લાવા કેક

કોઈ ખુશીમાં ચોકલેટ ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે. અને એ ચોકલેટનો સ્વાદ કેકમાં તે પણ ગરમાગરમ ખાવા મળે તો? મઝા આવે ને? મોઢાંમાં પાણી આવી ગયું ને… તો ચાલો બનાવીએ લાવા કેક!

સામગ્રીઃ  

  • ½ કપ મેંદો
  • ½ કપ દળેલી સાકર
  • 5 ટે.સ્પૂન કોકો પાવડર
  • ¼ ટી.સ્પૂન બેકીંગ પાવડર
  • 140 ગ્રામ ડાર્ક ચોકલેટ
  • ¼ કપ બટર
  • 120 ગ્રામ કન્ડેન્સ્ડ્ મિલ્ક
  • ½ કપ ગરમ પાણી
  • 3-4 મફીન ટીન
  • 3 કપ ખાવાનું મીઠું

રીતઃ સૂકી સામગ્રી એક બાઉલમાં ભેગી કરી લો. ચાળણીથી ચાળીને એકબાજુએ મૂકી દો.

ધીમી ગેસની આંચે એક પેન ગરમ કરવા મૂકો. એની ઉપર બીજું એક બાઉલ ગરમ કરવા મૂકો. એમાં ડાર્ક ચોકલેટ અને બટરને મિક્સ કરી એક ચમચા વડે હલાવતાં રહો. બટર અને ડાર્ક ચોકલેટ ઓગળીને મિક્સ થવા જોઈએ.

હજી ત્રીજું બાઉલ અલગથી લો (આ બાઉલને ગરમ પેનમાં મૂકવાની જરૂર નથી). એમાં કન્ડેન્સ્ડ્ મિલ્ક લઈ એમાં ½ કપ ગરમ પાણી ઉમેરી એકરસ મિક્સ કરી લો.

આગળ વધતાં પહેલાં કૂકરને પ્રિ-હિટ કરી લો. હાં, ઓવનની જેમ કૂકરને પણ પ્રિ-હિટ કરવું જરૂરી છે. તે માટે 3 કપ જેટલું ખાવાનું મીઠું(નમક) (અથવા રેતી પણ લઈ શકો છો). મીઠાંને કૂકરમાં પાથરી દો. એની ઉપર કાંઠો અથવા રીંગ મૂકીને જાળી મૂકી દો. (કૂકરના ઢાંકણમાંથી gasket (રબરની રિંગ)  કાઢી લઈ સિટી રહેવા દેવી.) દસ મિનિટ ફાસ્ટ ગેસ ઉપર કૂકરને ઢાંકીને ગરમ થવા દો.

સૂકી સામગ્રી વાળા બાઉલમાં ચોકલેટનું મિશ્રણ, ત્યારબાદ કન્ડેન્સ્ડ્ મિલ્કનું મિશ્રણ મેળવી દો. એકસરખું ગઠ્ઠા ના બને એ રીતે મિક્સ કરી લો. બટર અથવા ઘીને મફીન ટીનમાં ચોપડી લો અને કેકનું મિશ્રણ ¾ ટીન જેટલું દરેક ટીનમાં ભરી દો. 

દસ મિનિટ બાદ ગેસની ફ્લેમ ધીમી કરી દો. કૂકરને ખોલીને અંદર જાળી ઉપર ટીનને ગોઠવીને ફરીથી કૂકર ઢાંકી દો. ગેસની ફ્લેમ હવે મિડિયમ રાખો. દસ મિનિટ બાદ કૂકર ખોલીને ચેક કરી લો. જો કેક તૈયાર થયેલી લાગે એટલે કે ટીનની ભરેલી સપાટી કરતાં ફૂલેલી હોય તો સમજવું કેક તૈયાર છે. ના થઈ હોય તો ફરીથી થોડી મિનિટ માટે થવા દો.

કૂકરમાંથી તૈયાર ટીન બહાર કાઢ્યા બાદ થોડીવાર ઠંડી થયા બાદ ખાવાના ઉપયોગમાં લો. કારણ કે, તે એકદમ ગરમ હશે, તો ખાતી વખતે મોઢું દાઝવાનો ભય છે.

તૈયાર કેક સાવ ઠંડી થયા પછી પણ ખાવામાં સારી નહીં લાગશે. એટલે ખાવાના સમયે એને ફરીથી ઓવન અથવા કૂકરમાં થોડી ગરમ કરીને ખાવામાં લો.