મંગળનો કન્યા રાશિમાં પ્રવેશ સાથે બારેય રાશિનો ફળાદેશ

તારીખ ૧૩.૧૦.૨૦૧૭એ ૧૫:૪૧ કલાકે મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મંગળ કન્યા રાશિમાં ૨૯.૧૧.૨૦૧૭ સુધી રહેશે. મંગળ ગ્રહ થકી ટૂંકા ગાળાની પરંતુ નિર્ણાયક અસરો મનુષ્ય જીવનમાં અનુભવી શકાય છે. તમે કોઈ એવા મહત્વના નિર્ણયની રાહ જોઈ રહ્યા હોવ કે જે નવેમ્બર કે ઓક્ટોબર મહિનાની આસપાસ લેવાનો હોય તેવા નિર્ણય પર તમારી જન્મરાશિ મુજબ ગ્રહ પરિવર્તનની ચોક્કસ અસરો અનુભવી શકાય છે. અલબત, મંગળનું રાશિ પરિવર્તન તમને નિર્ણયો લેવામાં તથા મહત્વના નિર્ણયોમાં ધીરજ રાખવા માટે ઉત્તમ માર્ગદર્શક બની રહેશે.કન્યા રાશિ પૃથ્વી તત્વની અને દ્વિસ્વભાવ પ્રકૃતિવાળી રાશિ છે, અહી મંગળનું ભ્રમણ મહદઅંશે સુખ શાંતિનો અનુભવ કરાવનારું રહેશે. કન્યા રાશિ મંગળના શત્રુ ગ્રહ, બુધ શાસિત હોઈ આ રાશિમાં મંગળ મધ્યમ ફળદાયી છે. સ્વતંત્ર ભારતની કુંડળીમાં મંગળ પંચમ સ્થાને આવશે, ખેલકૂદ, રમતગમત અને કળા જગત જેવા ક્ષેત્રોમાં મંગળનું આ રાશિ પરિવર્તન બદલાવ આપી શકે છે. ક્રિકેટ જગતમાં હિલચાલ જોવા મળી શકે, દેશની ક્રિકેટ ટીમમાં પ્રગતિની સાથે મોટા બદલાવ પણ આવી શકે.

દેશમાં આંતરિક સુખશાંતિનો માહોલ જોવા મળશે. દેશના શાસકો અને પ્રજા વચ્ચે વધુ તાલમેલ જોવા મળી શકે. સરકાર આર્થિક બાબતે કોઈ મહત્વના નિર્ણયથી દેશવાસીઓને આશ્ચર્ય અને આનંદ આપે તો અચરજ નહીં કહેવાય. મંગળના કન્યા રાશિમાં પોણા બે મહિના દરમિયાન દુનિયામાં મોટા દેશો વચ્ચે ઘર્ષણના સમાચાર વારંવાર આવી શકે અને ખોટી માહિતીથી લોકો ગેરમાર્ગે દોરાય તેવું પણ બની શકે. મંગળ પૃથ્વી તત્વની રાશિમાં છે, પરંતુ આ રાશિ બુધ શાસિત હોઈ આખરી પરિણામ તકલીફ્દાયી ના હોઈ શકે.

બારેય રાશિઓનો ફળાદેશ નીચે મુજબ છે:

મેષ:

મેષ રાશિના જાતકો માટે મંગળ છઠા ભાવે આવતા, મંગળ ટૂંકા ગાળા માટે શારીરિક વ્યાધિ આપી શકે. તમારે પોતાના કાર્યને નજર સામે રાખીને ચાલવું પડશે, અન્યથા મંગળનો શત્રુ ભાવે પ્રવેશ તમારું ધ્યાનભંગ કરી શકે છે, કાર્યમાં વિલંબ આપી શકે છે. નોકરીમાં બદલાવ આવી શકે.

વૃષભ:

વૃષભ રાશિના જાતકો માટે મંગળ રચનાત્મક કાર્યોને વેગ આપનારો નીવડે, સંતાન વિષયક બાબતો ઉજાગર થઇ શકે. પ્રેમ સંબંધ વધુ ગાઢ બની શકે. નવ યુવાનોને લગ્ન બાબતે નિર્ણય લઇ શકાય. નોકરી અને વ્યવસાયમાં તમારું પ્રદર્શન વધુ ઉત્તમ બનશે.

મિથુન:

મિથુન રાશિના જાતકોને આ સમય દરમ્યાન કુટુંબના સભ્યો સાથે મનમેળ કરીને આગળ ચાલવાનું છે. સામાજિક પ્રસંગ કે ઘરના સભ્યોને આવરી લેતો કોઈ પ્રશ્ન આવી શકે, તમારે જીવનસાથી અને ભાઈ ભાંડુઓને પોતાના ઉત્તમ વાણી અને વર્તનથી જીતી લેવા પડશે.

