રવાના ગુલાબજાંબુ

આપણે રવાનો શીરો તો બનાવીએ જ છીએ, પણ આજે રવાના ગુલાબજાંબુ બનાવીશું….કેવો છે આ આઈડિયા ગુલાબજાંબુ બનાવવાનો?… રવિવાર માટે સ્વીટ ડીશની વેરાયટી મળી ગઈ ને…?

સામગ્રીઃ

  • 1 કપ ઝીણો રવો
  • 2 કપ દૂધ
  • 1½ ટે.સ્પૂન ઘી
  • 3 ટે.સ્પૂન મિલ્ક પાઉડર
  • 2 કપ સાકર
  • 1½ કપ પાણી
  • ¼ ટી.સ્પૂન એલચી પાવડર

રીતઃ સૌ પ્રથમ એક કઢાઈમાં રવો હલકો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી લો .  ત્યારબાદ ગરમ કરેલું દૂધ એમાં ઉમેરી દો. અને તવેથાથી હલાવતાં રહો. એમાં ગઠ્ઠાં ના થવા જોઈએ. જેવું મિશ્રણ ઘટ્ટ થવા માંડે એટલે એમાં ઘી ઉમેરી દો અને હલાવતાં રહો. મિશ્રણ કઢાઈમાં લીસું થવા માંડે, એટલે કે કઢાઈના કિનારા છોડવા માંડીને વચ્ચે જમા થવા માંડે એટલે ગેસ બંધ કરી દો. મિશ્રણને બીજા વાસણમાં કાઢી લો અને ઠંડું થવા દો.

મિશ્રણ ઠંડું થાય ત્યાં સુધીમાં ચાસણી બનાવી લો. એ માટે ગેસ ઉપર એક વાસણમાં સાકર તેમજ પાણી મિક્સ કરીને એક તારની ચાસણી બનાવી લો. અથવા ચાસણીનું એક ટીપું બે આંગળી વચ્ચે સ્ટીકી થાય એવું મિશ્રણ તૈયાર થાય એટલે ગેસ પરથી ઉતારી લો.

રવાનું મિશ્રણ ઠંડું થયા બાદ એમાં મિલ્ક પાઉડર મિક્સ કરીને પાંચ મિનિટ સુધી લોટને લીસો થાય ત્યાં સુધી કુણી લો. એમાં થોડું ઘી ઉમેરીને ફરીથી લીસો બનાવો. અને થોડું થોડું મિશ્રણ લઈ ટાઈટ હાથે ગોળા વાળી લો.

ગેસ ઉપર કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરીને થોડાં થોડાં ગોળા વાળતાં જવું અને ઘીમાં નાખીને તળી લો (ગોળાને હલાવતાં રહેવું). આ તળેલાં ગોળા ચાસણીમાં નાખી દો. અને ગેસ ઉપર ચાસણીને ગરમ કરવા મૂકો. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરીને વાસણ ઢાંકીને અડધો કલાક રહેવા દો. અડધા કલાક બાદ ગુલાબજાંબુ ફુલી જશે. હવે તમે ગુલાબજાંબુ ખાવામાં લઈ શકો છો.