અચાનક મૃત્યુના કારણોમાં આ દિશાનો પ્રભાવ વિચારાયો છે

ચાનક મૃત્યુના કારણોનો વિચાર કરીએ તો હૃદયની તકલીફ, નસ ફાટી જવી, અકસ્માત , હુમલો, જેવી બાબતો નજર સામે આવે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. પણ અચાનક એક્ઝિટ લેવાનું કોઈને ન ગમે. કેટલીક વ્યક્તિઓ આસપાસ હોય, ગમતું વાતાવરણ હોય અને છેલ્લે જે કંઈ કહેવું હોય તેની તક પણ હોય, તો જવાનું પણ ગમે. હાર્ટ ફેઈલ થવા પાછળના વાસ્તુના નિયમો આપણે અગાઉ જોયાં. ખાસ કરીને ઈશાનની નકારાત્મકતા હૃદયને તકલીફ આપે, તેમાં પૂર્વની પણ નકારાત્મકતા ભળે તો તકલીફ વધે. અને નૈઋત્ય પણ નકારાત્મક હોય તો અચાનક હૃદય બંધ પડી જાય. જો અગ્નિનો પણ દોષ હોય તો યા તો આવી સમસ્યા સ્ત્રીને આવી શકે યા સ્ત્રી થકી આવી શકે.  અગ્નિ પૂર્વની નકારાત્મકતાથી સ્ત્રીપુરુષ બંનેને આવી શકે છે. જો વાયવ્યની પણ નકારાત્મકતા ભળે તો પેટની અંદર આવેલા અવયવોની તકલીફના પરિણામ સ્વરૂપ હૃદયને તકલીફ પડી શકે. અને જો બ્રહ્મ અને ઉત્તરની સમસ્યા ધ્યાનમાં લેવામાં આવે તો માનસિક તણાવ અને ડિપ્રેસનના લીધે આવી સમસ્યા આવી શકે છે. આવા સંજોગોમાં માણસને આત્મહત્યાના પણ વિચારો આવે એવું બની શકે.

કોઈ પણ શારીરિક તકલીફનું મૂળ તો આપણું મન જ  છે. જો હૃદયનો વાલ્વ ખરાબ થવાની સમસ્યા હોય કે નળીઓમાં બ્લોકેજની સમસ્યા હોય તો ઈશાનની નકારાત્મકતા તો હોઈ જ શકે પણ હૃદયની વિવિધ તકલીફોમાં અન્ય નકારાત્મકતાનો વિચાર કરી શકાય. મારા લખાણોમાં મેં અનેકવાર જણાવ્યું છે તે મુજબ, કોઈ પણ એક જગ્યાની નકારાત્મકતાથી ખૂબ મોટી સમસ્યાઓ આવતી નથી અને કોઈ પણ એક દિશાનું નિરાકરણ શોધવાથી બધીજ સમસ્યાઓનું નિવારણ આવે તેવું ન બને. જેમ તાવ આવતો હોય તો દરેક વખતે એક જ દવા કામ નથી કરતી તેમ. જો સાચું કારણ મળે તો નિરાકરણ પણ યોગ્ય રીતે કરી શકાય.

જો ઈશાનની ઉર્જા સારી હોય તો વ્યક્તિ નાનામોટા આઘાતને જીરવી જાય છે. તેને દુનિયાદારીની કોઈ ખાસ મોટી અસર થતી નથી. મૂળભૂત માફ કરી દેવાના સ્વભાવના લીધે તેના હૃદયને બહુ તકલીફ પડતી નથી. પણ જો ઈશાનની ઉર્જા બરાબર ન હોય તો તે ઘણી બધી વાતોને મનમાં ભરી રાખે છે. તેમ પણ જો અગ્નિની નકારાત્મકતા ભળે તો તે બદલો લેવા પણ વિચારે. આના કારણે તેનું સંપૂર્ણ ધ્યાન એવા કાર્યમાં હોય જેને નકારાત્મક ગણી શકાય. મગજ સતત વિચારતું હોવાથી તણાવ વધે છે અને હૃદયની સમસ્યાનું એક કારણ માનસિક તણાવ પણ છે જ. જો પૂર્વ અને અગ્નિનો દોષ હોય તો વ્યક્તિને પોતાના માટે અન્ય તરફથી અપેક્ષાઓ પણ ઘણી હોય છે. અને તે પુરી ન થવાના લીધે તણાવ ઉદભવે છે. માણસ સ્વકેન્દ્રિત હોય ત્યારે તેને માનસન્માન ને લગતી તકલીફો વધારે પરેશાન કરતી હોય છે. આની સામે જો આ બંને દિશાની ઊર્જા સારી હોય તો તે સર્વને સ્વીકારવા લાગે છે.

ભ્રમણા:

પિતૃદોષની વિધિ કર્યા વિના પિતૃ શાંત થતાં નથી.

સત્ય:

પિતૃના આત્માની શાંતિ માટે તેમને ગમતું કરવું જરૂરી છે. તેમને યાદ કરીને સારા કામ કરીએ તો પણ તેમની આત્માને ગમે. પિતૃ રંજાડે તે વાત સમજાય તેવી નથી.