સેવ બરફી

‘સેવ બરફી’ એક સિંધી મિઠાઈ છે. સિંધીમાં એને ‘સિંઘાર જી મિઠાઈ’ કહેવામાં આવે છે. આ બરફી ઘણી જ સ્વાદિષ્ટ છે. હાલમાં બોલિવુડ સેલિબ્રિટી દિપિકા પદુકોણ તેમજ રણવીર સિંહ પરણી ગયા. તેમના લગ્નના મેનૂમાં આ બરફીનું નામ ગુંજ્યૂં છે. તો ચાલો જાણીએ, કઈ રીતે આ બરફી બનાવાય છે.

સામગ્રીઃ

  • નમક વિનાની ચણાના લોટની જાડી સેવ 250 ગ્રામ
  • દૂધ 2 કપ
  • સાકર 250 ગ્રામ
  • મોળો દૂધનો માવો 250 ગ્રામ
  • એલચી પાવડર 1 ટી.સ્પૂન
  • 7-8 કેસરના તાંતણા
  • 2-3 ટે.સ્પૂન ઘી
  • રોઝ એસેન્સ 4-5 ટીપાં
  • કાજૂ-બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન

રીતઃ એક જાડા તળિયાની કઢાઈમાં દૂધને ગરમ કરવા મૂકો. એમાંથી 2 ટે.સ્પૂન દૂધને એક વાટકીમાં લઈ એમાં કેસર પલાળી દો અને એક બાજુએ મૂકી દો.

 

દૂધનું પ્રમાણ અડધું થાય ત્યાં સુધી એક લાંબા ઝારા વડે દૂધને હલાવતાં રહો. ત્યાર બાદ સાકર ઉમેરો. સાકર ઓગળી જાય એટલે માવો ખમણીને ઉમેરી દો. સાથે ઘી પણ ઉમેરી દો. એમાં પલાળેલું કેસર અને એલચી પાવડર ઉમેરી દો. મિશ્રણને હલાવતાં રહો. હવે એમાં સેવ ઉમેરી દો અને ગેસની આંચ ધીમી કરી દો. હળવેથી મિશ્રણને હલાવો, સેવ તૂટવી ના જોઈએ. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં રોઝ એસેન્સ મિક્સ કરી દો.

ઘી ચોપડેલી એક થાળીમાં મિશ્રણ પાથરી દો. ચપટા તળિયાવાળી એક વાટકી વડે મિશ્રણને હળવેથી ઉપરથી દાબી દો. અને ઉપર સૂકા મેવાની કાતરી ભભરાવી દો. 1-2 કલાક બાદ મિશ્રણ ઠંડું થાય અને સૂકું થાય એટલે ચપ્પૂ વડે બરફીના કટકા કરી લો.