જન્મકુંડળી-મેળાપક વિશે મહત્વની વાત

પ્રભુતામાં પગલાં પાડ્યાં પહેલાં જન્મકુંડળી મેળવવી જરૂરી છે, એ બધાં જાણે છે. પરંતુ લગ્ન પહેલાં જન્મકુંડળી-મેળાપકનો વિષય એટલો મોટો છે કે જ્યોતિષી તજજ્ઞ અને જાતક બેય ઘણીવાર ‘શું વિચારવું’, ‘શું પૂછવું’ અને જ્યોતિષી ‘શું કહેવું’ તેની મથામણ અનુભવે છે. લગ્ન પહેલા જન્મકુંડળી-મેળાપક દ્વારા તમે પરણનાર બંને પાત્ર જીવનમાં સુખી થશે કે નહીં અને તેમના સુખ થકી મનુષ્ય જીવનના ચારેય આધારસ્તંભ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને તેઓ પામશે કે નહીં તેનો પણ વિચાર કરવાનો છે. લગ્નજીવન દ્વારા બંન્ને પાત્રો એકબીજાનું જીવન સંપૂર્ણ કરે છે, તેઓ એકબીજાના પૂરક બને છે. લગ્નજીવન પહેલાં જ્યોતિષી દ્વારા અપાતી સલાહ સમાજ, ઉંમર અને પાત્રને ધ્યાનમાં લઈને હોય તે જરૂરી છે.લગ્ન પહેલાં જન્મકુંડળી-મેળાપકમાં સૌ પ્રથમ શારીરિક સુખાકારી અને આયુષ્ય વિષે વિચાર કરવો, જો એક પાત્રના ભાગ્યમાં મોટો રોગ લખ્યો હશે તો તે રોગના ભોગે બંને પાત્રોનું જીવન સંઘર્ષમય બની જશે. છઠું સ્થાન એટલે કે રોગ સ્થાનનો માલિક અને લગ્નેશ વચ્ચેના સંબંધ તપાસવા. ત્યારબાદ સંતાન પ્રાપ્તિ પણ ખૂબ જ મહત્વની બાબત છે. શનિ, બુધ અને અફળદ્રુપ રાશિઓ જો પંચમ સ્થાન સાથે સંબંધિત હોય તો સંતાનપ્રાપ્તિમાં તકલીફ અનુભવાય છે. લગ્નજીવન માટે સાતમાં સ્થાનને અનુલક્ષીને બંને પાત્રોને સરખા ગુણદોષ હશે તો બીજી બાબતોનો વિચાર કરીને લગ્નજીવનમાં આગળ વધી શકાય. અમે ઘણીવાર માત્રને માત્ર સંતાનપ્રાપ્તિમાં રુકાવટને લીધે સંબંધોમાં તકલીફ આવતાં જોઈ છે. આ ત્રણેય બાબતોનો વિચાર કર્યાં બાદ બંને જાતકોની આર્થિક અને માનસિક ભાવિ સ્થિતિ વિષે જ્યોતિષની મદદથી જાણવા પ્રયત્ન કરવો જોઈએ. માનસિક બાબતો માટે ચંદ્રનો અભ્યાસ કરવો. એકબીજાના ચંદ્ર ષડાષ્ટક અને બીજેબારમે બરાબર નથી.

અમે ઘણીવાર જોયું છે કે લગ્ન પહેલાં જન્મકુંડળી-મેળાપકની વાત આવે ત્યારે છેલ્લે મંગળ દોષ પર આવીને વાત અટકતી હોય છે. ઘણીવાર ખૂબ સારા પાત્રો પણ માત્રને માત્ર મંગળ દોષના ડરના લીધે પરણી નથી શકતાં. એક જાતક માંગલિક છે અને અન્ય જાતક માંગલિક નથી, તેવે સમયે જો વહેમ કે ડર રહેતો હોય તો શાસ્ત્રમાં કુંભ વિવાહ, પીપળા સાથે વિવાહ તથા વિષ્ણુના પ્રતીક સાથે વિવાહના શાસ્ત્રમાં વિધાન છે, આ સરળ વિધિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મંગળ દોષનું જ્યોતિષીય અને માનસિક બંને રીતે નિવારણ શક્ય છે. લગ્ન બાદ નજીકના લગ્નજીવન બાબતે સુખનો વિચાર લગ્નસમયે ગ્રહોની દશા અને ગોચર પરથી કરી શકાય. પ્રચલિત મત મુજબ મંગળની ગ્રહ આયુ ૨૮ વર્ષની છે, જો જાતક ૨૮ વર્ષ પછી પરણે તો મંગળ દોષ લાગતો નથી. અને જો આ બાબતે જાતકને કે તેના વાલીને ચિંતા હોય તો કુંભ વિવાહ જેવા સરળ પૂજાવિધાનથી મંગળ દોષ નિવારણ અર્થે પૂજા પણ કરી શકાય.

બંને જાતકોની કુંડળીમાં ભાવ સાથે ભાવ મેળવીને કે રાશિ સાથે રાશિ મેળવીને જોઈ શકાય કે એક જાતકનો ચંદ્ર બીજા જાતકની જન્મકુંડળીના શનિ પર નથી આવતોને તે જ રીતે એક જાતકનો મંગળ બીજા જાતકના બુધ પર નથી આવતોને, આ રીતે પણ બંને જાતકોની જન્મકુંડળીનો મેળાપક સમયે વિચાર કરીને ભાવિ લગ્નજીવનની આગાહી થઇ શકે.

