વ્યવસાયમાં સફળતા મેળવવા જ્યોતિષના પ્રયોગો જાણો…

જ્યોતિષનું જ્ઞાનએ મનુષ્યના વ્યવહારમાં લગભગ બધે જ કામ આવે છે. તેનો મહત્વનો ઉપયોગ વ્યવસાયમાં પણ છે. જ્યોતિષના જ્ઞાન વડે તમે શુભ અને અશુભ અલગ કરીને વ્યવસાયમાં નિશ્ચિત પરિણામો મેળવી શકો છો. ભૂતકાળમાં જ્યોતિષીય સલાહની મદદથી અનેક વ્યાપારીઓએ સફળતા મેળવી હોવાના અનેક દાખલા તમને જોવા મળશે. વ્યવસાયમાં જ્યોતિષ ક્યાં ઉપયોગી થઇ શકે તે નીચે જણાવેલ છે, વાચકો તેમના વ્યવસાયમાં આ બધી બાબતોમાં જ્યોતિષીય સલાહ લઈને આગોતરું આયોજન કરીને સફળતા મેળવી શકે છે અને તકલીફનું નિવારણ પણ કરી શકે છે.જ્યોતિષનો ઉપયોગ ક્યાં થઇ શકે?

વ્યવસાયનું નામ તેના અક્ષરો, વ્યવસાયની જગ્યાનું વાસ્તુ, પ્રોડક્ટ લોન્ચ કરવાની તારીખો, વ્યવસાયમાં ભાગીદારી બાબતે ઉભા થતા પ્રશ્નો, દુકાનનો નંબર, વાહનનો નંબર, બેઠકની જગ્યાનું વાસ્તુ-દિશા, વ્યવસાયના સ્થળે મંદિરની દિશા, વ્યવસાયનું સાહિત્ય વગેરે અનેક ચીજો વ્યવસાયની સફળતાને ઓછે વત્તે અસર કરે છે. આ બધી બાબતોમાં જ્યોતિષનું માર્ગદર્શન અનેકગણું લાભદાયી સાબિત થઇ શકે છે.

ભાગીદારી:

વ્યવસાયમાં ભાગીદારી કરતા જાતકોના ધનભાવ સરખા બળવાન હોય તે જરૂરી છે. જો એક જાતકનો ધનભાવ બળવાન હોય અને બીજાનો નબળો તો આવા કિસ્સામાં એકના ભોગે બીજો કમાય અને ધંધામાં ધન પ્રવાહ એકસરખો ના રહે તેવું બની શકે. અર્થાત કમાનાર બંને ભાગીદારો વચ્ચે પૈસા બાબતે તકરાર થાવની પૂરી શક્યતાઓ છે. બંને કુંડળી સરખાવતા, એકસરખા બળવાન ધન ભાવ અને લાભ ભાવ, સફળ ભાગીદારીનું સુચન કરે છે. તેમની ચંદ્ર રાશિ અને સૂર્ય રાશિના માલિક ગ્રહો પરસ્પર મિત્રગ્રહો હોવા જરૂરી છે. બંનેની કુંડળીમાં સાતમાં સ્થાનમાં રહેલા ગ્રહો પરસ્પર દુશ્મન હશે તો તેમની ભાગીદારી પર પ્રશ્નાર્થ લાગી શકે છે. પૃથ્વી તત્વની રાશિના જાતકોને જળ તત્વની રાશિના જાતકો સાથે મનમેળ રહે છે. તે જ પ્રમાણે અગ્નિ તત્વની રાશિના જાતકો સાથે વાયુ તત્વની રાશિના જાતકોને મેળ સારો રહે છે.

વ્યવસાયનું નામ, દુકાનનો નંબર:

વ્યવસાયનું નામ ખુબ જ મહત્વનું હોય છે. અનેક સફળ બ્રાન્ડ્સ પાછળ તેમના નામના અક્ષર અને તર્ક ખુબ જ કામ કરે છે. વ્યવસાયના માલિકની કુંડળીનો શુભ ગ્રહ તેનો અંક અને તેમના નામના અક્ષરો થકી મળતો શુભ અંક, આ બંને અંકો તેમના વ્યવસાયના નામ સાથે મેળ ખાતા હોવા જોઈએ. ઉદાહરણ તરીકે ૯નો અંક મંગળ શાસિત છે, જો કોઈ વ્યવસાયના માલિકની કુંડળીમાં કે નામના અક્ષરોનો સરવાળો ૯ થતો હોય તો તેમની માટે ૯નો અંક મહત્વનો ગણાય. હવે આજ વ્યક્તિના વ્યવસાયની પેઢીના નામના અક્ષરોનો સરવાળો, જો ૫ થતો હોય તો તેમની માટે આ પેઢીનું નામ શુભ સાબિત ના થાય તેવું બની શકે. કારણ કે, ૫નો અંક બુધ ગ્રહ શાસિત છે, બુધ અને મંગળ દુશ્મન ગ્રહો છે. તમારી કુંડળીમાં જો શનિ શુભ હોય અને તમે ૧ નંબરની દુકાનના માલિક હોવ તો શક્ય છે કે આ ૧ નંબરની દુકાન તમારી માટે શુભ સાબિત ના પણ થાય, કારણ કે ૧નો અંક સૂર્ય શાસિત છે, સૂર્ય અને શનિ દુશ્મન ગ્રહો છે. શનિ બળવાન હોય તેવા જાતકને ૮ નંબરની દુકાન કિસ્મત ખોલી આપે તેની પ્રબળ શક્યતાઓ છે.વ્યવસાયનું સાહિત્ય:

