વિક્રમ સંવત 2075માં વૃશ્ચિક રાશિનું વાર્ષિક ભવિષ્ય

ગોચરના ગ્રહો જન્મરાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમ્યાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળકથનનું શુભાશુભ મદાર રાખે છે.

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ શુભ અને ફળદાયી રહેશે, આ રાશિમાં ગુરુ મહારાજ ઉપસ્થિત છે, માટે આ રાશિ પર અન્ય ગ્રહો દ્વારા દોષમાં ઘટાડો થાય છે. આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જેવા બળો આ રાશિને મળે છે. બીજા ભાવે શનિ આર્થિક બાબતોને સ્થિરતા આપે છે. પરંતુ સાથે સાથે આર્થિક બાબતોમાં જલ્દી મોટી ફેર બદલની પણ સંભાવના ઓછી રહે છે. વર્ષ દરમ્યાન રાહુ અષ્ટમ ભાવે આવશે, રાહુ આઠમા સ્થાનમાં ખોટા ખર્ચ અને સ્વાસ્થ્યની ચિંતા આપી શકે છે.

ફેબ્રુઆરી અને માર્ચ ૧૯ તથા ઓક્ટોબર ૧૯ તમને આર્થિક અને કૌટુંબિક બાબતો માટે શુભ કહી શકાય. જુન ૧૯ દરમ્યાન આ રાશિની વધુ ઉમરની વ્યક્તિઓને સ્વાસ્થ્ય બાબતે વધુ ધ્યાન રાખવું પડી શકે. વિદ્યાર્થીઓને વર્ષ દરમ્યાન મિશ્ર પરિણામો મળી શકે, વર્ષનો પ્રથમ અડધો ભાગ જ્યાં સુધી રાહુ નવમે છે, ત્યાં સુધી અને પછી રાહુના આઠમે ગયા બાદ માનસિક ઉર્જામાં નાટ્યાત્મક બદલાવનો અનુભવ થઇ શકે. અષ્ટમ ભાવે રાહુ નાહકના ખર્ચ અને ચિંતા આપી શકે, મતભેદને લીધે તકલીફનો અનુભવ આપે.

લગ્ન માટે રાહ જોતા યુવાનો માટે આ વર્ષ શુભ સમાચાર લઈને આવશે. વર્ષની શરૂઆતથી લઈને ફેબ્રુઆરી સુધીનો સમય શુક્રનું ભ્રમણ શુભ છે. આ બાબતે તમને વર્ષની શરૂઆતમાં જ સફળતા મળી શકે.

નીરવ રંજન