જ્યોતિષ તર્ક, આધ્યાત્મ, ગણિત, સમાજ, અનુભવ અને ગ્રહો બધાંને સાંકળીને ચાલે છે. જ્યોતિષની સલાહ લેવામાં કશું ખોટું નથી. પરંતુ માત્ર એક જ્યોતિષીની સલાહ ઉપર કોઈ સારા પાત્ર સાથે અન્યાય ન થઇ જાય તે પણ ખૂબ જ મહત્વનું છે. આપણે એ સમજવું પડશે કે જ્યોતિષનું જ્ઞાન થનારી ઘટનાઓ વિષે એક અંદાજ બાંધે છે, આ આગાહી એ જે તે જ્યોતિષીના જ્ઞાન અને અનુભવ પર આધારિત છે, માટે જાતકે સમજવું જોઈએ કે ઘટનાની માત્ર આગાહી થઇ રહી છે, ઘટના હજુ ઘટી નથી. જ્યોતિષની મદદથી તમે ઘટના થશે કે નહીં તેની જાણકારી મેળવી શકો છો, પરંતુ જ્યોતિષની મદદથી કોઈની પાત્રતા ચકાસવી એ ગ્રાહ્ય વાત નથી તેને પણ ધ્યાનમાં લેશો.

જો લગ્ન માટે ઈચ્છુક બે પાત્રો જો સામાજિક, આર્થિક અને માનસિક દ્રષ્ટિએ સારી રીતે મેળ ખાતાં હોય અને પછી જો જ્યોતિષનો પ્રશ્ન નડતો હોય તો તમારે બની શકે તો એકથી વધુ જ્યોતિષીની સલાહ લેવી જોઈએ. જ્યોતિષમાં પણ અલગ અલગ પદ્ધતિઓ છે, અલગ અલગ પદ્ધતિ જાણનાર જ્યોતિષી તમને અન્ય પદ્ધતિઓ દ્વારા લગ્ન બાબતે થતાં ગ્રહોના નડતરના ઉપાય પણ સૂચવી શકે છે અને તમારી શંકા અને તકલીફનું સમાધાન કરી શકે છે.તમે જો જ્યોતિષમાં ખૂબ ઊંડો રસ અને વિશ્વાસ ધરાવતા હોવ તો તે ખરેખર આવકારદાયક વાત છે, જ્યોતિષમાં ખૂબ ઊંડો રસ અને વિશ્વાસ ધરાવતા જાતકો માટે એક સોનેરી સલાહ છે કે જ્યોતિષમાં ખૂબ ઊંડો રસ અને વિશ્વાસ ધરાવતા જાતકોએ લગ્ન બાબતે થોડુંક પણ આગળ વધતાં પહેલાં જ જન્મકુંડળી-મેળાપક કરી લેવો ઉચિત રહેશે. લગ્ન બાબતે નિર્ણય થઇ ગયાં પછી જો તમે કોઈ જ્યોતિષી પાસે જશો અને જો જવાબમાં નકાર મળે, તો તમારી માટે જ્યોતિષ, જ્યોતિષી અને લગ્નજીવન વહેમનો વિષય બની જશે. જો બધું નક્કી હોય લગ્ન બાબતે બંને પાત્રો અને ઘરવાળા રાજી હોય તો કૃપા કરીને જ્યોતિષના વિષયને માત્ર મન મનાવવા ખાતર ધ્યાનમાં લેવા. ઘણીવાર બધું બરાબર હોવા છતાં છેલ્લે જ્યોતિષી પાસે સલાહ લેવા જાતક આવે છે, જ્યોતિષી તેમના ઉત્સાહને જોઇને ના પાડી શકતો નથી, પોતાનું નિષ્પક્ષ મંતવ્ય જાહેર કરી શકતો નથી અને જો જાહેર કરે તો બંને પક્ષે તકલીફનો અનુભવ થાય છે. આ પ્રકારે લગ્ન બાબતે છેલ્લે સલાહ લેવાથી જ્યોતિષી, જ્યોતિષ અને જાતક બધાંને નુકસાન થાય છે.

ઘણીવાર જન્મના સમય ખોટા હોય છે, તારીખમાં ભૂલ હોય છે, સ્થળ સ્પષ્ટ નથી હોતાં, દિવસે કે રાતે જન્મ છે તેને ધ્યાનમાં લીધા વગર જન્મકુંડળીની માહિતી જ્યોતિષીને આપેલ હોય છે. આ બધી ભૂલને લીધે જ્યોતિષીના માર્ગદર્શનમાં પણ ઉણપ આવી જાય છે. જ્યોતિષીની સલાહ આપની મદદ માટે છે, શંકા અને તકલીફ સર્જવા માટે નહીં. માટે જ્યોતિષી પાસે હમેંશા સ્પષ્ટ પ્રશ્નો જ રાખો, આ તમને ખૂબ મદદરૂપ થશે. લગ્ન પહેલાં જન્મકુંડળી-મેળાપક દરમિયાન આ બધી બાબતની પુરતી જાણકારી રાખવી જોઈએ. કોઈકે સાચું જ કહ્યું છે કે, સફળ લગ્નજીવન માટે લગ્ન પહેલાં આંખો પુરેપુરી ખુલ્લી રાખવી જોઈએ અને લગ્નજીવન શરૂ થયા બાદ એ આંખો અડધી મીંચેલી રાખવી જોઈએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]