ફરી મળશે ગંગોત્રી, યમુનોત્રીમાં પવિત્ર સ્નાનનો લ્હાવો…

એવું કહેવાય છે કે ચાર-ધામ યાત્રાના બે ધામ – ગંગોત્રી અને યમુનોત્રીની નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિ પાપમુક્ત થઈ જાય છે. આ બંને યાત્રાધામના પ્રવાસે જવાનો મોકો એપ્રિલથી મળશે. આ બંને યાત્રાધામ મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે 18 એપ્રિલથી ખુલ્લા મૂકવામાં આવશે. એ દિવસે અખા ત્રીજ અથવા અક્ષય તૃતીયા તિથિ છે જે હિન્દુ શાસ્ત્રાનુસાર પવિત્ર તિથિ ગણાય. ઉત્તરાખંડ રાજ્યમાં ગઢવાલ હિમાલયમાં સ્થિત આ યાત્રાધામોનાં દ્વાર તે પહાડી વિસ્તારમાં પડતી કાતિલ ઠંડી અને બરફ પડવાને કારણે દર વર્ષે દિવાળીના દિવસથી છ મહિના માટે બંધ કરી દેવામાં આવે છે અને એપ્રિલ-મેથી નવેમ્બર સુધી ખુલ્લા રાખવામાં આવે છે.

યમુનોત્રી ધામ

ચાર-ધામ (ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ)માં પહેલું ધામ યમુનોત્રીનું છે. પવિત્ર યમુના નદીનું ઉદગમ સ્થાન યમુનામાતાનાં મંદિરથી માત્ર એક જ કિલોમીટર દૂર આવેલું છે. બંદરપૂંછ શિખરના પશ્ચિમી ભાગમાં ફેલાયેલા યમુનોત્રી ગ્લેશિયરને નિહાળવું એક રોમાંચક અનુભવ હોય છે. યમુના નદીનું સ્રોત કાલિંદી પર્વત છે. દરિયાઈ સપાટીથી આ સ્થળ આશરે 4421 મીટર ઊંચાઈ પર છે. કઠિન ચઢાણ હોવાને કારણે ઘણાં શ્રદ્ધાળુઓ આ ઉદગમ સ્થળને જોવાથી વંચિત રહી જાય છે. યમુનોત્રીમાં પાણીના ઘણા સ્રોત છે, એમાંનો એક છે, સૂર્યકુંડ. 19મી સદીમાં જયપુરના મહારાણી ગુલરિયાએ આ મંદિર બંધાવ્યું હતું પણ એ જ સદીમાં મંદિર બે વાર નાશ પામ્યું હતું અને ફરી એનું બાંધકામ કરવામાં આવ્યું.

ગંગોત્રી ધામ

ગંગોત્રી એ અન્ય પવિત્ર નદી ગંગાનું ઉદગમ સ્થાન છે. આ સ્થળ સમુદ્રતટથી આશરે 3,042 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ગંગામૈયાનાં મંદિરનું નિર્માણ 18મી સદીમાં ગુરખા કમાન્ડર અમરસિંહ થાપાએ કરાવ્યું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે એ નાશ પામ્યા બાદ જયપુરના મહારાણીએ એનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. દર વર્ષે એપ્રિલ-મેથી ઓક્ટોબર વચ્ચેના સમયગાળામાં ગંગોત્રી મંદિર અને ગંગામૈયાનાં દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ-તીર્થયાત્રીઓ-પર્યટકો આવે છે. ગંગોત્રી મંદિરથી 19 કિ.મી. દૂર, 3,892 મીટરની ઊંચાઈ પર ગૌમુખ ગંગોત્રી ગ્લેશિયરનું મુખ છે, એ જ ભાગીરથી નદીનું ઉદગમ સ્થાન છે. ગંગા એટલે જ ભાગીરથી નદી. અહીંના બર્ફિલા પાણીમાં સ્નાન કરવાથી શાંતિનો અનુભવ થાય છે અને એવી માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે. ગંગોત્રીથી ગૌમુખ સુધી પગપાળા અથવા ટટ્ટુ પર બેસીને જવાય છે. અહીંના પહાડો પરનું ચઢાણ યમુનોત્રી જેટલું કઠિન નથી. આ સ્થળે શિળાળો કાતિલ ઠંડીવાળો હોય છે, પણ ઉનાળાની ઋતુમાં મોસમ સરસ રહે છે. વરસાદ પણ અવારનવાર પડતો હોય છે.