રહસ્ય પક્ષીશાસ્ત્રનું: આમાં છે કાર્ય સફળતાના રહસ્યો

જે એક રહસ્યભર્યા શાસ્ત્રની વાત કરવાની છે, જો કોઈ મનુષ્યને ખબર પડી જાય કે ‘કયું કાર્ય ક્યારે કરવું?’ અને એ કાર્ય કરવાનો દોષરહિત સમય મળી જાય તો બેડો પાર થઇ જાય. આજે આપણે એવા જ એક રહસ્યભર્યા અને લોક ઉપયોગી શાસ્ત્રની વાત કરીશું. આપણે જાણીએ છીએ કે ભારતીય જ્યોતિષમાં ચંદ્રનું સૌથી વધુ મહત્વ છે, જેમ કે જન્મના ચંદ્રની રાશિને આધારે જ વ્યક્તિઓના નામ રાખવામાં આવે છે. શુભ મુહુર્તનો આધાર ચંદ્રના નક્ષત્રભોગ ઉપર જ છે. તો બધી તિથિઓ ચંદ્રની કળાઓને આધારે ઓળખાય છે. તો વિશોત્તરી દશાનો આધાર પણ જન્મ સમયે ચંદ્રનું નક્ષત્ર જ છે. આમ ચંદ્ર એટલે કે મનને બધી કાર્ય સિદ્ધિઓમાં વધુ બળવાન ગણ્યું છે. મન પ્રફુલ્લિત અને શાંત હશે તો કાર્ય સિદ્ધિ થવાની જ છે.ભારત દેશમાં જ્ઞાનનો પાર નથી, આપણા સિદ્ધ ઋષિઓએ આ પાંચ પક્ષીના શાસ્ત્રની રચના સમાજના હિત માટે કરી છે. અનેક સમય સુધી આ પાંચ પક્ષીઓનું શાસ્ત્ર આમ જનતાથી દૂર રહ્યું છે. પણ હવે લોકો તેને જાણતાં થયાં છે. પાંચ પક્ષીઓ એ રૂપક છે. પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. પાંચ તત્વોને પક્ષીઓની ઉપમા આપીને ઋષિ સાહિત્યકારોએ આ શાસ્ત્રને સરળતાથી સમજી શકાય તેવું કર્યું છે.

ચંદ્રના નક્ષત્ર અનુસાર એટલે કે ઉદિત તત્વ અનુસાર પાંચ તત્વરૂપી પક્ષીઓની કલ્પના કરવામાં આવી છે. ગીધ- પૃથ્વી તત્વ, કાગડો- અગ્નિ તત્વ, કૂકડો- વાયુ તત્વ, ઘુવડ- જળ તત્વ, મોર- આકાશ તત્વ.  કૂકડો, ગીધ, મોર, કાગડો અને ઘુવડ, આ પાંચેય પક્ષીઓ જન્મના નક્ષત્ર અનુસાર દરેક જાતક માટે નિશ્ચિત છે. જેમ કે વિશાખા નક્ષત્રમાં કૃષ્ણ પક્ષમાં જન્મનાર વ્યક્તિનું જન્મ પક્ષી કાગડો- અગ્નિ તત્વ છે.હવે દરેક પક્ષીની પાંચ અવસ્થા કે ચેષ્ટાઓ કલ્પવામાં આવી છે. દરેક પક્ષી, પોતપોતાના નિશ્ચિત સમયે ચંદ્રની કળાઓ અનુસાર, તિથિ અનુસાર અલગઅલગ અવસ્થામાં હોય છે. આ પાંચ અવસ્થાઓ નીચે મુજબ છે:

આહાર કરવો: આ દરમિયાન જૂના કાર્યોને ભૂલીને નવા કાર્યો માટે શક્તિ એકત્ર કરાય છે.

ચલિત અવસ્થા: સભાનપણે કાર્યમાં જોડાવું, આ દરમિયાન કાર્ય કરવાની ગતિ વધે છે.

નિર્ણય કરવું: આ અવસ્થામાં બળ અને બુદ્ધિ બંને ખૂબ વધુ રહે છે, સફળતા મળે જ છે.

નિંદ્રા અવસ્થા: કાર્યોમાંથી દૂર જવું અને નીરસતા ઉત્પન્ન થવી, બેધ્યાન રહેવું.

