કુંભરાશિ વિશેષ: આત્મખોજ અને સ્વતંત્રતાની ચાહક રાશિ

જ્યોતિષનો આધાર ગ્રહો, રાશિઓ અને બારસ્થાનોના આંતરસંબંધ પર રહેલો છે. મનુષ્યની ઓળખ અને અસ્તિત્વ તેના શરીરથી છે, આ શરીરની અંદર તેનો રાજા આત્મા રહે છે. આ આત્મા એને જ પ્રાણ કહીએ તો શરીર પ્રાણથી વ્યાપ્ત છે. પરંતુ આત્મા અને શરીરથી પણ બળવાન મનુષ્યનું મન છે. મન યેન કેન પ્રકારે કળા કરતું રહે છે, મનમાં વિચારોનો પ્રવાહ અવિરત ચાલ્યા કરે છે. માનસિક આવેગના લીધે ઘણીવાર મનુષ્ય વેર બાંધે છે તો ઘણીવાર ના કરવાનું પણ કરી બેસે છે. તેને મનનું બળ ના કહીએ તો બીજું શું કહીએ? આ કારણોથી જ આપણા આદ્ય આચાર્યો અને ઋષિમુનીઓએ ચંદ્રને સૌથી વધુ અસરકર્તા ગણ્યો છે. બીજા અર્થમાં જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિના ગુણ-દોષ મનુષ્યમાં અચૂક જોવા મળે છે. આજે આપણે કુંભ ચંદ્ર રાશિ વિષે જોઈશું.

કુંભ રાશિ સ્થિર અને વાયુ તત્વની રાશિ છે. કુંભ રાશિ વાયુ તત્વની હોઈ તેનામાં વિચારવાની અને તર્કને બેસાડવાની અદભુત આવડત છે. કુંભ રાશિના માણસો મોટેભાગે સ્વતંત્ર મિજાજથી કાર્ય કરે છે. તેમનામાં તકલીફોને ધીરજપૂર્વક લડવાની સુંદર કાબેલિયત હોય છે. સ્થિર રાશિ હોઈ આ રાશિના જાતકોના અભિગમમાં જલ્દી પરિવર્તન આવતું નથી. તેઓ એકવાર જે કાર્ય શીખે છે તેને તેઓ આત્મસાત કરી લેવાની આવડત ધરાવે છે. કુંભ રાશિની વ્યક્તિઓએ સંજોગ અનુસાર પોતાને ઢાળવું જોઈએ, તેઓ ઘણીવાર કઠોર બને છે તો ઘણીવાર તેઓ પોતાને અવ્યક્ત પણ રાખે છે, આ તેમના નકારાત્મક પાસા કહી શકાય.કુંભ રાશિમાં મેં અનેક વિદ્વાન અને અનુભવી માણસો જોયા છે. કુંભ રાશિના અક્ષર ગ, શ અને સ તો જાણે સફળતાનો પર્યાય બની ગયા હોય તેવું અનુભવ્યું છે. કુંભ રાશિના પ્રતીકાત્મક ચિત્રમાં કુંભ એટલે ઘડો દર્શાવાયો છે, આ ઘડા સાથેનો મનુષ્ય સુચન કરે છે કે કુંભ રાશિના જાતક પાસે બીજાને આપવા માટે કશુક ચોક્કસ હોય છે પછી તે જ્ઞાન, ધન કે અનુભવ પણ હોઈ શકે.

ચંદ્ર રાશિ કુંભ હોય તો કુંભ ચંદ્રલગ્ન મુજબ નીચેના યોગ બને છે. આદ્ય આચાર્યોએ જન્મલગ્ન સાથે ચંદ્રલગ્નને પણ ખુબ મહત્વ આપ્યું છે. ચંદ્રલગ્ન પણ જન્મલગ્નની જેમ જ જોઈ શકાય. ગોચરના ગ્રહો પણ ચંદ્રલગ્નના આધારે જોવાય છે. જન્મલગ્ન કુંભ હોય તેમને પણ આજ યોગો લાગુ પડે છે. જન્મલગ્ન અને ચંદ્રલગ્ન કુંભ હોય તેમણે નીચેના યોગો વાંચવા.

