ગ્રહોના સરળ ઉપાયોની અજબ દુનિયા…

ગ્રહોની દુનિયા અજીબ છે, ભાગ્ય જાણવું અતિશય કપરું કાર્ય છે. જો જ્યોતિષી બધું જાણી લે તો એ વિધાતાની સમકક્ષ થઇ જાય? માટે સંપૂર્ણ જાણવું પણ શક્ય નથી. જ્યોતિષી માત્ર પોતાના જ્ઞાન અને અનુભવને આધારે જાતકને સાચો રસ્તો બતાવે છે. ભાગ્યતો બંધ મુઠ્ઠીમાં અજાણ્યું જ રહે છે. જ્યોતિષીઓમાં એક કહેવત છે, કે જ્યાં કોઈ ઉપાય કે ફળકથન કામ નથી કરતા ત્યાં લાલ કિતાબ કામ કરે છે. લાલ કિતાબ એટલે કે અરુણ સંહિતા,જ્યોતિષનો રહસ્યમય ગ્રંથ છે. કેટલાકને મતે રાવણએ લાલ કિતાબનો ઉપયોગ કર્યો હતો. રાવણના સમય બાદ લુપ્ત થયેલ લાલ કિતાબ ફરીથી પૂર્વ એશિયામાંથી સામાન્ય જનોને પ્રાપ્ત થઇ છે. લાલ કિતાબના કેટલાય ટુચકા જાણે-અજાણે આપણા જીવનમાં વણાઈ ગયા છે, જેમ કે સફેદ પાઘડી પહેરવી. લાલ કિતાબ મુજબ મસ્તકએ રાહુનું પ્રતિક છે, સફેદ પાઘડી પહેરવાથી માથાનો ભાગ સૂર્ય સામે ખુલ્લો રહેતો નથી, આમ રાહુનું સૂર્ય સાથે કનેક્શન તૂટે છે અને વ્યક્તિના જીવનમાં સૂર્ય સાનુકુળ બને છે. વાત મામૂલી લાગે છે પરંતુ લાલ કિતાબના કેટલાય ટુચકા અને આપણા રીત રીવાજો એકબીજામાં વણાઈ ગયા છે.

ઘણીવાર જીવનમાં ગ્રહોના ઉપાયો કારગર થતાં નથી. મોંઘા જપ-તપ કે યજ્ઞો પછી પણ ફળ મળતું નથી તેવું બને છે. પરંતુ લાલ કિતાબ આ બધાની સામે બિલકુલ સરળ અને નજીવા ખર્ચ સાથેના ઉપાય સૂચવે છે. તમારે માત્ર તમારો નિત્યક્રમ (૪૦ કે ૪૩ દિવસ) જાળવવાનો છે અને શ્રદ્ધા પૂર્વક આ ઉપાય કરવાના છે. મોટેભાગે લોકો નિત્યક્રમ જાળવી શકતા નથી અને પરિણામે તેમને ઉપાયનો લાભ પણ થતો નથી. છેલ્લે તેઓની શ્રદ્ધા ડગી જાય છે. માટે કોઈ પણ ઉપાયમાં નિત્યક્રમ જળવાવો ખુબ જરૂરી છે તે ધ્યાનમાં લેશો.

આજના ભાગદોડના જમાનામાં સહેલો અને વ્યવહારુ ઉપાય જ કારગર રહેશે. જેમ કે, સૂર્યનું ખુબ ખરાબ ફળ મળી રહ્યું હોય તો સૂર્યની ચીજો જેમકે, ઘઉં અને ગોળને વહેતા પાણીમાં વહાવવાથી સૂર્યની તકલીફોમાંથી રાહત મળે છે. આપણે સૂર્યની ચીજોને પાણીમાં વહાવવાની છે, તમે માત્ર પ્રતિક રૂપે થોડીમાત્રામાં ચીજો લઈને પણ આ ઉપાય કરી જ શકો છો. રાહુ જનિત તકલીફોમાંથી રાહત માટે જવ કે કોલસાને પાણીમાં વહાવી શકાય. તમે પોતાના કાર્યક્ષેત્રે જતા પહેલા નિત્યક્રમે આ ઉપાય કરી શકો છો, તેમ છતાં રાહુ માટે શ્રેષ્ઠ સમય સાંજેસૂર્ય આથમે તે સમયે છે.

કુંડળીમાં જો કેતુની સમસ્યા ખુબ વધુ હોય અથવા કેતુ જનિત બીમારીઓ જેમ કે મૂત્ર અને કીડની સંસ્થાનના રોગથી મુક્તિ માટેશ્વાનને રોજ ખોરાક નાખવો અને મંદિરમાં તલનું દાન કરવું ઉપાય છે. નબળા ચંદ્ર માટે રાતે માથાના ભાગે પલંગ નીચે પાણીનો લોટો ભરી રાખવો અને આ પાણીને સવારે વડ કે બાવળમાં નાખી દેવું. મંગળ જયારે નુકસાન આપતો હોય ત્યારે રેવડીનું દાન કે રેવડીને પાણીમાં વહેતી કરવી જોઈએ.પાણીમાં પતાસા પણ વહેતા કરવાથી મંગળની તકલીફ દુર થાય છે. આપને ત્યાં લગ્ન પછી પણ પતાસા વહેંચવામાં આવે છે, કદાચઆ પણ લગ્ન બાદ મંગળને શુભ કરવાનો એક ઉપાય હોઈ શકે?

બુધનો શુભ પ્રભાવ કરવા માટે મગની દાળનું દાન અથવા તાંબાનો કાણો સિક્કો પાણીમાં વહેતો કરવો. લાલ કિતાબ અનુસાર ગુરુ મહારાજ કુંડળીના બીજા ભાવના રાજા છે, તેમનું સ્થાન જાતકની બે આંખો ઉપર ભ્રમરોની વચ્ચે છે. અહી, ગુરુની ચીજો જેવીકે કેસર કે હળદરનું તિલક કરવાથી ગુરુ જનિત બાબતોમાં શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે. ઘરમાં લક્ષ્મી અને વિવાહને લગતા પ્રશ્નોમાં શુક્રનો પ્રભાવ હોય છે, કાળી ગાયને રોજ ખોરાક આપવાથી શુક્રની શુભ અસરો પ્રાપ્ત થાય છે. ધંધા વ્યવસાયમાં મંદી કે નોકરીમાં અવરોધથી બચવા માટે સરસિયાનું તેલ કે અન્ય કોઈ પણ તેલની અંદર પોતાની છાયા જોઇને શનિવારે તે તેલનું દાન કરવું જોઈએ. અગાઉ જણાવ્યું તેમ દાન કે ઉપાય પ્રતિકાત્મક સ્વરૂપે પણ કરી શકાય છે.