વેજ. ક્રન્ચી ઓનિયન રીંગ્સ

0
782

બાળકોને હંમેશા નાસ્તામાં કોઈ નવીનતા જોઈતી હોય છે. અને ક્રન્ચી ખાવાનું એમને ભાવતું હોય છે. તો બનાવી લો વેરાયટી નાસ્તામાં… વેજ. ક્રન્ચી ઓનિયન રીંગ્સ!!

સામગ્રીઃ 2-3 મિડિયમ સાઈઝના કાંદા, 5-6 ટે.સ્પૂન ચોખાનો લોટ અથવા કોર્ન ફ્લોર, 4 ટે.સ્પૂન મેંદો, 1  ટી.સ્પૂન લસણની પેસ્ટ, 2  ટી.સ્પૂન મરચાં પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી હીંગ, તળવા માટે તેલ, 1 કપ બ્રેડ ક્રમ્સ

ગાર્નિશ માટેઃ મિક્સ હર્બસ્, ઝીણી સમારેલી કોથમીર

રીતઃ કાંદાને છોલીને ધોઈને 1 સેં.મી. જાડાઈની રીંગમાં કટ કરી લો. બધી રીંગ છૂટ્ટી કરીને એકબાજુએ મૂકી દો. બ્રેડ ક્રમ્સ એક બાઉલમાં એકબાજુ મૂકી દો.

એક બાઉલમાં બંને લોટ, મસાલા તેમજ લસણની પેસ્ટ લઈ થોડું થોડું પાણી ઉમેરીને ખીરૂં બનાવી લો. કાંદાની રીંગ જો તમને કડક જોઈતી હોય તો ખીરૂં થોડું ઘટ્ટ રાખવું. અને સપ્રમાણ ક્રિસ્પી જોઈએ તો બટેટાના ભજીયાના ખીરા જેવું રાખવું.

કાંદાની એક-એક રીંગ ખીરામાં બોળીને તરત કાઢીને બ્રેડ ક્રમ્સમાં રગદોળીને એક પ્લેટમાં ગોઠવતાં જાવ. આ તૈયાર રીંગ્સને અડધો કલાક માટે ફ્રીઝરમાં રાખો.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. અને મધ્યમ આંચે કાંદાની રીંગ એકબીજાને ચોંટે નહીં એ રીતે થોડી થોડી છૂટ્ટી નાખીને તળતા જાવ.  બધી રીંગ તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં મૂકીને ઉપર મિક્સ હર્બસ્ છાંટીને કોથમીર ભભરાવી દો.