કુંભ રાશિના જાતકો માટે શનિ શુભ ગ્રહ છે. શનિવાર અને મોટા વ્યવસાય તેમને ફળે છે. આધુનિક જ્યોતિષીઓએ કુંભ રાશિનો સ્વામી યુરેનસ ગણ્યો છે. યુરેનસ અગાઉ જણાવ્યું તેમ, યુરેનસ સ્વતંત્રતા નો ચાહક અને નવા વિચારો જે આમૂલ પરિવર્તન લાવી શકે તેને દર્શાવે છે. સ્વાભાવિક છે કે કુંભ રાશિના જાતકોમાં ઉત્તમ મનોબળ, બુદ્ધિ અને બદલાવ પ્રેરક વિચારોનો સમન્વય જોવા મળે જ.

ધન ભાવ અને લાભ ભાવ બંને ગુરુ શાષિત હોઈ, આ રાશિના જાતકોને આર્થિક ઉન્નતિ ખુબ વહેલી થાય છે. તેઓ જલ્દી આવક રળતા થાય છે, આશરે ૨૧ વર્ષની ઉમરે તેઓ આર્થિક રીતે પગભર થવા લાગે છે. તેમને જીવન દરમ્યાન આર્થિક બચત પર વધુ ભાર મુકવો જોઈએ. બંને કીમતી ચીજો- સોનું અને જ્ઞાન તેમની પાસે હોય છે.મકાન અને વાહનનું સુખ જોઈએ તો કુંભ રાશિના જાતકો આ બંને બાબતમાં નસીબદાર હોય છે. મકાન અને વાહનના ભાવનો સ્વામી શુક્ર શુભ ગ્રહ હોઈ, તેમને મકાન અને વાહનનું સુખ ૨૫માં વર્ષે મળી શકે. પરાક્રમ અને ભાઈ-બહેનના ભાવનો સ્વામી મંગળ થાય છે. તેમને ભાઈ બહેન સાથે સંબંધ જાળવવામાં વધુ પ્રયત્ન કરવો પડે છે. મોટેભાગે તેઓ ૨૮માં વર્ષની આસપાસ પોતાના ભાઈ કે બહેનથી દુર જતા હોય છે, અથવા સંબંધોમાં ઉતાર ચઢાવ આવે છે.

સંતાન બાબતે તેઓનું વલણ સ્પષ્ટ હોય છે, સંતાન ભાવનો સ્વામી બુધ હોઈ તેઓ પોતાના સંતાનોને પુરેપુરી આઝાદી આપવામાં માનતા હોય છે. લગ્ન પછી થોડા અંતરાલ પછી સંતાનપ્રાપ્તિ થાય છે, પહેલું સંતાન મોડેથી આવે છે. મારા મતે લગ બાદ સંતાન બાબતે આ રાશિના જાતકોએ થોડી ઉતાવળ કરવી તેમને લાભપ્રદ રહેશે.

ચંદ્ર રોગ અને શત્રુ ભાવનો સ્વામી હોઈ, કુંભ લગ્નના જાતકો અવારનવાર બીમારી અનુભવે છે, પરંતુ આ નાની બીમારી તેમને થોડો બોધપાઠ આપી અને રવાના થઇ જાય છે. તેમને ઋતુ અનુસાર નાની બીમારીઓ વધુ સતાવે છે. મોટી ઉમરે પેશાબ, કફ અને અનિદ્રા તેમને સતાવે છે. કુંભ લગ્નના જાતકોને પાણી અને ખોરાક બંને નિયમિત હોવા જોઈએ. ચંદ્ર શત્રુ ભાવનો સ્વામી હોઈ, સ્ત્રીવર્ગ સાથે હમેશા સમાધાનકારી અને આનંદપૂર્ણ વ્યવહાર રાખવો.

