ફાઈનલ મેચ અને અંકશાસ્ત્રનું રહસ્ય

ણિત વગર દુનિયા ચાલી શકે તેમ નથી, ગણિત છે તો જ સંસારમાં એક વ્યવસ્થા બની રહે છે. અંક દરેક મનુષ્યના જીવનથી લઈને સમગ્ર સંસારમાં પોતાનો પ્રભાવ બતાવે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ અમે અનેક પ્રયોગ કરીને એ અનુભવ્યું છે કે અંકનું વિજ્ઞાન કાર્ય કરે છે અને તે ખુબ મોટું રહસ્ય પણ છે. જેમ કે, એક ક્ષ નામક વ્યક્તિના જીવનમાં 5 નો અંક ખુબ પ્રભાવી જણાયો છે, તેમની જન્મતારીખ 5  છે, તેઓ 5 નંબરના મકાનમાં રહે છે, તેઓએ નવું મકાન ખરીદ્યું ત્યારે 5 તારીખ હતી, તેઓ પહેલીવાર નોકરીએ લાગ્યા ત્યારે પણ 5 તારીખ હતી. તેઓના નામનો સરવાળો 5 છે, તેમના ઘણા મિત્રોના નામના સરવાળા 1 અને 5 છે. તેઓ ટ્રેઈન, ફ્લાઈટના નંબર પણ લખી રાખે છે, તેમાં મોટેભાગે 5 નો અંક જ આવતો હોય છે. 4 કે 8 નંબરના મકાન કે વાહન જલ્દી ફળતા નથી?

ઉપરનો કિસ્સો આશ્ચર્યજનક છે, આવા અનેક પ્રસંગ છે, જેમાં અંક જે તે વ્યક્તિના જીવનનું કેન્દ્રબિંદુ બન્યા હશે. ઉપર જણાવેલ કિસ્સામાં આ ભાઈ આસાનીથી કહી શકશે કે હવે પછી તેમના જીવનમાં મહત્વની ઘટના ક્યારે ઘટશે? જેમકે, તેઓ જો કોઈ મહત્વની મુલાકાત માટે રાહ જોઈ રહ્યા હોય તો શક્ય છે કે તે આવતા મહિનાની 5, 14, 23 તારીખે હોય? સાંજે 5 વાગ્યે હોય, શક્ય છે કે તે મુલાકાત પાંચમાં મહિનામાં ગોઠવાય? જયારે એકવાર તમને તમારા જીવનના મહત્વના અંક હાથ લાગી જાય છે ત્યારે તમે તે અંકોનો પોતાના જીવનમાં ઉન્નતિ માટે ઉપયોગ કરી જ શકો છો.

એક કંપનીમાં 3 અને 6 નો પ્રભાવ:

ગુજરાતની એક મોટી કંપનીમાં 3 અને 6 નંબર પ્રભાવી હતા, આ કંપનીના મોટાભાગના કાર્યકરો અને ઉચ્ચપદાધિકારીઓ 3 અને 6 નંબરથી પ્રભાવિત હતા. તેમના નામના સરવાળા 3 અથવા 6 મળતા હતા, કંપનીની મહત્વની તારીખો પણ 3 કે 6 જ રહેતી હતી. આતે કંપની માટે એક ચાવીરૂપ ઘટના કહી શકાય, શક્ય છે કે આ રહસ્યનો ઉપયોગ કરીને તેઓ અથવા કોઈ પણ વ્યક્તિ આ જ પદ્ધતિ વડે પોતાના જીવનનું રહસ્ય ઉજાગ્ર કરી શકે છે. અંકો પોતે એક માહિતી સ્વરૂપે જીવનમાં આવે છે, દરેક મનુષ્યના હાથની વાત છે કે તેનો કઈ રીતે ઉપયોગ કરવો છે. વિમાનનો ઉપયોગ કોઈને યાત્રા કરાવવા માટે થઇ શકે તો યુદ્ધમાં બોમ્બ ફેંકવા માટે પણ વિમાનનો ઉપયોગ થઇ શકે છે, મતલબ સાફ છે કે તમે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિ વડે પોતાના કાર્ય માટે કામે લગાવી શકો છો.

ફૂટબોલ મેચ અને 6 નો અંક:

અંકનું વિજ્ઞાન રહસ્યોથી ભરેલું છે, તે આસાનીથી નહિ પરંતુ ઊંડા વિશ્લેષણ દ્વારા જ હસ્તગત કરી શકાય છે. 15 જુલાઈ 2018ના દિવસે ફ્રાંસ અને ક્રોએશિયાની વચ્ચે ફૂટબોલ વર્ડકપની ફાઈનલ મેચ હતી. આ ગેમમાં ફ્રાંસ શરૂઆતથી નબળું પ્રદર્શન કરી રહ્યું હતું, પાસીંગ અને બોલ પઝેશન પણ ક્રોએશિયાના વધારે હતા, છતાં આ મેચ આખરે ફ્રાંસ જીતી ગયું. ફ્રાંસ સંપૂર્ણ રીતે 6થી પ્રભાવિત દેશ છે, જેમ કે તેના નામનો સરવાળો 6 થાય છે, તેના નામમાં 6 અક્ષર છે. જયારે ક્રોએશિયા 1થી પ્રભાવિત છે. આ મેચ 15-07-2018ના દિવસે રમાઈ, 1+5=6,આખી તારીખ 15-07-2018 નો સરવાળો કરીએ તો (6+7+11)24 એટલે કે 6 થાય છે. આ મેચમાં ટોટલ 6 ગોલ્સ થયા, ફ્રાન્સે ટોટલ 6 ગોલ્સ ઓન ટાર્ગેટ આપ્યા હતા. 6 નંબરનો ખેલાડી પોગ્બા, તેણે ખુબ સારું પ્રદર્શન કર્યું અને ગોલ કર્યો, 6 નંબરના ખેલાડીએ આશરે (59મિનીટ પૂરી થઇ ત્યારે)60મી મિનિટે ગોલ કર્યો. મેચની તારીખ ફ્રાંસના ફેવરમાં હતી જ. 6 ના અંકે ફરીવાર તેની કમાલ બતાવી અને ફ્રાંસના હાથમાં જીત આવી ગઈ. તમે અગાઉ જોયું તેમ તારીખ અને ફ્રાંસના નામનો સરવાળો બધું 6ના અંકની આસપાસ ફરી રહ્યું હતું, જયારે ક્રોએશિયા 1થી પ્રભાવિત છે જે સમય અને તારીખ સાથે મેળ પામતું નહોતું.

વિચારપુષ્પ: દરેક મનુષ્યની અંદર એક બીજો મનુષ્ય પણ હોય છે, જેને તમે જાણતા નથી.