ફરાળી શક્કરિયા ચાટ

નવરાત્રિમાં ઘરની રસોઈ ઉપરાંત ગરબા રમવા તૈયાર થવું હોય તો સમય તો જોઈએ જ. એમાં ઉપવાસ પણ કર્યો હોય તો ફરાળ પણ બનાવવાનો હોય. પણ જો ફરાળ ઝટપટ બની જાય અને હેલ્ધી પણ હોય તો? એવી ઝટપટ બનતી ફરાળી વાનગી છે શક્કરિયા ચાટ.

શક્કરિયામાં ફાઈબર ભરપૂર હોય છે. તેમજ તે આયર્ન, કેલ્શિયમ, મિનરલ્સ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન-A તેમજ C થી સમૃદ્ધ છે. શક્કરિયા હાડકાં, ડાયાબિટીસ તેમજ હૃદય માટે પણ સારાં છે.

 

સામગ્રીઃ

  • 2 કપ શક્કરિયા બાફીને ચોરસ ટુકડામાં સુધારેલા
  • ¼ ચમચી મરી પાવડર
  • ½ ચમચી શેકેલો જીરા પાવડર
  • સિંધવ મીઠું (ઉપવાસનું મીઠું – Rock Salt) સ્વાદ મુજબ
  • 1 ટી.સ્પૂન આમચૂર પાવડર (optional)
  • 1 ટે.સ્પૂન લીંબુનો રસ
  • 1 ટે.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

 

રીતઃ શક્કરિયાને સારી રીતે ધોઈને બાફી લો. ત્યારબાદ છોલીને એને ચોરસ ટુકડામાં સુધારી લો. એક બાઉલમાં શક્કરિયાના સુધારેલાં ટુકડા ગોઠવી દો. એની ઉપર લીંબુનો રસ તેમજ સિંધવ મીઠું, શેકેલો જીરા પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર (optional), ઝીણી સમારેલી કોથમીર નાખીને ચમચા વડે મિક્સ કરીને પીરસો.

શક્કરિયા ચાટ દહીં તેમજ લીલી ફરાળી ચટણી સાથે પીરસો.

ઉપવાસ ન હોય તો એમાં તમે લાલ મરચાં પાવડર તેમજ અન્ય તમને ભાવતાં મસાલો ઉમેરી શકો છો.