ ભાવનો માલિક શનિ બને છે, જાતકનો પોતાનો માલિક ગ્રહ ચંદ્ર બને છે. ચંદ્ર અને શનિ વચ્ચે મેળ ના હોવાથી કર્ક લગ્નના જાતકનું લગ્નજીવન ઉતારચઢાવ વાળું રહે છે. કર્ક લગ્નના જાતકો માટે શનિની મહાદશા પાર કરવી અઘરી હોય છે. જીવનની શરૂઆતમાં જો શનિની મહાદશા આવે તો જાતક ભણતર અને યુવાનીનો મહત્વનો સમય ખોઈ બેસે છે. શ્રીદેવીની જન્મકુંડળી પ્રમાણે તેઓએ  શનિની મહાદશા અને શનિની અંતરદશામાં અંતિમ શ્વાસ લીધા. કર્ક લગ્નની કુંડળીમાં શનિ આઠમા (મૃત્યુ) અને સાતમાં ભાવ (મારક)નો માલિક બને છે. ગોચરના ગ્રહો જોઈએ તો શનિ કેતુ પરથી છઠા ભાવમાંથી પસાર થઇ રહ્યો છે. ગુરુ ચતુર્થ ભાવમાંથી પસાર થઇ રહ્યો છે, જે રાહુ સાથે નવમ-પંચમ થઇ રહ્યો છે. ગુરુએ જીવ છે, રાહુ પરથી તેનું ભ્રમણ જીવ પર આવનારી તકલીફનું સૂચન કરે છે. જયારે શનિ એટલે કે કર્મ કેતુ પરથી પસાર થતા, કર્મમાંથી મુક્તિનો સંકેત થાય છે.વિચારપુષ્પ: કોઈકે સાચું જ કહ્યું છે કે સ્ત્રીનું સૌન્દર્ય તેની આંખોમાં વસે છે, આ આંખો થકી જ સ્ત્રીના હ્રદય સુધી પહોંચી શકાય છે, જ્યાં પ્રેમનું ઝરણું વહી રહ્યું છે.

અહેવાલ- નીરવ રંજન