વ્યવસાયનું નામ, સરનામાંના કાર્ડ, ઓર્ડર માટેના લેટર હેડ વગેરે સાહિત્યનું આયોજન પણ ગ્રહોના રંગ મુજબ કરી શકાય. ઉદાહરણ તરીકે, ઘરેણા કે ડાયમંડના વ્યવસાયમાં શુક્રના રંગ, લક્ષ્મીજીની છબીનો ઉપયોગ તમને ખુબ શુકનિયાળ સાબિત થઇ શકે. શુક્ર આધારિત વ્યવસાયો જેવા કે કપડા, અત્તર, ઘરેણા વગેરેમાં શુક્ર ગ્રહ શાસિત રંગ અને આકારોનો ઉપયોગ કરવો જોઈએ, અહી તેના દુશ્મન ગ્રહો જેવા કે ગુરુ અને સૂર્યના રંગ કે આકારનો ઉપયોગ ગ્રહનું બળ મેળવી શકતો નથી. કારણ કે, વ્યવસાય શુક્ર શાસિત છે, તેમાં શુક્રના દુશ્મન ગ્રહોના રંગ વગેરેનો પ્રયોગ જલ્દી ફળી શકે નહિ.વ્યવસાયની જગ્યાએ બેઠક, મંદિર અને સ્થાન શુદ્ધિ:

ઘણીવાર નવી દુકાનમાં વ્યવસાય શરુ કરવામાં આવે છે, પરંતુ વ્યવસાય શરુ કરવા સમયે મુહુર્ત સારું હોવા છતાં ફળતો નથી. જ્યોતિષની દ્રષ્ટિએ તેના ઘણા કારણો હોઈ શકે, પરંતુ સમયાંતરે વ્યવસાયની જગ્યાની સ્થાનશુદ્ધિ કરાવતા રહેવાથી આ પ્રકારના દોષ નિવારી શકાય છે. સમયાંતરે ગણેશજી- લક્ષ્મીજીનો હોમ-હવન શ્રદ્ધાપૂર્વક કરાવવાથી વ્યવસાયનું સ્થળ નજર દોષ કે અપવિત્ર વસ્તુથી પીડાતું હોય તો તેનું નિવારણ થઇ શકે છે.વ્યવસાયની જગ્યાએ યંત્ર સ્થાપન અને ચીજવસ્તુના ભાવમાં વધઘટ:

વ્યવસાયના સ્થળે લક્ષ્મીજી, ગણેશજી, પંદરીયો યંત્ર વગેરેને અભિમંત્રિત કરીને આવા સિદ્ધ થયેલા યંત્રને સારા મુહુર્તમાં સ્થાપી શકાય. દરરોજ યંત્રને, મંત્ર અને સુગંધ વડે બળ આપતા રહેવું જોઈએ. આ રીતે સ્થાપના કરેલ યંત્રના પ્રભાવથી તમે વ્યવસાયમાં નવી ઊર્જાનો સંચાર અને આર્થિક સમૃદ્ધિ પણ મેળવી શકો છો. વ્યવસાયમાં કઈ ચીજના ભાવ ક્યારે વધશે કે ક્યારે ઘટશે તેનો અંદાજ સર્વતોભદ્રચક્રની મદદથી મેળવી શકાય છે. તે જ પ્રમાણે દરેક માસમાં પંચક હોય છે, પંચક શરુ થાય ત્યારે ચીજ વસ્તુના ભાવ નોંધી લેવા અને પંચક પૂર્ણ થાય ત્યારે તેના ભાવ નોંધવા, ભાવનો આ ફેરફાર લગભગ આવનારા માસમાં થનાર વધઘટની બરાબર જ હશે. પંચકના સમયે થતા ફેરફારથી આવનાર માસમાં મહત્તમ અને ન્યુનતમ ભાવોનો એક અંદાજ બાંધી શકાય છે.