કર્ક:

કર્ક રાશિના જાતકો માટે મંગળ સાહસથી સફળતા મળે તેનું સૂચન કરે છે. લેખન અને મૌલિક વિષયો સાથે જોડાયેલા જાતકોને આ સમય દરમિયાન પ્રગતિ થઇ શકે. ટૂંકા પ્રવાસ દરમિયાન તમને લાભ થઇ શકે. વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થાય. ભાઈભાંડુઓને મદદરૂપ થઇ શકશો.

સિંહ:

સિંહ રાશિના જાતકોને આર્થિક લાભ થઇ શકે. સ્થિર સંપતિ થકી તમને લાભ થઇ શકે. નજીકના મિત્રો અને કુટુંબીજનો તમને મદદરૂપ થાય. મહત્વના કાર્યોમાં તમે પોતાની વાણીથી અન્ય લોકો પર ઉત્તમ પ્રભાવ પાડી શકશો. બેંક અને નાણાકીય મહત્વની બાબતોમાં સફળતા મળી શકે.

કન્યા:

કન્યા રાશિના જાતકોને આ રાશિ પરિવર્તન મધ્યમ શુભ કહી શકાય, તમે પોતાની ઈચ્છા અને પોતાના કાર્યો વચ્ચે તાલમેલ કરવામાં તકલીફ અનુભવો તેવું બની શકે. તમારે પોતાની પાસે ઉપલબ્ધ સાધનો અને સગવડોથી સંતુષ્ટ રહેવું જોઈએ. મહત્વના નિર્ણય માટે યોગ્ય સમયની રાહ જુઓ.

તુલા:

તુલા રાશિના જાતકોને મોજશોખ પાછળ વધુ ખર્ચનો અનુભવ થઇ શકે. નોકરી અને વ્યવસાયમાં અકારણ વધુ દોડધામ રહી શકે. ખોટા સમાચાર કે માહિતીથી દૂર રહેવું જોઈએ. વ્યવસાયમાં આવક વધી શકે પરંતુ નાણાકીય આયોજન મહત્વનું બની રહેશે.

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના જાતકોને મિત્રો અને સામાજિક સંપર્કો થકી સફળતા મળી શકે. આ સમય દરમિયાન તમારી ધારણા પ્રમાણે કાર્ય થઇ શકે. નવા વાહન કે મકાન ખરીદી માટેની ઈચ્છા પૂર્ણ થઇ શકે. નોકરીના સ્થળે તમને અન્ય સહકર્મીઓનો પૂરતો સહકાર મળતા કાર્ય સરળ બને.

ધન:

ધન રાશિના જાતકોને મંગળ કર્મ ભાવે આવશે, તમે પોતાના કાર્યક્ષેત્રે બદલાવનો અનુભવ કરશો. તમે પોતાને કાર્યોમાં વધુ ઉંચાઈ પર લઇ જવા માગો છો, તમારી મહત્વાકાંક્ષામાં વધારો થશે. વ્યવસાયનું વિસ્તરણ થઇ શકે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મકર:

મકર રાશિના જાતકો માટે મંગળ નવી તકો લાવશે, તમે વ્યવસાય કે નોકરીમાં નવી જગ્યાએ કાર્ય કરો તેવું બની શકે. સતત બદલાવ કે અણધાર્યા બદલાવને લીધે તમે ડર અને આનંદ બંને અનુભવશો. પ્રેમ પ્રસંગમાં તમને સરળતા જણાય, મનમેળ વધે.

કુંભ:

કુંભ રાશિના જાતકોને મંગળનું રાશિ પરિવર્તન આર્થિક બાબતોને વધુ મહત્વ આપવા કહે છે. તમે કોઈ મહત્વના નિર્ણય માટે વધુ અભ્યાસ કરશો અને તે અંગે મિત્રોના અભિપ્રાય પણ લો તેવું બને. આખરી પરિણામ સ્વરૂપ તમે વધુ સફળ વ્યક્તિ બનશો.

મીન:

મીન રાશિના જાતકોને મંગળનું રાશિ પરિવર્તન લગ્ન વિષયક બાબતો માટે મહત્વનું બની રહેશે. નવા સંબંધો સ્થપાઈ શકે, હાલના સંબંધો ઓર ઉચ્ચસ્તરે અને ઘનિષ્ઠ બની શકે. તમે સફળ વ્યક્તિ હશો તો તમે સફળતાથી પ્રેરાઈને વિશેષ કાર્ય કરવા ઉત્સાહી બનશો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]