સપ્તમ ભાવ લગ્નજીવનનો ભાવ છે. અહી સૂર્ય આ ભાવનો સ્વામી છે. કુંભ રાશિના જાતકોને મોટેભાગે ઉર્જાથી ભરપુર અને જીવનને એક ઓળખ સાથે જીવનાર જીવનસાથી મળે છે. કુંભ રાશિના જાતકે લગ્ન જીવનને વધુ સફળ બનાવવું હોય તો જીવનસાથીના અભિપ્રાયને હમેશા પોતાની નજર સામે રાખવો જોઈએ. સૂર્ય અને શનિ દુશ્મન ગ્રહો હોઈ, અન્ય વિપરીત ગ્રહોના યોગે લગ્નજીવનમાં તકલીફ સર્જાતા વાર નથી લાગતી, માટે કુંભ રાશિના જાતકોને લગ્નજીવન દરમ્યાન અનેક અનુભવો થાય છે, અલબત તે તેમને વધુ કાબેલ અને જવાબદાર વ્યક્તિ પણ બનાવે છે.

કુંભ રાશિના જાતકોને કારકિર્દીમાં પ્રગતિ ખુબ ઝડપી અને અણધારી કહી શકાય. જો તેમને તક મળે તો તેઓ તેને સુંદર રીતે ઉપયોગ કરી જાણે છે. કારકિર્દીમાં તેઓ અવ્વલ રહે છે પરંતુ તેમને આલોચક અને સમીક્ષક ડગલેને પગલે સતાવતા હોય છે, તેનું મૂળ કારણ કુંભ રાશિનો સ્વતંત્ર સ્વભાવ કહી શકાય. તેઓ કોઈની નીચે કાર્ય કરવા માટે સર્જાયા નથી, બલકે તેઓ પોતે નવું સર્જન કરવા સર્જાયા છે તેવો મારો અનુભવ છે. શુક્ર ભાગ્યેશ હોઈ, કારકિર્દી અને સામાજિક જીવનમાં ૨૬માં વર્ષે ભાગ્યોદય થાય છે. નાની ઉમરે મળતા મિત્રો મોટેભાગે સુખી ઘરના હોઈ શકે. કુંભ રાશિના જાતકો જ્ઞાની અને બુદ્ધિશાળી વર્ગ તરફ મિત્રતા માટે વધુ આકર્ષણ રહે છે, તેનું કારણ લાભ કે સામાજિક જીવનનું સુચન કરતા ભાવનો સ્વામી ગુરુ છે.

શુભ ગ્રહો: શુક્ર, શનિ: આ બંને ગ્રહોના વાર અને જણસ તેમને ફળે છે.

અશુભ ગ્રહો: ચંદ્ર, ગુરુ(મધ્યમ અશુભ); બાકીના ગ્રહો સમ કે સામાન્ય શુભાશુભ કહી શકાય.

શુભ રાશિઓ: મિથુન અને તુલા તેમની પ્રકૃતિની હોઈ તેમની જોડે તેઓ તુરંત હળે-મળે છે. મેષ, સિંહ અને ધન રાશિઓ સાથે તેઓ અજબ યુગ્મ બનાવે છે. તેમની આ રાશિઓ સાથે જોડી અગ્નિ તત્વ અને વાયુ તત્વનો મેળાપ છે જે બંને એકબીજાના પોષક છે અને માટે જ લાભદાયી-સફળ પણ કહી શકાય.

બાકીની રાશિઓ સામાન્ય શુભ ગણી શકાય: વૃષભ, કન્યા, વૃશ્ચિક અને કર્ક સાથે તેઓ મધ્યમ શુભ બને છે. મધ્યમ તાલમેલ જોવા મળે છે. જયારે મકર અને મીન જોડે સ્વાભાવિક બીજે બારમે થતા મતભેદ અને ક્યારેક મનભેદ વ્યક્ત થાય છે. કર્ક અને કન્યા રાશિઓ સાથે આ રાશિના જાતકોને હમેશા કઈ નવું જાણવાનો અવસર મળશે, તેનું કારણ કર્ક અને કન્યા બંને કુંભ રાશિ સાથે છઠે અને આઠમે હોઈ તેમની વચ્ચે આદાન-પ્રદાન જલ્દી શક્ય નથી.