જ્યોતિષમાં લગ્નમેળાપક એ મનોવૈજ્ઞાનિક મેળાપક પણ છે!

નુષ્યના જીવનના ત્રણ મહત્વના પડાવ છે, જન્મ, લગ્ન અને મૃત્યુ। જન્મ અને મૃત્યુ મનુષ્યના હાથમાં નથી, તો લગ્ન જીવનનું સુખદુઃખ પણ મનુષ્યના હાથમાં નથી. લગ્ન કરવા એ મનુષ્યની ઈચ્છા પર નભે છે, પરંતુ લગ્નજીવન સુખી થશે કે દુઃખી એ સમય જ કહી શકે છે. જ્યોતિષની મદદથી જો બે પાત્રોના લગ્નજીવન બાબતે દ્રષ્ટિ કરીએ તો ઘણીવાર મોટી તકલીફ નિવારી શકાય છે.

જ્યોતિષ દ્વારા જયારે બે પાત્રોના લગ્નમેળાપક બાબતે વિચાર કરવામાં આવે છે ત્યારે તે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ સાચું પડે છે. શારીરિક અને માનસિક જરૂરિયાત અને મનના રસના વિષયોને પણ લગ્નમેળાપકમાં વણી લેવામાં આવ્યાં છે. કન્યા અને પુરુષ વચ્ચે એકબીજાની ઈચ્છાઓનું સમ્માન કરવું જરૂરી છે. તે બાબતને ધ્યાનમાં લઈને, બંને પાત્રોની રાશિઓના વર્ણનું મિલન કરવામાં આવે છે.

રાશિઓના વર્ણ પાત્રોના બૌદ્ધિક સ્તર અને અભિગમ વિષે કહે છે. જો એક પાત્રમાં બૌદ્ધિક સ્તર ખૂબ ઉપર અને બીજા પાત્રનું ખૂબ નીચે હોય તો લગ્નજીવનમાં તકલીફ સર્જાઈ શકે છે. બંને પાત્રો એકબીજાને કેટલું સ્વીકારી શકે છે અથવા એકબીજાની ઈચ્છાઓને કેટલી હદ સુધી સાચવી શકે છે, તેને જાણવા માટે વશ્ય ગુણાંકનો વિચાર થાય છે. રાશિઓમાં  ચતુષ્પદ, કીટક, માનવ, જળચર અને વનચર વગેરે અલગ અલગ ગુણધર્મ છે, જો વશ્યના ગુણાંક થાય તો વર અને કન્યા એકબીજાને સમજીને અંગત જીવન ઉત્તમ બનાવે છે.

જયારે બંને પાત્રો લગ્ન કરીને એક  સુખેથી રહે છે, ત્યારે તેઓનું જીવન ચિરકાળ સુધી સુખમય રહે તે પણ જરૂરી છે. મનુષ્યના જીવનના સુખદુઃખ તેની જન્મકુંડળીમાં ચાલતી દશાઓ દ્વારા જાણી શકાય છે. વિચાર કરો કે એક પાત્રને રાહુની દશા ચાલે ત્યારે જો  બીજા પાત્રને શનિની દશા ચાલતી હોય તો બંનેના જીવનમાં આવનારી તકલીફો ખૂબ મોટી માત્રામાં હોય છે. મનુષ્યના જન્મતારાથી 3,5,7માં નક્ષત્રના માલિકની દશાઓ શુભ નથી ગણાતી। આ ગણતરીને ધ્યાનમાં લઈને વર-કન્યાના મેળાપક વખતે તારાગુણ મેળવવામાં આવે છે. તારાગુણ દ્વારા તેમના ભવિષ્યના જીવનને પણ દશાઓ સાથે મેળવવામાં આવે છે. તારાગુણ ઉત્તમ તો લગ્નનું ભવિષ્ય ઉત્તમ।  

આધુનિક જીવનમાં ભૌતિક અને શારીરિક સુખોની કલ્પના ખૂબ પ્રબળ છે, બહુધા મનુષ્ય જો કન્યા સ્વરૂપવાન હોય તો જલદી પસંદ ઉતારે છે. લગ્નજીવનનો પ્રથમ ભાગ શારીરિક, બીજો ભાગ માનસિક અને અંતિમ ભાગ આત્મિક હોય છે. જો લગ્નજીવનની શરૂઆતે બંને પાત્રોના દૈહિક અભિગમ એકબીજાને મળતાં હોય તો લગ્નજીવન સફળ બને છે, સંતાન પ્રાપ્તિ પણ જલદી થાય છે. આ બાબતને ધ્યાનમાં લઈને યોનિ ગુણાંક મેળવવામાં આવે છે. 28 નક્ષત્રોમાં અલગ અલગ 14 યોનિઓની કલ્પના કરીને જાતકના જાતીય જીવનના અભિગમ પર વિચાર કરાય છે. યોનિગુણ મળવા ખૂબ અગત્ય ધરાવે છે.

શ્રેષ્ઠ વિજાતીય મિત્રો આગળ જઈને લગ્નજીવનમાં પગલાં પાડે છે, ગ્રહોની બાબતે પણ તે અગત્યનું છે. પ્રભુતામાં પગલાં કરનાર બે પાત્રો એકબીજાના મિત્રો બનવા જોઈએ। તેમનો મૂળ સ્વભાવ એકબીજા સાથે ઉત્સાહથી જીવવાનો હોવો જોઈએ। એક પાત્રની રાશિનો સ્વામી બીજા પાત્રની રાશિના સ્વામીનો મિત્ર હોવો જોઈએ। દેવ, મનુષ્ય, રાક્ષસ એમ ત્રણ ગણ દ્વારા લગ્ન કરનાર બંને પાત્રોના સત્વ, રજસ અને તમસ ગુણોનું પણ મિલન કરવામાં આવે છે.

ભૃકુટમેળાપક દ્વારા બંને પાત્રોની એકબીજા સાથે લેણદેણનો વિચાર કરી શકાય છે. જેમ કે મેષ અને કર્ક રાશિઓ એકબીજા માટે સુખ અને કારકિર્દી બાબતે સહાયક છે. ભૃકુટ મેળાપક શુભ હોય તો બંને પાત્રો એકબીજાને પૂરક બનીને એકબીજાના જીવનમાં ખુશીનું નિમિત્ત બને છે. બંનેને એકબીજાથી લાભ થાય છે. મેળાપકમાં આઠમો ભાગ છે, નાડી મેળ. મનુષ્યને ત્રણ પ્રકારની નાડી હોય છે, વાયુ, પિત્ત અને કફ. નક્ષત્ર મુજબ મનુષ્યમાં કોઈ એક નાડીની અધિકતા જોવા મળે છે, પિત્ત પ્રકૃતિના પાત્રને પિત્ત પ્રકૃતિવાળા બીજા પાત્ર સાથે જો લગ્ન કરાવવામાં આવે તો આવનાર સંતાનમાં પિત્તપ્રકૃતિનું આધિક્ય થઈને શારીરિક અને માનસિક અસંતુલન થવાની શક્યતાઓ રહે છે. સંતાન રોગી જન્મી શકે છે. માટે બંને પાત્રોની નાડી અલગ હોવી જોઈએ। સરખી નાડી ધરાવતા પાત્રોના લગ્ન બાદ સંતાન પ્રાપ્તિમાં અને સંતાન હોય તો તેની તબિયતમાં તકલીફ આવી શકે છે. માટે નાડીનો મેળાપક આવશ્યક છે.