ગુરુ, શનિ અને જન્મનક્ષત્રનું મહત્વ

ગુરુ અને શનિ બંને મોટા ગ્રહો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા શનિ અને સૂર્ય બે જ ગ્રહો આપણાં ગ્રહમંડળમાં હતા. કાળક્રમે શનિદેવનો પ્રભાવ વધતો ગયો અને કોઈ પણ નાનો ગ્રહ કે આકાશી પદાર્થને શનિદેવ પોતાની તરફ ખેંચી લેતાં હતાં. આમ થતાં એક સમય એવો આવ્યો કે આપણું ગ્રહમંડળ શનિદેવના પ્રભાવે અસ્થિર થઇ ગયું. આ અસ્થિરતા નિવારવા ઈશ્વરે ગુરુ મહારાજને આપણા નભો મંડળમાં મૂક્યાં અને ત્યારબાદ આ નવગ્રહોનો સંસાર સ્થિર થયો. શનિ અને ગુરુ બંનેનું જન્મકુંડળીમાં ઘણું મહત્વ છે.

જીવનના મોટા પડાવ દર્શાવે ગુરુ અને શનિ

શનિ દેવ કર્મફળ દાતા છે. તો ગુરુ મહારાજએ જાતકનો જીવ છે. ગુરુ વિના જીવન ના થઇ શકે તો શનિ વિના કર્મના થઇ શકે. જીવનની લગભગ બધી જ મોટી ઘટનાઓનો અંદાજ આ બે જ ગ્રહોના પરિભ્રમણ ચકાસીને મેળવી શકાય છે. જો તમારી જન્મકુંડળીમાંકોઈ મોટો ગ્રહ દોષ હોય જેમ કે, શનિ અને મંગળની યુતિ, મંગળ અને રાહુની યુતિ, મંગળ અને કેતુની યુતિ અથવા સૂર્ય અને શનિની યુતિ, તો જીવનના અમુક વર્ષ તમારી માટે ખુબ તકલીફવાળા હશે જ.જો તમારી જન્મકુંડળીમાં શુભ યોગ જેવા કે, સૂર્ય અને ગુરુની યુતિ, ચંદ્ર અને ગુરુની યુતિ, ગુરુ અને મંગળની યુતિ હશે તો જીવનના અમુક વર્ષ તમારી માટે પ્રગતિદાયક રહેશે. હવે તમારે માત્ર આ યુતિઓજે રાશિમાં થઇ છે, તેને ધ્યાનમાં લેવાની છે. જો એ રાશિમાંથી ગુરુ પસાર થયો હશે, તેઓ તે વર્ષ સારી કે ખરાબ યુતિ પ્રમાણે ફળદાયી બનશે. શનિ ઉપરોક્ત કોઈ યુતિમાંથી પસાર થાય છે ત્યારે જાતકની આજીવિકા અને કર્મો પર પ્રભાવ મુકે છે. મંગળ અને રાહુની યુતિ પરથી જો શનિ પસાર થાય તો જાતકને કાર્ય બાબતે મોટી તકલીફો આવી શકે છે.

આપણું પ્રાચીન જ્યોતિષ નક્ષત્રના આધારે ફળકથનને મહત્વ આપે છે, આજે પણ દક્ષિણ ભારતના જ્યોતિષમાં નક્ષત્રોનો ઉપયોગ વિશેષ થાય છે. ઘણીવાર ગ્રહો બળવાન હોય છે પણ પરિણામ સારું નથી હોતું, તેવા સમયે જો તે ગ્રહનો નક્ષત્રપતિ ચકાસવામાં આવે તો ફળકથન એકદમ સુક્ષ્મ રીતે થઇ શકે છે. જે ગ્રહનું ફળકથન કરવાનું હોય તેનો નક્ષત્રપતિ કુંડળીમાં તપાસવો, જો નક્ષત્રપતિ શુભ ભાવોનો માલિક હશે અને શુભ ભાવોમાં બેઠેલો હશે તો ગ્રહનું ફળ ઉત્તમ મળશે.

જન્મનક્ષત્રથી જીવનનો ઉતાર-ચઢાવ

જન્મ નક્ષત્રનું ખૂબ મહત્વ છે. થોડા સમય પહેલાં હું એક જ્યોતિષીભાઈને મળ્યો હતો, તેમની જ્યોતિષ જોવાની રીત બિલકુલ નિરાળી હતી, તેઓ માત્ર જન્મ નક્ષત્રને ઓળખીને તરત જ ફલિત કહી દેતાં હતાં. માત્ર જન્મનક્ષત્રના આધારે ભવિષ્ય કથન કરવું થોડું અટપટું લાગે છે પણ આ શક્ય છે.જ્યોતિષશાસ્ત્રોમાં જન્મ નક્ષત્રથી ૧૦મું નક્ષત્ર, ૧૬મું નક્ષત્ર, ૧૮મું નક્ષત્ર, ૨૩મું નક્ષત્ર અને ૨૫મુંનક્ષત્ર, ખૂબ મહત્વના છે. આ નક્ષત્રો અનુક્રમે કર્મ, સંઘાત, ઉદય, વિનાશ અને માનસ નક્ષત્રો કહેવાય છે. અલગ અલગ જાતકો માટે આ નક્ષત્રો અલગ અલગ બનશે.

ઉપર જણાવેલ નક્ષત્રો જાતક માટે ખૂબ મહત્વના છે. માત્ર આટલા નક્ષત્રોને ધ્યાનમાં લઈને પણ તમે ભવિષ્યવાણી કરી શકો છો. ઉપર જણાવેલ નક્ષત્રોમાં જયારે પણ મંગળ, રાહુ અને શનિ પસાર થાય છે ત્યારે ત્યારે જીવનમાં મોટી ઘટનાઓ બને છે. ૧૬મું અને ૨૩મું નક્ષત્ર સંઘાત અને વિનાશ નક્ષત્ર છે, નામ ઉપરથી સ્પષ્ટ થઇ ગયું હશે કે આ નક્ષત્રો કેટલા મહત્વના છે. ૧૬મું અને ૨૩મું નક્ષત્ર જયારે પાપ ગ્રહો દ્વારા ભોગવાય છે અથવા તો તેની પર વેધ આવે છે ત્યારે જાતકને અચૂક તકલીફોમાંથી પસાર થવું પડે છે. તેમાં પણ મંગળ સાથે શનિ કે રાહુ જો નક્ષત્રોમાંથી પસાર થાય કે એકથી વધુ ગ્રહો દ્વારા વેધ થાય તો જાતકને મૃત્યુતુલ્ય કષ્ટ આવી શકે છે. ૨૫મું નક્ષત્ર માનસ નક્ષત્ર છે,આ નક્ષત્ર જો ક્રૂર ગ્રહો કે પાપ ગ્રહો દ્વારા ભોગવાય તો જાતકને એ સમય દરમિયાન રોગ અને માનસિક તકલીફોમાંથી પસાર થવું પડે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]