હોલિકા દહનનો કયો સમય યોગ્ય છે? આ રીતે કરો પૂજન

ગામી ૦૧ માર્ચ ૨૦૧૮ના દિવસે પૂનમની તિથિ સવારે ૦૮:૫૮ કલાકે શરૂ થશે. હોલિકા દહનનું મુહુર્ત પ્રદોષકાળ હોય ત્યારે પૂનમ તિથિમાં છે. પ્રદોષ કાળ રોજ સૂર્યાસ્ત પછી બરાબર ચાર ઘડી સુધી હોય છે. આ વર્ષે પૂનમનો ક્ષય છે, માટે હોળીનો પવિત્ર અગ્નિ પ્રગટાવવાનો શુદ્ધ સમય જ્યોતિષીઓના મતે ૦૧ માર્ચ ૨૦૧૮ના દિવસે ૧૯:૩૯થી (અમદાવાદ) શુદ્ધ જણાયો છે. ૦૨ માર્ચ ૨૦૧૮ને સવારે ૦૬:૨૩એ હોળાષ્ટક સમાપ્ત થશે. હોળી સમયે પૂનમની તિથિ પ્રવેશના સમયની કુંડળીમાં મીન લગ્ન છે અને ગુરુ અષ્ટમ સ્થાનમાં આવે છે, લગ્નેશ આઠમે જતાં આ વર્ષ દરમિયાન દેશમાં સુખ અને શાંતિ જાળવવા વધુ પ્રયત્નો કરવા પડે તેમ જણાય છે. ધાર્મિક બાબતો વર્ષ દરમિયાન વધુ ચર્ચામાં રહે તેવું બની શકે. શનિ દસમ ભાવે દેશના શાસકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા વધુ મહેનત કરવી પડે અને થોડો સમય સરકારને કસોટીનો વીતે તેમ નિર્દેશ કરે છે. સૂર્ય પર શનિની દ્રષ્ટિ કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા પડશે તેનો નિર્દેશ કરે છે, લાંબા સમયથી અટકેલા કાર્યોમાં એકાએક ગતિ આવે તેવું બની શકે.

મેષ અને વૃશ્ચિક: તાંબાના પાત્રમાં પૂજા કરવી, લાલ રંગના ફૂલ અને વસ્ત્ર ધારણ કરવા. માટીના પાત્રનો પૂજામાં પ્રયોગ કરવો.

વૃષભ અને તુલા: દહીં કે દૂધની વાનગીનો પ્રસાદ કરવો, સફેદ રેશમી વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવી. પૂજામાં કપૂર અને ચાંદીના પાત્રનો પ્રયોગ કરવો.

મિથુન અને કન્યા: ધરો કે દુર્વા ઘાસથી પૂજા કરવી, પૂજા દરમિયાન લીલા રંગના વસ્ત્ર શુભ ફળદાયી છે. મગનો પ્રસાદ કરવો.

કર્ક: કર્ક રાશિના જાતકોએ ચોખા અને દૂધની વાનગીનો પ્રસાદ વહેંચવો, પૂજા દરમ્યાન સફેદ વસ્ત્ર ધારણ કરવું.

સિંહ: સિંહ રાશિના જાતકોએ ઘઉંના લોટની વાનગીનો પ્રસાદ કરવો, પૂજા દરમ્યાન આછા લાલ કે નારંગી રંગના વસ્ત્ર શુભ ફળદાયી રહે.

ધન અને મીન: ધન અને મીન રાશિના જાતકોએ પીળા રંગના વસ્ત્ર ધારણ કરી ચણાની દાળની વાનગી પ્રસાદમાં વહેંચવી શુભ ફળદાયી.

મકર અને કુંભ: મકર અને કુંભ રાશિના જાતકોએ આછા વાદળી રંગના કપડા પહેરી શકાય, તેલનું દાન કરવું અને તલની વાનગીનો પ્રસાદ કરી શકાય.

જે જાતકોને આર્થિક સમસ્યાઓ નડતી હોય તેમણે હોળીના પવિત્ર અગ્નિની ૨૭ પ્રદક્ષિણા કરવી, પ્રદક્ષિણા દરમિયાન “ઓમ હ્રીં લક્ષ્મીપતયે નમઃ” મંત્રના જાપ કરવા, તાંબાના પાત્રમાં પાણી લઇ તેની ધાર કરતા કરતા જાપ કરવા. શ્રીફળને હોળીના પવિત્ર અગ્નિમાં હોમી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવી. આ પ્રયોગ સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવાથી આર્થિક સમસ્યા દુર થઇ માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.

હોલિકા દહનની પ્રચલિત કથાઓ અને પૌરાણિક સંદર્ભ

ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમભક્ત હતા. તેમના પિતા રાક્ષસકુલમાં જન્મને લીધે ભગવાન વિષ્ણુના વિરોધી હતા. પ્રહલાદ વિષ્ણુની ભક્તિ કરે તે હિરણ્યકશ્યપને બિલકુલ પસંદ ન હતું. તેમણે પ્રહલાદને અનેક તકલીફ આપીને મનાવવા પ્રયત્ન કર્યો કે પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દે. હિરણ્યકશ્યપે પ્રહલાદને અનેક તકલીફ આપી હતી. દરેક તકલીફને સમયે પ્રહલાદ મૃત્યુથી આબાદ બચી જતા હતા. હિરણ્યકશ્યપની બહેન જેનું નામ હોલિકા હતું, તેને વરદાન હતું કે તે અગ્નિમાં બળી શકે નહિ. હોલિકા કે જેના નામ પરથી આ તહેવાર હોળીના નામે ઉજવીએ છીએ તે હોલિકાએ બાળભક્ત પ્રહલાદને બળતા અગ્નિમાં પોતાના ખોળામાં બેસાડ્યો હતો. હિરણ્યકશ્યપની યોજના મુજબ પ્રહલાદ બળી જાય અને હોલિકા વરદાનને લીધે બચી જાય તેમ બનવાનું હતું પરંતુ ભક્તિની શક્તિ જુઓ, ભગવાન વિષ્ણુની પરમકૃપાથી પ્રહલાદ બચી ગયા અને હોલિકાનું દહન થઇ ગયું. સમગ્ર ભારતમાં આ તહેવાર ભક્ત પ્રહલાદની યાદમાં ભક્તિભાવ પૂર્વક ઉજવાય છે. ખાસ કરીને વૈષ્ણવ પરંપરામાં તો હોળીના તહેવારનું ખુબ જ મહત્વ છે. બરસાના, વૃંદાવન અને મથુરામાં હોળીના મહિમા અનેરો છે. સ્વયં ભગવાન કૃષ્ણ રાધા સાથે રંગે રમવા બરસાના જતા હોવાનો ભાગવત કથાઓમાં ઉલ્લેખ છે. શૈવ ભક્તો આ તહેવારને ભગવાન શંકર અને પાર્વતીના મિલનના પ્રસંગે ઉજવે છે. કહેવાય છે કે મહાદેવ અને પાર્વતીનું પ્રથમ મિલન પણ હોળીના પવિત્ર સમયે થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]