ડુરાન્ડ રેખા પર પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સેના આમને-સામને

પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચેની સરહદ ડુરાન્ડ લાઇન પર યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. TTP આતંકવાદીઓ દ્વારા 16 પાકિસ્તાની સૈનિકોની હત્યા કર્યા પછી, પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનના આ હુમલામાં લગભગ 50 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે TTP આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો.આ હુમલાથી ગુસ્સે થઈને, તાલિબાને ડુરાન્ડ લાઇન પર પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલો કર્યો અને 19 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો. આ સિવાય તેણે 2 પાકિસ્તાની પોસ્ટ કબજે કરવાનો પણ દાવો કર્યો છે. અફઘાનિસ્તાન અંગ્રેજો દ્વારા દોરવામાં આવેલી ડ્યુરન્ડ લાઇનને સ્વીકારતું નથી. આ કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂઆતથી જ સ્થિતિ તણાવપૂર્ણ છે. હવે બંને દેશોએ એકબીજા પર હુમલો કર્યા બાદ ડુરાન્ડ લાઈનનો મુદ્દો ફરી ગરમાયો છે.

તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે શનિવાર રાત સુધી લડાઈ ચાલુ રહી હતી. હાલ શાંતિપૂર્ણ માહોલ છે. ચાલુ સંઘર્ષને જોતા હજારો અફઘાન નાગરિકોને સરહદી વિસ્તારોમાંથી સ્થળાંતર કરવું પડ્યું છે. પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે કે ડુરાન્ડ લાઇનની નજીકના ઘણા વિસ્તારોમાં લડાઈ થઈ હતી. પરંતુ તાલિબાનના હુમલામાં માત્ર 1 પાકિસ્તાની સૈનિકનું મોત થયું છે.અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં બંને દેશો વચ્ચે દોરેલી ડુરાન્ડ રેખાને કાલ્પનિક રેખા ગણાવી છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ’28 ડિસેમ્બરે આ હુમલો પાકિસ્તાનના તે વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો જ્યાંથી અફઘાન જમીન પર હુમલા કરવામાં આવ્યા હતા.