ચેરાપૂંજી (મેઘાલય): વરસાદની વૈશ્વિક રાજધાની…

ઈશાન ભારતના રાજ્ય મેઘાલયના પાટનગર શિલોંગથી 58 કિ.મી. દૂર આવેલું છે ચેરાપૂંજી. તે ભારતનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં બારેમાસ માત્ર એક જ મોસમ હોય છે – ચોમાસું. ચેરાપૂંજીનું નવું નામ છે સોહરા, જે એનું ઐતિહાસિક નામ છે. ચેરાપૂંજી કે સોહરા ખાતે મોટર દ્વારા જઈ શકાય છે, પણ આકરા ચઢાણવાળો રૂટ છે. આખા માર્ગ પર કાયમ ધૂમ્મસ છવાયેલું રહે છે. શિલોંગથી બસ અને ટેક્સી દ્વારા ચેરાપૂંજી જઈ શકાય.

ચેરાપૂંજીમાં આટલો બધો વરસાદ પડવાનું કારણ આ છેઃ જમીનની સપાટીથી ચેરાપૂંજી 4,500 ફૂટ ઊંચે આવેલું છે. એટલે નીચે મેદાનવિસ્તારોની ઉપરથી જે પવન ફૂંકાય એ જેમ જેમ ઉંચે ચડે એમ ઠંડો થાય. સૂર્યની ગરમીનું બાષ્પીભવન થાય. પવનમાંની ઠંડક ભેજમાં પરિણમે, એની જમાવટ થાય, એના ઘેરાં વાદળ બંધાય અને પછી એમાંથી વરસાદ રિલીઝ થાય.

ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ચેરાપૂંજીને વિશ્વના નંબર-1 વરસાદી સ્થળ (રેઈન કેપિટલ ઓફ ધ વર્લ્ડ) તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. અહીં વર્ષ દરમિયાન 11,777 મિ.મી. (463 ઈંચ) વરસાદ પડતો હોય છે.

સૌથી વધારે વરસાદ મેથી સપ્ટેંબર સુધીના પાંચ મહિના દરમિયાન પડે છે. આ સમયગાળા દરમિયાન વાદળો કાળાડિબાંગ રહેતા હોય છે અને વરસાદ ધોધમાર પડ્યા કરે છે.

1861માં તો 22,987 મિ.મી. વરસાદ પડ્યો હતો, જે એક રેકોર્ડ છે.

ચેરાપૂંજીથી 10 કિ.મી. દૂર આવેલા મૌસીનરામ ગામમાં છેલ્લા કેટલાક વખતથી ચેરાપૂંજી કરતાં વધારે વરસાદ પડે છે. ત્યાં ગયા વર્ષે 12,163 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ચેરાપૂંજીમાં જોવાલાયક સ્થળો છે – ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજ, નોહકલિકાઈ વોટરફોલ્સ (સેવન સિસ્ટર્સ વોટરફોલ્સ, જે 1033 ફૂટની ઊંચાઈએથી પડે છે), ક્રમ મોમ્લુહ ગુફા, માવ્સમાઈ ધોધ, ઈકો પાર્ક.