મૃત અવસ્થા: મન અને શરીરનું તાલમેલ બગડી જવો, નિષ્ફળતા મળે છે.

તમે જે કાર્ય કરવા માગતા હોવ તે કાર્યના સમયે તમારા જન્મ પક્ષીની અવસ્થા જાણી લેવી. જો તે પક્ષીની અવસ્થા નિર્ણયાત્મક કે ચલિત હશે તો તે સમયે તમને કાર્યમાં નિશ્ચિત રીતે સફળતા મળવાની સંભાવના રહેલી છે. કોઈ કાર્ય કરતાં સમયે જો તમારા જન્મ નક્ષત્ર અનુસાર નિશ્ચિત થયેલ પક્ષીની અવસ્થા જો મૃત કે નિંદ્રા હશે તો તમારા કાર્યમાં મન અને શરીર એકાગ્ર થઇ શકતું નથી અને તમારા કાર્યની સફળતા પર પ્રશ્નાર્થ લાગી જાય છે.

ઉપર જણાવ્યું તે કાર્યસિદ્ધિ કેવી રીતે થઇ શકે તે પ્રશ્નની વાત છે. પરંતુ આ પાંચ પક્ષીના શાસ્ત્રના અનેક ઉપયોગ છે. જેમ કે, આ શાસ્ત્ર દ્વારા શુભ મુહુર્ત નક્કી થઇ શકે, પ્રવાસ માટે પ્રસ્થાનનો શુભ સમય નક્કી થઇ શકે, ખોવાયેલી ચીજ ક્યારે મળી શકે તેની સંભાવના જાણી શકાય છે.ક્યારેક તમને અચાનક કોઈ બાબતે પ્રશ્ન ઉપસ્થિત થયો, અથવા તો કોઈએ આવીને તમને પ્રશ્ન કર્યો કે મારું કાર્ય સિદ્ધ થશે કે નહી? આ પ્રશ્નનો જવાબ પણ આ શાસ્ત્ર વડે જાણી શકાશે. પ્રશ્ન સમયે ચંદ્રનું નક્ષત્ર જોઈ લેવું, તેના પરથી એક તત્વરૂપી પક્ષી નક્કી થશે, ઉદાહરણ તરીકે આર્દ્રા નક્ષત્રમાં શુકલ પક્ષમાં કોઈએ પ્રશ્ન કર્યો કે મારું કાર્ય સિદ્ધ થશે? આ સમયે નક્ષત્ર અનુસાર પક્ષી ઘુવડ થશે. તે દિવસે પ્રશ્ન સમયે ઘુવડની અવસ્થા જાણી લેવી. આ અવસ્થા જો મૃત હશે તો તેનું કાર્ય સિદ્ધ નહી થાય, નિર્ણય અવસ્થા હશે તો કાર્ય સિદ્ધ થશે.

મનુષ્ય શરીરની ‘બાયોરીધમ’ તેના જન્મના દિવસ પર આધારિત છે, બાયોરીધમ આજે એક સ્વીકૃત વિજ્ઞાન છે જે મનુષ્યના જન્મના સમય, દિન અને ચંદ્રની અવસ્થાઓને ધ્યાનમાં લઈને તમને મન અને શરીરની અવસ્થા જણાવે છે. કદાચ બાયોરીધમએ આપણા પાંચ પક્ષીના શાસ્ત્રની જ નવીન આવૃત્તિ હોય તેવું બની શકે. આપણા ઋષિમુનિઓએ આ શાસ્ત્રની રચના અનેક વર્ષો પહેલા કરી હતી, ત્યારે મનુષ્ય શરીર અને તબીબી જગતની આટલી બધી માહિતી ઉપ્લબ્ધ ન હતી, છતાં તેમણે કઈ રીતે સચોટ સંશોધન કર્યું હશે તે આશ્ચર્યકારક છે. આ શાસ્ત્ર ભારતનું છે, તે ગર્વ અનુભવવા જેવી વાત છે. મનુષ્યના શરીર અને મનને ચંદ્ર સાથે સીધો સંબંધ ઋષિમુનિઓએ પાંચપક્ષીના શાસ્ત્રમાં ગ્રંથિત કર્યો છે. દરેક પક્ષીની અવસ્થાનો કોઠો દક્ષિણ ભારતના પંચાંગોમાં સહેલાઇથી પ્રાપ્ય છે.