વિક્રમ સંવત 2075માં કર્ક રાશિનું વાર્ષિક ભવિષ્ય

ગોચરના ગ્રહો જન્મરાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમ્યાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળકથનનું શુભાશુભ મદાર રાખે છે.

કર્ક:

આ વર્ષ દરમ્યાન કર્ક રાશિના જાતકો પોતાની સફળતા અને કારકિર્દીને નવી ઉંચાઈએ લઇ જઈ શકશે, આ વર્ષ તેમના જીવનમાં અનેક આર્થિક સિદ્ધિઓ અને આનંદનું વર્ષ બની રહેશે. શનિ છઠા ભાવે ગુરુ પાંચમા ભાવે અને વળી રાહુ આ રાશિમાંથી વિદાય લેશે, એપ્રિલ ૧૯ની શરૂઆતમાં, આ બધા કારણો આ રાશિને લગભગ સફળતાની નજીક લઇ જાય છે. તમારી આસપાસની બધી ઉર્જા જાણે બદલાઈ રહી છે. તમારી ચિંતાઓ અને હતાશા જલ્દી જ ચાલ્યા જશે તેમ કહી શકાય.

વિદ્યાર્થીઓ અને યુવાનોને આ વર્ષ પ્રગતિ-દાયક કહેવાશે. નોકરીમાં બઢતી અને પ્રગતિ સાથે ફેરબદલની ઉજ્જવળ તકો બનશે. મહિલાઓને વર્ષ દરમ્યાન શારીરિક તકલીફ રહી શકે છે, પરંતુ સામે પક્ષે તમે આર્થિક અને સામાજિક બાબતોમાં સતત પ્રગતિ કરશો. વ્યવસાય અને રોજગારની વાત કરીએ તો વર્ષની શરૂઆત મધ્યમ ફળદાયી જણાય પરંતુ ફેબ્રુઆરી અને એપ્રિલ ૧૯માં મંગળનું દસમે અને લાભ ભાવે આવવું, તમને ખુબ ફળદાયી નીવડશે. નવી ચીજોની ખરીદી અને વાહનનો લાભ થઇ શકે.

લગ્ન વિષયક બાબતોમાં તમને આ વર્ષે સફળતા મળી શકે, અંગત જીવનની આ બાબતો આ વર્ષ દરમ્યાન વધુ મહત્વની બનશે. કેતુ સપ્તમ ભાવે રહીને તમને આ બાબતો માટે વધુ સજાગ કરશે. શારીરિક બાબતો અને સ્વાસ્થ્ય માટે આ વર્ષ મધ્યમ કહી શકાય

નીરવ રંજન