જ્યોતિષની દુનિયામાં અળગા રહેલા હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોની વાત

ર્ષલ, નેપચ્યુન અને પ્લુટો આ ત્રણેય ગ્રહો જ્યારથી શોધાયા છે ત્યારથી તેમને હજુ સુધી વૈદિક જ્યોતિષમાં પ્રવેશ નથી મળ્યો, આ ત્રણેય ગ્રહોને ભારતના જ્યોતિષમાં કહેવા પુરતું પણ સ્થાન નથી મળ્યું તેમ કહીએ તો પણ વાજબી ગણાશે.

આ ત્રણેય ગ્રહો, જ્યોતિષના નિયમો પ્રમાણે જાતકોના જીવનમાં ફેરફાર નથી લાવી શક્યા તેવું આજ સુધીના જ્યોતિષના લેખો વાંચીને કહી શકાય, કોઈ ના જીવનની કોઈ પણ ઘટનામાં આ ત્રણેય માંથી કોઈ ગ્રહનો ફાળો હોય, તેવું હજુ સુધી તો મારે સાંભળવામાં આવ્યું નથી. પણ આ ત્રણેય ગ્રહોને પશ્ચિમના જ્યોતિષીઓએ ફલિત જ્યોતિષમાં ઉમળકાભેર વધાવી લીધા છે અને તેમના કુંડળીમાં સ્થાનને આધારે ભવિષ્યવાણીઓ પણ કરી છે.હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો ફલિત જ્યોતિષમાં:

આ ત્રણેય ગ્રહો ખૂબ ધીમા છે એટલે કે તેઓને સૂર્યની પ્રદક્ષિણા કરતા ૮૦ વર્ષથી પણ વધુ સમય લાગે છે. આટલા લાંબા અંતરાલ પર તો મનુષ્યનું જીવન તો જાણે પૂર્ણ થઇ ગયું હશે. માટે તેમના ભ્રમણનું તો જાણે ફલિત જ્યોતિષમાં મહત્વ ના હોય તેવું બની શકે. પરંતુ જન્મકુંડળીમાં આ ગ્રહો જ્યાં બિરાજે છે, ત્યાંથી શનિ, ગુરુ અને રાહુ કેતુ તો રાબેતા મુજબ પસાર થાય છે જ માટે જયારે જયારે બીજા ગ્રહો આમના સ્થાન પરથી પસાર થાય છે ત્યારે ત્યારે આ ગ્રહો જાતકના જીવનમાં ચોક્કસ બદલાવ આપે છે.

વૈદિક જ્યોતિષથી અળગા રહેલા આ ત્રણેય ગ્રહોનું કારકત્વ:

હર્ષલ: યુરેનસ એટલે કે હર્ષલને રીતરિવાજને બદલનાર, સ્વતંત્રતાને ચાહનાર, બુદ્ધિ વડે પ્રથાને બદલનાર કહેવામાં આવ્યો છે. જ્યાં હર્ષલની વાત આવે છે, ત્યાં લોકજુવાળ, નવીનતા અને બદલાવની જ વાત મહત્વની છે. હર્ષલને કુંભ રાશિનો માલિક ગણ્યો છે. હર્ષલ પ્રથાને બદલનાર હોઈ તેને બુદ્ધિશાળી અને તર્કપ્રધાન ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહમાં અહમ અને જીદ બંને જોવા મળે છે. બુધગ્રહના ગુણોને વધુ આગળ લઇ જઈએ તો હર્ષલ બને છે, તેમ વિદ્વાનોનું માનવું છે.નેપચ્યુન: નેપચ્યુનને ‘ગુમાવનાર’ ગ્રહ કહી શકાય, પણ અહી નેપચ્યુન નહીં પણ જાતક કશુંક ગુમાવે છે. નેપચ્યુન જીવનમાં કશુંક ગુમાવી દેવાના પ્રસંગ આપતો રહે છે. જયારે તમે કોઈક સમયે જીવનમાં ભટકી જાઓ છો, અથવા તો કોઈ રસ્તો નથી તેવા સંજોગો પેદા થાય છે, તે નેપચ્યુનના પ્રસંગ કહી શકાય. લત લાગવી, છેતરાવું અને કોઈ એક ચીજ પાછળ પાગલ બનવું આ ગ્રહ થકી થઇ શકે. શુક્રગ્રહના ગુણોને વધુ આગળ લઇ જઈએ અને સ્વતંત્ર બનાવીએ તો નેપચ્યુન બને છે, તેમ વિદ્વાનોનું માનવું છે. નેપચ્યુનને મીન રાશિનો માલિક ગણ્યો છે.પ્લુટો:

