‘ડોન્ટ અન્ડર એસ્ટિમેટ મી’ સાદા ગ્રહોની અજબ તકલીફ

લાલ કિતાબ મુજબ ગ્રહો અને જન્મકુંડળીમાં તેમના સ્થાનને અનુલક્ષીને એક મહત્વનું અવલોકન આવે છે. બધા ગ્રહોની એક સ્થિતિ એવી છે કે જે, જે-તે ગ્રહજનિત તકલીફમાં વધારો સૂચવે છે. બીજા અર્થમાં જન્મકુંડળીમાં નવે ગ્રહો માટે અમુક સ્થાન એવા છે, જ્યાં જો તેઓ જાય તો જે-તે જન્મકુંડળીમાં બંધનનો યોગ જાગૃત થાય છે.

દરેક ગ્રહ કોઈ સ્થાનનો નિશ્ચિત કારક છે. આ સ્થાન હેઠળની બાબતો પર તે ગ્રહનું આધિપત્ય છે. જે-તે સ્થાન અમુક ગ્રહને જ આભારી છે. જેમ કે શનિ મહારાજનું સ્થાન દસમું છે. દસમો ભાવ જે કર્મ ભાવ છે, તે શનિ મહારાજનો ભાવ છે. શનિ મહારાજ કર્મફળના દેવ છે. આ દસમાં ભાવમાં જો શનિના શત્રુ ગ્રહો સૂર્ય, ચંદ્ર આવી જાય તો શનિ ગ્રહજનિત દોષ પેદા થઇ જાય છે. આ પ્રકારે થતાં યોગને પૂર્વ જન્મ સાથે સાંકળવામાં આવ્યો છે, સૂર્યનું દસમે હોવું પૂર્વભવમાં મિલકત બાબતે ઝગડો કે જીવહત્યાનો સંકેત કરે છે. શનિ દસમે હોતાં જાતકને આ ભવે પૈતૃક સંપતિમાં હાનિ અને શનિ ગ્રહ સૂચિત કારોબાર જેવા કે લોખંડ, તેલ, બાંધકામ વગેરેમાં નુકસાની વેઠવી પડે છે. શનિ કુંડળીમાં જ્યાં હશે તે ભાવની બાબતોમાં પણ શનિ તકલીફ ઉભી કરશે. ૩૬થી ૪૧માં વર્ષ દરમિયાન જાતકને અણધારી તકલીફોનો સામનો કરવો પડે છે. સૂર્ય દસમે હોય અને મકાનનો દરવાજો દક્ષિણે હોય તો આ બંધનયોગથી તકલીફ અચૂક અનુભવાય છે. જન્મકુંડળીમાં અન્યગ્રહોની સ્થિતિ અનુસાર તેનું નિવારણ સૂચવી શકાય છે, સાદો ઉપાય જણાવું તો આ પ્રકારના યોગમાં જાતકે માથે સફેદ રંગની ટોપી પહેરવી તથા જળ પ્રાપ્તિ માટે કૂવા કે બોરવેલ નિર્માણ કરાવવું જાતક માટે લાભપ્રદ સાબિત થઇ શકે. ઉપર મુજબ ચંદ્ર પણ જો દસમે હોય તો જાતક માટે ૨૪મું વર્ષ કષ્ટપ્રદ હોય છે. સૂર્ય અને ચંદ્ર એકસાથે દસમે હોય તો આ બંધન યોગ લાગુ પડે છે. ગ્રહજનિત તકલીફમાંથી માણસે બચવું કષ્ટપ્રદ રહે છે અને આ યોગ જીવનભર લાગુ પડે છે માટે આજીવન બંધન સમાન આ યોગને ગ્રહોનું ઋણ પણ કહેવાય છે. જે-તે ગ્રહ બાબતે દાન કે ઉપાય કર્યે જ મુક્તિ મળે છે.