પ્લુટોને ભાવનાશીલ તોફાની શક્તિ કહી શકાય, પ્લુટો મનમાં જે દબાયેલું છે તેને બહાર લાવે છે. આ ગ્રહ મનુષ્યના જીવનની સીમાઓને બદલી નાખે છે. તમે જયારે પોતાના અંગત જીવનમાં સંબંધોમાં નાટ્યાત્મક વળાંક જુઓ છો અથવા તો વ્યવસાય જેવી બાબતોમાં પોતાની લાંબી તકલીફોના લીધે બદલાવ લાવો છો આ ઘટનાઓ પ્લુટો ગ્રહ શાસિત કહી શકાય. મંગળ જેવા ઉગ્રગ્રહને માનસિક પટલ પર મુકીએ અથવા તો એક સમયે ખૂબ જ બળવાન બનાવીને અનુભવવામાં આવે તો પ્લુટોનો અનુભવ થશે. પ્લૂટોને વૃશ્ચિક રાશિનો માલિક ગણ્યો છે.ફલિત જ્યોતિષમાં ચંદ્રના અંશ, લગ્ન રાશિના અંશ, દસમાં ભાવના અંશ અને સૂર્યના અંશ આ ચારેય મહત્વના સ્થાન છે. તેમની સાથે હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોનો સંબંધ નીચે મુજબ ફળ આપે છે;

હર્ષલના અન્ય ગ્રહો સાથેના સંબંધ પાશ્ચાત્ય મત:

હર્ષલ સાથે સૂર્ય: જાતને બદલવાની તમન્ના, ઊંચા થવાની ખેવના.

હર્ષલ સાથે ચંદ્ર: પોતાના લાગણીશીલ સ્વભાવનો ત્યાગ, ભાવનાઓથી મુક્તિ.

હર્ષલ સાથે પહેલો ભાવ: જીવનનો મહત્વનો બદલાવ, નવું વ્યક્તિત્વ.

હર્ષલ સાથે દસમો ભાવ: સામાજિક અને કર્મની બાબતોમાં નવીનતા.

નેપચ્યુનના અન્ય ગ્રહો સાથેના સંબંધ પાશ્ચાત્ય મત:

નેપચ્યુન સાથે સૂર્ય: પોતાની ઓળખ સ્થાપિત કરવામાં મુશ્કેલી.

નેપચ્યુન સાથે ચંદ્ર: અનિયંત્રિત મન, ભાવનાઓમાં ભૂલા પડવું.

નેપચ્યુન સાથે પહેલો ભાવ: શારીરિક બાબતોમાં અનિયંત્રણ.

નેપચ્યુન સાથે દસમો ભાવ: પોતાની સત્તા અને સ્થાન ગુમાવવાના પ્રસંગ.

પ્લુટોના અન્ય ગ્રહો સાથેના સંબંધ પાશ્ચાત્ય મત:

પ્લુટો સાથે સૂર્ય: પોતાની ઓળખ પર જોખમ આવવું, ઓળખ મહત્વની બની જવી.

પ્લુટો સાથે ચંદ્ર: ભાવનાઓમાં તકલીફ, સ્ત્રીઓની અને પ્રેમની દરકાર ના કરવી.

પ્લુટો સાથે પહેલો ભાવ: દબાણ અને પરિસ્થિતિને વશ શારીરિક તકલીફો, શરીરમાં બદલાવ.

પ્લુટો સાથે દસમો ભાવ: જીદ અને મતભેદોથી કારકિર્દીમાં આવેલું પરિવર્તન.

વૈદિક જ્યોતિષમાં આ ત્રણ ગ્રહોને સ્થાન ન મળવાનું શક્ય કારણ:

વૈદિક જ્યોતિષ ખુબ જ પ્રાચીન છે, આપણા ઋષિમુનિઓએ જે આકાશમાં છે તેને જ પૃથ્વી પર જોયું છે. આ જ ધારણા પર જ્યોતિષ રચાયું છે. જે સૌથી નજીક અને નરીઆંખે દ્રશ્યમાન ગ્રહો છે, તેઓને જ્યોતિષમાં સ્થાન મળ્યું છે. હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોને નરીઆંખે જોઈ શકાતા નથી. માટે જ તેઓને પૃથ્વીના કે આપણા નભોકુટુંબના સભ્ય નથી ગણ્યા. જે નરીઆંખે જોઈ શકાય છે, તેઓ નજીક છે અને નજીક છે એટલે જ તેઓ મહત્વના છે, બાકીના મહત્વના નથી?