આવો જ એક સાદો પણ અનુભવે સચોટ લાગતો એક બંધન યોગ છે, જે ચંદ્રથી સર્જાય છે. જન્મકુંડળીમાં ચંદ્ર ત્રીજે કે છઠે ભાવે હોય તો, બુધ ગ્રહજનિત તકલીફ વધી જાય છે. પૂર્વભવમાં બહેન, દીકરી સાથે થયેલ અણબનાવ જન્મકુંડળીમાં જો ચંદ્ર ત્રીજે કે છઠે હોય તો સૂચિત થાય છે. છઠે ચંદ્રની સ્થિતિમાં જાતક જો દલાલીના ધંધામાં હોય તો તેને નુકસાની થવાની ભરપુર શક્યતા રહે છે. રાત્રે દૂધ પીવું પણ તેમને તકલીફ આપી શકે છે. દૂધ કે ચોખાનું દાન, પરબ બંધાવવી વગેરે ચંદ્ર છઠે હોય તો ભારે નુકસાની આપે છે. જો પરબ બંધાવવી જ હોય તો ગ્રહની આ સ્થિતિમાં સ્મશાન કે હોસ્પિટલમાં પરબ બંધાવવી સલાહભર્યું છે. ત્રીજા ચંદ્રની સ્થિતિમાં બંધન કે તકલીફ ૨૪માં વર્ષ સિવાયના વર્ષોમાં આવતી જોઇ નથી. પરંતુ છઠા સ્થાનમાં ચંદ્રની સ્થિતિ વધુ તકલીફદાયી છે.અન્ય એક યોગ જે અચૂક તકલીફ આપે છે તેવો યોગ છે શનિ કે શુક્રનું પાંચમે ભાવે હોવું. સાદો લાગતો આ યોગ ઘણો વિકટ છે. પંચમ ભાવ પર સૂર્યની માલિકી છે, આ ભાવમાં શનિ કે શુક્ર જે સૂર્યના શત્રુ ગ્રહો છે તે આવવાથી એક પ્રકારે તકલીફદાયી યોગ સર્જાય છે. પાંચમો શનિ સંતાન સુખમાં ઉણપ લાવનાર છે. રીતરીવાજોનું અપમાન અને નાસ્તિકતા તેના લક્ષણ છે, પાંચમે શનિ પૂર્વભવમાં  નાસ્તિકતાનું સૂચન કરે છે. લાલ કિતાબ પંચમ શનિને સંતાન અને મકાન સાથે જોડે છે. પાંચમે શનિ હોય તેમણે મકાન બનવવા માટે રાહ જોવી અથવા મકાન પોતાને નામે બની શકે તો ન કરવું. કહેવાય છે કે પાંચમે શનિવાળા જાતકોને મકાન બનાવવું તેમના સંતાન માટે તકલીફોનું વાવાઝોડું લઈને આવે છે. ૪૮માં વર્ષ બાદ જ મકાન બનાવવું તેમની માટે શુભ થઇ શકે. પંચમ શનિવાળા જાતકે કુટુંબના બધા સભ્યોને સાથે લઈને હવન કે યજ્ઞ કરાવવો જોઈએ જે તેની માટે લાભદાયી સિદ્ધ થશે.

શુક્ર પાંચમે હોતાં પત્નીનું સ્વાસ્થ્ય નરમ રહે છે. ૬૦થી ૬૨માં વર્ષ દરમિયાન પત્નીનું સ્વાસ્થ્ય જોખમાય છે. ૨૫થી ૨૭માં વર્ષ સુધીમાં લગ્ન કરે તો ફળતાં નથી, લગ્ન બાદ તરત તકલીફ આવી પડે છે. બની શકે તો ૨૫ પહેલાં કે ૨૭માં વર્ષ પછી લગ્ન કરવા જેથી ગ્રહદોષનું સમાધાન થઇ શકે. જન્મકુંડળીમાં શુક્ર પાંચમાં ભાવે હોય તેવા યોગમાં જાતક પ્રેમલગ્ન કરે તેના કરતા રીતરીવાજ મુજબ લગ્ન કરે તે તેના માટે સલાહભર્યું રહેશે. પાંચમે શુક્રવાળા જાતકો અચૂક રીતે પ્રેમમાં પડતાં અને પ્રેમ સંબંધોના લીધે જીવનમાં તકલીફો અનુભવતાં અમે જોયાં છે. પંચમ ભાવનો શુક્ર પ્રેમસંબંધોમાં અચૂક તકલીફ આપે છે, બીજી બાબતો માટે આ યોગ શુભ થઇ શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]